Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-સોમનાથ હાઈ-વે ભારે વરસાદમાં ધોવાયોઃ અનેક ગામો સંપર્ક વિહોણાં

છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢના માંગરોળમાં ૨૨, માળીયા હાટીનામાં ૧૪ અને ડાંગના વધઈમાં ૧૩ ઈંચ વરસાદ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૪: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઠેર-ઠેર ભારે વરસાદથી તબાહી મચી છે. સોમનાથ-દ્વારકા હાઈવે ધોવાઈ જતા સોમનાથથી દ્વારકાનો ટ્રાફિક જેતપુર-પોરબંદરના માર્ગે વાળવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. કેટલાક સ્થળે ઘરોમાં પાણી ઘુસ્યા છે, તો કેટલાક જળાશયો ઓવરફલો થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં ૨૨ ઇંચ, માળીયા હાટીનામાં ૧૪ ઇંચ અને ડાંગના વઘઇમાં ૧૩ ઇંચથી સ્થિતિ વણસી છે. માંગરોળમાં માત્ર ૩ દિવસમાં ૧૦૩% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે. પૂરની સ્થિતિ વચ્ચે ગઈકાલે તાપીના વાલોડમાં બે લોકોના તણાઈ જતાં મોત નીપજ્યાં હતાં.

રાજયમાં આજે સવારના ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં ૧ મિમીથી લઈને ૧ ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ૬ જિલ્લામાં રેડ, ૮ જિલ્લામાં ઓરેન્જ અને ૬ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે. સોમનાથથી દ્વાકાના ટ્રાફિકને જેતપુર-પોરબંદર વાળા માર્ગે વાળવામાં આવ્યો છે.

નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી અંબિકા નદીના પુલ ઉપર અમલસાડ તરફ અચાનક મોટું ગાબડું અને તિરાડો દેખાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને પગલે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પુલ પરનો રોડ તોડીને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે ગઈકાલે મોડીરાત્રે ભારે વરસાદ અને મેઘતાંડવ વચ્ચે વીજળી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. ગામની સરકારી પ્રાથમિક શાળાની છત અને દીવાલ પર વીજળી પડવાના કારણે શાળાની દીવાલ તૂટી પડી હતી. જોકે, આ ઘટના મોડીરાત્રે બની હોવાના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.

ભરૂચના વાલિયા પંથકમાં ગઈકાલે ખાબકેલા સાડા ત્રણ ઈંચ વરસાદને પગલે સિલૂડી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી પસાર થતા કોતરના પાણી ૧૦થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો નહોતો. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો. બીજી તરફ સ્કૂલ ફળિયામાં બે મકાનોની દીવાલ પડતા સાત લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી.

આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી ૫૦ જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. હાલમાં ગામની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, પરંતુ પૂરથી ભારે નુકસાન થતાં લોકોએ સહાયની માગ કરી છે.

મોડીરાતે પડેલા વરસાદ બાદ સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે. હાલમાં શહેરના સુભાષબ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહૃાો છે.

નવસારી જિલ્લામાં સરેરાશ ૭ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકવાને કારણે તેમજ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં જિલ્લાની તમામ નદીઓ તોફાની બની હતી. ગત રાત્રે ૨ વાગ્યાની આસપાસ નવસારી અને વેરાવળ પંથકમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં અચાનક મોટો વધારો થયો હતો.

નદીનું જળસ્તર તેની ૨૩ ફૂટની ભયજનક સપાટીની સાવ નજીક એટલે કે ૨૨ ફૂટે પહોંચીને સ્થિર થયું હતું. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ નીચે રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. સૌથી પહેલા પાણી ભરાતા ભેંસતખાડા વિસ્તાર સહિત શહેરના અન્ય ૧૦ જેટલા નીચાણવાળા વિસ્તારોમાં જળસ્તર વધતા જ નવસારી મહાનગર પાલિકાના ફાયર વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું. તંત્ર દ્વારા રાત્રે જ આ તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી.

જો કે, વહેલી સવારે ૫ વાગ્યા બાદ ઉપરવાસમાં વરસાદ ધીમો પડતાં પૂર્ણા નદીના જળસ્તરમાં રાહતરૂપ ઘટાડો શરૂ થયો હતો. હાલ પૂર્ણા નદીનું સ્તર ૨૨ ફૂટથી ઘટીને ૨૧ ફૂટ પર પહોંચી ગયું છે. નદી શાંત પડતાં જ ભેંસતખાડા સહિતના વિસ્તારોમાંથી પૂરના પાણી ઝડપથી ઓસરવા લાગ્યા છે. પાણી ઓસરવાની શરૂઆત થતાં જ લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવાની જરૂર પડી ન હતી અને મોટી આફત ટળી હતી.

નવસારી શહેરને અડીને આવેલી પૂર્ણા નદી પર રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલા ટાઇડલ ડેમને કારણે આ વખતે પૂરની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં રહી હોવાનું સામે આવ્યું છે.

નવસારી ઉપરાંત બિલિમોરા માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. બિલિમોરાની અંબિકા નદીની ભયજનક સપાટી ૨૮ ફૂટ છે, જેની સામે જળસ્તર વધીને છેક ૩૨ ફૂટે પહોંચી ગયું હતું. જેના કારણે બિલિમોરા શહેર પર પૂરનું મોટું જોખમ તોળાઈ રહૃાું હતું. પરંતુ ગત રાત બાદ અંબિકા નદીની સપાટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થતાં બિલિમોરા શહેર પરથી પૂરનું મોટું સંકટ ટળી ગયું છે.

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું હોવાથી આગામી કલાકોમાં નદીઓનું જળસ્તર હજુ વધુ ઘટે તેવી પૂરેપૂરી સંભાવના છે. હાલ સમગ્ર જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતનો રાંદેર અને કતારગામને જોડતો કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં કોઝવે પોતાની ભયજનક સપાટી વટાવી ગયો છે અને હાલમાં તે ૬ મીટરની ભયજનક સપાટી ક્રોસ કરીને ૬.૭૯ મીટર પર પહોંચી ગયો છે.

કોઝવે બંધ થવાના કારણે રોજબરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને તેમણે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અંદાજિત ૭થી ૮ કિલોમીટરનો લાંબો ચકરાવો ફરીને જવાની ફરજ પડશે.

માળિયા હાટીના તાલુકાનું ભાખરવડ જળાશય ૯૦% ભરાઈ ગયું હતું અને તેનું લેવલ ૭૩.૧૫ મીટર તથા કૂલ જથ્થો ૬.૬૪ એમસીએફટી પર પહોંચ્યો હતો, જે ચાલુ સીઝનના પ્રથમ વરસાદે જ મેઘલ નદી પર આવેલો આ ભાખરવડ ડેમ હવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. માળિયા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૨૯ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh