Advertisement
Author: નોબત સમાચાર

ડમ્પિંગ સાઈટ્સ જીવલેણ પણ બની શકે છે... સાવધાન...

ગિનીમાં ધસી પડેલા કચરાના પહાડમાં ગયેલા જીવ બોધપાઠરૂપ કરૂણ ઘટના

                                                                                                                                                                                                      

આપણે ગામડાઓમાં હજુ પણ ગૃહિણીઓને સવારના પહોરમાં આંગણું વાળીને સાફ અને ચોખ્ખુંચણક કરતા નિહાળતા હોઈએ છીએ. જુના જમાનામાં ભલે ગાર-માટીના લિંપણના મકાનો હતાં, અને અત્યારે છે, તેના જેવા અદ્યતન સફાઈના સાધનો પણ નહોતા, છતાં એ સોહામણાં ઘરો સાફ સુથરા રહેતા હતાં અને ચોખ્ખાઈ રોજીંદા જીવન સાથે વણાયેલી રહેતી હતી. જો કે, કચરાના સામૂહિક ઢગલા કરીને ઉકરડાઓ રચાતા, પરંતુ તે જ ઉકરડાઓ ખેતર-વાડીમાં લઈ જઈને ફર્ટિલાઈઝર તરીકે ઉપયોગી બનતા હતાં. એ પછી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ આવી અને સ્વદેશી ફર્ટિલાઈઝર તથા રસાયણોનું સ્થાન વિદેશી ખાતરો અને દવાઓએ લીધુ. ટૂંકમાં, સ્વચ્છતા આપણા ગ્રામ્ય જીવનથી લઈને જુના જમાનાના નગરો, મહાનગરો તથા ગલીઓની ઝુંપડીથી લઈને રાજા-મહારાજાઓના મહેલો સુધી આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી હતી.

જેમ જેમ જનસંખ્યા વધતી ગઈ, તેમ તેમ કચરો પણ સ્વાભાવિક રીતે જ વધતો ગયો, તો બીજી તરફ સ્વચ્છતાની સંસ્કૃતિમાં ઉણપ આવતી ગઈ અને સાર્વજનિક ગંદકી કરવાની આદતો અને માનસિક્તા વધતી ગઈ. શરીરને દરરોજ સાબુથી ચોળી ચોળીને સાફસુથરૂ રાખતા આપણે શહેરની સડકો અને ગામડાઓની ગલીઓ પર આડેધડ કચરો ફેંકતા, બસો-ટ્રેનોમાં અંદર અને બારીમાંથી ગમે ત્યાં કચરો ઉછાળતા અને માર્ગો પર ગંદા પાણી અને નદીઓ-દરિયામાં પ્રદૂષિત પાણી અને પ્રવાહી સહિતની ગંદકી છોડતા જરાયે અચકાતા નથી. સ્વચ્છતા અભિયાનો ચલાવતા આપણે ઘરઆંગણે ફેલાયેલા કચરા તથા આપણે જ શહેર-ગામના નદી, તળાવો, સરોવરો, જળાશયો અને દરિયાકાંઠાઓને ગંદા કરતા તથા પ્રદૂષિત પદાર્થો, પ્રવાહી પાણી, કચરો અને ભંગાર જેવી બિનઉપયોગી ચીજો ફેંકીને સાર્વત્રિક નર્કાગાર જેવી સ્થિતિ ઊભી થતી અટકાવી શકતા નથી, જે આપણી પણ ઉણપ છે અને આપણે જ ચૂંટેલા જન-પ્રતિનિઓની પણ ઉણ છે.

નગરો બન્યા નર્કાગાર

આજે નગરો નર્કાગાર બન્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં તો ગાજીપુર, ભલસ્વા અને ઓખલામાં ખડકાયેલા શહેરી કચરાના પહાડો પણ ગઈ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યા હતાં અને સત્તા પરિવર્તન થવા પાછળના વિવિધ કારણોમાં આ પણ એક મહત્ત્વપૂર્ણ કારણ જ હતું. આ ડમ્પીંગ સાઈટ ૧૯૯૦ ના દાયકામાં શરૂ થઈ હતી, અને વર્ષ ર૦ર૦ સુધીમાં ૧૭ માળની બિલ્ડીંગ જેટલો ૬૦ થી ૬પ મીટર ઊંચો પહાડ ખડકાઈ ગયો હતો. હવે દિલ્હી એમસીડી અને રાજ્ય સરકારે બાયોમાઈનીંગ અને રિસાયક્લીંગ અભિયાન આદર્યા હોવાથી સ્થિતિ થોડી સુધરી છે. ગાજીપુર લેન્ડફીલ તો વર્ષ ૧૯૮૪ માં શરૂ થયું અને દિલ્હીનો કચરો ઠલવાતા ર૧પ ફૂટ ઊંચો ઉકરડો બની ગયો. વર્ષ ૧૯૯૪ માં શરૂ થયેલો ભલસ્વા લેન્ડફીલ ૭૦ એકરમાં ફેલાયેલો ૬પ મીટર ઊંચો પહાડ બની ગયો. દક્ષિણ દિલહીમાં ઓખલા લેન્ડફીલ ૧૯૯૬ માં શરૂ થયો અને ૬ર એકરમાં ફેલાયેલો પ૦ મીટરથી વધુ ઊંચાઈનો કચરાનો પહાડ બની ગયો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓખલા લેન્કફીલનો ૮૪ લાખ મેટ્રિકટન જુનો કચરો આધુનિક ઢબે પ્રોસેસીંગ કરીને પચીસ-ત્રીસ એકર જમીન ઉકરડાથી મુક્ત કરીને ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ એનર્જી પ્લાન્ટ બનાવીને ઊર્જાનું ઉત્પાદન શરૂ કરાયું છે.

ડોર-ટુ-ડોર કલેક્શન

સાથે વર્ગિકરણ

પહેલા તમામ કચરો એકત્રિત કરીને ડમ્પીંગ સાઈટમાં ફેંકી દેવાતો હતો અને પછી ત્યાં પ્લાસ્ટિક, કપડા, ઈંટ-પથ્થર, અન્ય પદાર્થોનું વર્ગિકરણ કરીને તેમાંથી 'વેસ્ટમાંથી બેસ્ટ'ના અભિગમ હેઠળ રિસાયક્લીંગના ઉપાયો કરાતા હતાં, જેમાં વિલંબ, સંકલનનો અભાવ અને અન્ય કારણો તથા સ્થાપિત હિતોના પ્રેસરના કારણે બહું સફળતા મળતી નહોતી. હવે ત્યાંની સરકારે દરરોજ લગભગ ૧૧ હજાર ટન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શનની સાથે સાથે જ વર્ગિકરણ કરીને સીધા રિસાઈક્લીંગ પ્લાન્ટમાં પહોંચાડવાનો અભિગમ શરૂ કર્યો છે, જેથી કચરાના પહાડ રચાતા અટકાવી શકાય. હવે આ નવો અભિગમ સફળ થાય અને જુનો નેગેટીવ ઈતિહાસ ફરી ન દોહરાવાય, તેવી આશા લોકો રાખી રહ્યા છે. આ તમામ વિગતો હાલમાં રાજધાની દિલ્હીમાં ચર્ચાનો વિષય છે, અને દિલ્હીના મેયર અને કમિશનરે જુદા જુદા લેન્ડ ફિલ પરથી કચરાના પહાડ હટાવીને જગ્યા સમતળ કરવાની સ્વયંભૂ સમયમર્યાદા નક્કી કરી છે, જેના પર જાગૃત નાગરિકો, પ્રેસ-મીડિયા તથા રાજકીય પક્ષોની બાજનજર છે.

મુંબઈમાં કચરાનો પહાડ

દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ પણ આ જ પ્રકારની પીડા સહી રહ્યું છે. પૂર્વ ઉપનગરમાં દેવનાર ટમ્પીંગ ગ્રાઉન્ડમાં ત્રણસો એકર જમીનમાં વિશાળ ઉકરડો સર્જાયો છે, જ્યાં ઉપનગરનો મહત્તમ વિસ્તારોનો કચરો ઠલવાય છે. બીએમસી અર્થાત્ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ એકમની દેખરેખ હેઠળ જુના કચરાના પ્રોસેસિંગ માટે વિશાળ બાયોમાઈનીંગ પ્રોજેક્ટ મંજુર કરાયો છે. આ પ્રક્રિયા દ્વારા ૧.૮પ કરોડ ટન (!) કચરો સાફ કરીને ૧૧૦ હેક્ટર જમીન મુક્ત કરાવવાનું અભિયાન આદરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.

અમદાવાદમાં પિરાણા લેન્ડફિલ સાઈટ

આપના ગુજરાતના પાટનગર ગાંધીનગર તથા રાજ્યની કરોડરજ્જૂ સમુ પૂર્વ પાટનગર અમદાવાદ પણ આવી જ પીડાથી પીડાય છે. અમદાવાદમાં પિરાણા લેન્ડફિલ સાઈટમાં ૮૪ હેક્ટર જમીન પર ૭પ ફૂટ ઊંચો કચરાનો ડુંગર ખડકાયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એએમસી અર્થાત્ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક ટ્રોમેલ મશીનો દ્વારા મોટા પાયે બાયોમાઈનીંગ કરીને અત્યાર સુધીમાં ૧ર૦ લાખ ટન જુનો કચરો પ્રોસેસીંગ દ્વારા હટાવીને તથા વેસ્ટમાંથી બેસ્ટની તરકીબો

અજમાવીને ૪૦ એકર જમીન મુક્ત કરાવાઈ છે, અને ત્યાં હવે સામૂહિક વૃક્ષારોપણ કરીને હરિયાળું વન ઊભુ કરવાની યોજના બનાવાઈ રહી છે. અમદાવાદ અને ગાંધીનગરના ડમ્પીંગ સાઈટ્સ અંગે પણ પર્યાવરણ પ્રેમીઓ અવાજ ઊઠાવતા રહે છે અને સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવાની માંગણી ઊઠતી રહે છે. ગાંધીનગરમાં પણ કચરાનું પ્રોસેસીંગ કરીને ૯૦૦ એકર જમીન ખુલ્લી કરાઈ હોવાનો દાવો કરાયો છે.

પાટણની માખણિયા

ડમ્પીંગ સાઈટ

પાટણમાં લાંબા સમયથી જ્યાં કચરો એકત્રિત થતો હતો તે માખણિયા ડમ્પીંગ સાઈટને સાફ કરીને તે સ્થળને ઓક્સિજન પાર્કના સ્વરૂપમાં વિકસિત કરાઈ રહ્યું છે. અહીં સાયન્ટિફીક લેન્ડફિલ સાઈટને પણ ઓપરેશન મેન્ટેનન્સ કરીને ખુલ્લામાં કચરો એકઠો થતો અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે.

બેંગલુરૂમાં કચરાના પહાડ

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં માવલિપુરા અને મંડુરમાં જુના કચરાના પહાડો ખડકાયા છે. ત્યાં પણ લગભગ પ૦ લાખ ટન જુના કચરાનું પ્રોસેસીંગ કરીને રપ૬ એકર જમીન ચોખ્ખી કરવાની તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો દાવો કરાયો છે.

હિમાલયમાં કચરાના ઢગલા

હિમાલયના પહાડી વિસ્તારોમાં ઘણાં રાજ્યો અને તેનો હિસ્સો છે. હિમાલયની ખૂબસૂરત પહાડીઓ પર કચરાના ઢગલાઓ વિષે ગ્લોબલ ચેઈન્જ બાયોલોજી જર્નલને ટાંકીને આવેલા અહેવાલો ઘણાં જ ચિંતાનજક છે. એવટેસ્ટ પર પહોંચતા સેંકડો લોકો તથા હિમાલયની ઊંચામાં ઊંચી પહાડીઓ પર જતા અસંખ્ય લોકો દ્વારા ફેંકવામાં આવતો કચરો ઘણો જ જોખમી બન્યો છે. નેપાળે ચલાવેલા અભિયાનમાં ગયા વર્ષે ૩પ દિવસ સફાઈ ફરીને ૧૧ ટન કચરો એકઠો કર્યો હતો, અને તેમાં સવાબે કરોડથી વધુ રૂપિયા ખર્ચાયા હતાં. આ તો એક નાના સરખા અભિયાનના આંકડા છે. તે ઉપરાંત આ કચરાથી પર્યાવરણને નુક્સાન તથા ક્લાઈમેટ ચેઈન્જ તેમજ ગરમી વધી જતા બરફના પહાડો પીગળી જવાથી ભવિષ્યમાં નદી-ઝરણાં સૂકાઈ જવા તથા પીવાના પાણીની પણ ભારે તંગી સર્જાવાનો ભય રહે છે.

ગિનીમાં કચરાનો જીવલેણ પહાડ

ગિની રાજધાની કોનાક્રીમાં તાજેતરમાં જ એક લેન્ડફિલ સાઈટ ભૂસ્ખલનના કારણે ધસી પડતા તેમાં દબાઈને ૩૦ લોકોના મૃત્યુ થઈ ગયા હતાં. ભારે વરસાદ થતા આ ભૂસ્ખલન થયું હતું, અને તેમાં ઝુંપડાઓ દબાઈ ગયા હતાં, જો કે એક અઠવાડિયા પહેલા જ સરકારે આ ડમ્પીંગ સાઈટ બંધ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યાં કચરો નહીં નાખવાનું ફરમાન કર્યું હતું. આ દુર્ઘટનામાં બીજા રર લોકો ઘાયલ પણ થયા છે. એવું પણ કહેવાય છે કે આ સ્થળે ખોદકામની મશીનો અને સાધનોનો ઉપયોગ કરી રહ્યા હતાં. આ દુર્ઘટનામાં ઝુંપડાઓ ઉપરાંત એક એપાર્ટમેન્ટ પણ ઝપટે ચડી ગયું હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના આપણા દેશમાં કચરાના પહાડ ખડકતા અથવા તેને હટાવવામાં વિલંબ કરતા તંત્રો અને શાસકો માટે લાલબત્તી સમાન છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh