Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજા હરિશ્ચંદ્ર અને મણિકર્ણિકા ઘાટને દેવોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે
સામાન્ય રીતે સ્મશાન ઉપર લેખ લખવાનો રિવાજ નથી. કોઈ લખતું પણ નથી. સનાતન સંસ્કૃતિ અનુસાર હિન્દુ મૃતદેહને અગ્નિમાં સમર્પિત કરવામાં આવે છે. દુનિયામાં જેવો દેશ અને જેવી પ્રથા તેવી રીતે અંતિમ ક્રિયા કરવામાં આવે છે તે સર્વ વિદિત છે. અગ્નિદાહ અને દફન ક્રિયા સૌથી વધુ સ્વીકાર્ય છે. બીજી કોઈ પ્રથા અમલમાં હશે, પરંતુ બહુ જૂજ હોવાથી ચર્ચામાં નથી. સનાતન ધર્મમાં ઉત્તર પ્રદેશના કાશી સ્થિત બે સ્મશાનને મોક્ષ દ્વાર મનાવવામાં આવે છે. તેની સાથે લોકવાયકા પણ જોડાયેલી છે. હિન્દુ ધર્મમાં કાશીનું મોત ઉત્તમ મોક્ષ માનવામાં આવે છે. અહીં રાજા હરિશચંદ્રેે સ્મશાન અને મણિકર્ણિકા ઘાટ ઉપર પાંચ હજાર વર્ષથી સતત ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ચિતાઓ ભડભડ સળગતી રહે છે. મણિકર્ણિકાઘાટને મહા સ્મશાનનો દરજ્જો પ્રાપ્ત છે.
મૃત્યુ માટે કાયમ સિકંદરના દાખલા દેવામાં આવે છે. સિકંદરે તેના અંતિમ સમયમાં ઈચ્છા વ્યકત કરી હતી કે, તેનો જનાજો નીકળે ત્યારે તેના બન્ને હાથ જનાજાની બહાર રાખવામાં આવે, તેથી દુનિયાને ખબર પડે કે અંતિમયાત્રામાં ખાલી હાથે જ જવાનું હોય છે. કશું ભેગું આવતું નથી. આ એક નસીબ આધારિત ફિલોસોફી છે. કોઈ મહાન નથી કે કોઈ ઉપર નથી! નસીબ જ સર્વસ્વ છે. આપણને વારંવાર સિકંદરની કથા સાંભળવા મળે છે, પરંતુ રાજા હરિશ્ચંદ્રને કોઈ યાદ કરતું નથી. રાજાનું ઉદાહરણ પણ જાણવામાં આવે તો તે પણ મોટી શીખ આપે છે. સત્યવાદી રાજા હરિશચંદ્રે એક સમયે પેટિયું રાળવા માટે કાશીના ઘાટ ઉપર મદડાં બાળવાનું ચંડાળ કર્મ કરવું પડ્યું હતું. નસીબ સાથ છોડી દે ત્યારે રાજા પણ રંક બની જાય છે.
કાશી એટલે કે વારાણસીમાં અસ્સી ઘાટ ઉપર બીજું સ્મશાન મણિકર્ણિકા છે. તે રાજા હરિશ્ચંદ્ર સ્મશાનથી પણ પ્રાચીન છે. ભગવાન શિવ અને પાર્વતી અહીં આવ્યા ત્યારે શિવજીનો મણી અને પાર્વતી માતાનું કાનનું ઝૂમખું અહીં પડી ગયું હતું. ત્યાર પછીની ઘટનામાં માતા પાર્વતીએ શ્રાપ આપ્યો કે અહીંની ભૂમિ સતત તપતી રહેશે. ઋષિમુનિઓ ભગવાન શિવને શ્રાપ પાછો ખેચવા આજીજી કરવા લાગ્યા, શિવજીએ કહ્યું કે, શ્રાપ પાછો તો નહીં ખેંચાય, પરંતુ જેમના અહીં અગ્નિ સંસ્કાર થશે તેમને મોક્ષ મળશે. ત્યારથી અહી અંતિમ ક્રિયાનું માહત્મ્ય છે.
રાજા હરિશ્ચંદ્ર
રાજા હરિશ્ચંદ્રએ ઋષિ વિશ્વામિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા માટે પોતાનું રાજ્ય આપી દીધું. એક બહુચર્ચિત દંતકથા મુજબ હરિશ્ચંદ્રને સ્વપ્ન આવ્યું કે તેણે પોતાનું આખું રાજ્ય ઋષિ વિશ્વામિત્રને દાન કરી દીધું છે. ઊંઘમાંથી જાગ્યા પછી, તેણે સ્વપ્નને વાસ્તવિકતા તરીકે માન આપ્યું અને તરત જ પોતાનું રાજ્ય ઋષિને દાન કરી દીધું, તેથી કંગાળ થયો.
બીજી દંતકથા અનુસાર શિકાર કરતી વખતે, રાજાએ અજાણતા વિશ્વામિત્રના પવિત્ર યજ્ઞમાં વિક્ષેપ પાડ્યો. ઋષિના ક્રોધને શાંત કરવા અને શ્રાપથી બચવા માટે, હરિશ્ચંદ્રએ તેમને જે કંઈપણ ઇચ્છ્યું તે આપ્યું, જેમાં તેમનું આખું રાજ્ય પણ સામેલ હતું.
પોતાનું રાજ્ય આપ્યા પછી પણ, રાજાને પરંપરાગત ધાર્મિક દક્ષિણા ચૂકવવાની ફરજ પડી હતી. કોઈ સંપત્તિ બાકી ન હોવાથી, તેને પોતાનું વચન સંપૂર્ણ રીતે પાળવા માટે તેની પત્ની, પુત્ર અને આખરે પોતાને ગુલામીમાં વેચવાની ફરજ પડી.
ઋષિ વિશ્વામિત્રને ધાર્મિક દક્ષિણા ચૂકવવા માટે પોતાની પત્ની અને પુત્રને બ્રાહ્મણને ગુલામીમાં વેચી દીધા પછી, હરિશ્ચંદ્રએ પોતે કાશી (વારાણસી)માં ચાંડાલને ત્યાં નોકરી કરી. તેમનું પ્રાથમિક કાર્ય એક સ્મશાન ભૂમિની રક્ષા કરવાનું હતું અને અગ્નિદાહ આપવો અને અંતિમક્રિયા માટે લાવવામાં આવતા દરેક શબ માટે ફી વસૂલવાનું હતું. બાર મહિનાના ભારે કષ્ટના સમયગાળાનો અંત ત્યારે આવ્યો જ્યારે તેમની પત્ની, રાણી તારામતી તેમના પુત્ર, રોહિતાશ્વના શરીર સાથે સ્મશાન ભૂમિમાં પહોંચી, જેનું મૃત્યુ સાપના ડંખથી થયું હતું. પોતાના દુઃખમાં પણ, હરિશ્ચંદ્રએ સત્ય અને ફરજ પ્રત્યેની પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાબિત કરીને જરૂરી કર વિના તેમના પુત્રનો અગ્નિસંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો. વિશ્વામિત્રએ હરિશ્ચંદ્રની નિષ્ઠા અને પ્રામાણિકતાથી ખુશ થઈ રાજપાઠ પરત કર્યા.
આજે પણ રાજા હરિશ્ચંદ્રને સત્યના ઉત્તમ પ્રતિક તરીકે માનવામાં આવે છે. રાજાની પ્રામાણિકતા અને નિષ્ઠાને જોઈને ઋષિ વિશ્વામિત્રએ આશીર્વાદ આપ્યા કે, અહી જેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેને મોક્ષ મળશે.
મણિકર્ણિકા ઘાટ
મણિકર્ણિકા ઘાટ સૌથી પવિત્ર સ્મશાન ભૂમિ છે. જેને ઘણીવાર ''મહાન સ્મશાન ભૂમિ'' કહેવામાં આવે છે.
''મણિકર્ણિકા'' નામ સંસ્કૃત શબ્દો મણિ (રત્ન) અને કર્ણિકા (કાનની બુટ્ટી) પરથી ઉતરી આવ્યું છે. આ દંતકથાના બે લોકપ્રિય સંસ્કરણો અસ્તિત્વમાં છે.
વિષ્ણુની ભક્તિઃ ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષો સુધી તીવ્ર તપસ્યા કરી. તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને, તેમણે એક તળાવ (હવે મણિકર્ણિકા કુંડ) ખોદ્યું અને તેને પોતાના પરસેવાથી ભરી દીધું. જ્યારે ભગવાન શિવ વરદાન આપવા પહોંચ્યા, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા, આ દરમિયાન તેમની કાનની બુટ્ટી તળાવમાં પડી ગઈ.
શિવ સાથે તળાવમાં સ્નાન કરતી વખતે, દેવી પાર્વતીએ તેમની કાનની બુટ્ટી ગુમાવી દીધી. એક પ્રકારમાં, તેમણે શિવને વારાણસીમાં રાખવા માટે હેતુપૂર્વક તેને છુપાવી દીધી, કારણ કે તેમણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી તે છોડશે નહીં.
શક્તિપીઠની દંતકથા
પુરાણો અનુસાર, જ્યારે દેવી સતીએ પોતાનું દહન કર્યું, ત્યારે શોકગ્રસ્ત ભગવાન શિવ તેમના શરીરને બ્રહ્માંડમાં લઈ ગયા. તેમના શોકને રોકવા માટે, ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને શરીરને ટુકડા કરી નાખ્યું. એવું માનવામાં આવે છે કે સતીના કાનનું આભૂષણ (અથવા તેમના શરીરનો એક ભાગ) આ સ્થળે પડ્યું, જેનાથી તે ૫૧ શક્તિપીઠોમાંનું એક બન્યું. જે હાલના પ્રયાગરાજમા અલોપી દેવી ના નામે છે.
મોક્ષ (મુક્તિ)નું વચન
મણિકર્ણિકા ઘાટ એ માન્યતાનું કેન્દ્ર છે કે વારાણસીમાં મૃત્યુ પામવાથી અથવા અગ્નિસંસ્કાર કરવાથી મોક્ષ મળે છે, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ પોતે ઘાટ પર ઊભા છે અને પ્રસ્થાન કરનારા આત્માઓના કાનમાં તારક મંત્ર (પાર જવાનો મંત્ર) ફૂંકીને તેમને મૃત્યુ પછીના મોક્ષ તરફ દોરી જાય છે. મણિકર્ણિકામાં અગ્નિદાહ હજારો વર્ષોથી સતત બળી રહ્યો છે, ક્યારેય બુઝાઈ શકતો નથી.
ડોમ રાજા
ઘાટનું સંચાલન ડોમ સમુદાય પાસે છે, જેનું નેતૃત્વ ''ડોમ રાજા'' કરે છે. દંતકથા કહે છે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એક સમયે દેવું ચૂકવવા માટે આ ઘાટ પર ડોમ રાજાના પૂર્વજ માટે નોકર તરીકે કામ કરતા હતા.
વારાણસીના ડોમ રાજા ડોમ સમુદાયના વારસાગત વડા છે, જે એક દલિત જૂથ છે, જેને ઐતિહાસિક રીતે શહેરના ઘાટો (મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ જેવા) પર પવિત્ર અગ્નિનું સંચાલન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જેથી આત્માઓને મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરવામાં મદદ મળે. તેઓ સ્મશાનના ''રાજા'' છે, જે અંતિમ સંસ્કાર માટે શાશ્વત જ્યોત પ્રદાન કરે છે, જે શ્રદ્ધાળુ હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. તાજેતરના અગ્રણી ડોમ રાજા, જગદીશ ચૌધરીનું ૨૦૨૦માં અવસાન થયું, પરંતુ વંશ અને ભૂમિકા ચાલુ રહી છે, વર્તમાન સમયમાં સંજીત ચૌધરી, પરિવારના સભ્ય વર્તમાન વડા તરીકે સેવા આપી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા ત્યારે ડોમ પરિવારના સભ્યને પણ નામાંકન કરવા સાથે લઈ ગયા હતા. અગ્નિદાહ આપવા માટેનો અગ્નિ ડોમ હસ્તકના અગ્નિકુંડમાંથી લેવો ફરજિયાત છે. મણિકર્ણિકા ઘાટ ઉપર આ વહીવટ થોડા સમય પહેલા ઊર્મિલાદેવી નામના મહિલા સાંભળતા હતા. અહી અગ્નિ અર્પણ માટે પણ ડોમ પરિવારના સભ્યોના વારા નક્કી થયા છે, જેનો વારો હોય તે અગ્નિ પ્રદાન કરે અને તેના બદલામાં યથાશક્તિ દક્ષિણા મળે. રોજ અહીં ૬૦ ક્વિન્ટલ લાકડાનો વપરાશ છે.
અસ્સી ઘાટ
અસ્સી ઘાટ એ વારાણસી (બનારસ કે કાશી)માં એક પ્રખ્યાત, ધાર્મિક રીતે મહત્વપૂર્ણ નદી કિનારો (ઘાટ) છે, જે ગંગા અને અસ્સી નદીઓના સંગમ પર સ્થિત છે, જે તેના આધ્યાત્મિક વાતાવરણ, સૂર્યોદય/સૂર્યાસ્ત વિધિઓ, સવારની ગંગા આરતી, યોગ અને બોટ સવારી માટે જાણીતું છે, જે તેની સાંસ્કૃતિક ઊંડાણ અને ગંગાના આકર્ષક દૃશ્યો માટે ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. તે કાશીના આધ્યાત્મિક સારનો અનુભવ કરવા માટે એક જીવંત કેન્દ્ર છે, જેમાં ભવ્ય આરતી, વૈદિક મંત્રોચ્ચાર, સંગીત અને પ્રાચીન હિન્દુ પરંપરાઓ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
લોકમાન્યતા અનુસાર કોઈ પ્રવાસી અહીંના બન્ને સ્મશાન ભૂમિની સળંગ મુલાકાત લઈ શકતા નથી. અમંગળ થવાની શક્યતા રહેલી છે. આ લેખકે પણ માન્યતા અનુસાર માત્ર રાજા હરિશ્ચંદ્ર ઘાટની જ દૂરથી મુલાકાત લીધી. ત્યારે પણ ત્યાં ચાર ચિતાઓ રાત્રે ૮ વાગ્યે સળગતી હતી. ચોમાસામાં અગ્નિદાહ માટે પતરાંના શેડ બનાવવામાં આવ્યા છે. અગ્નિદાહ માટેના લાકડાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદવા પડે છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તો મૃતદેહને પ્રથમ ગંગા નદીમાં સ્નાન કરાવવું જોઈએ. પરંતુ હવે ઘાટ ઉપર જ વાછંટ આપી વિધિ પૂરી કરવામાં આવે આવે છે.
બનારસ, કાશી અને વારાણસી એમ એક સાથે ત્રણ નામ ધરાવતા આ શહેરમાં દરરોજ સેંકડો અંતિમ સંસ્કાર (અગ્નિસંસ્કાર) થાય છે, અંદાજ મુજબ શહેરમાં દરરોજ લગભગ ૨૦૦-૩૦૦ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
રામ બોલો ભાઈ રામ
અંતિમયાત્રામાં ગવાતી આ ધૂન લગભગ ૨૪ કલાક અહી કાને પડે છે. આ બન્ને ઘાટ ઉપર બાળક, સગર્ભા સ્ત્રી, સાધુ, લાવારીશ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. તેને નદીમાં પધરાવવામાં આવે છે. અનેક ડાઘુઓ મૃતદેહોને અર્ધ સળગેલી હાલતમાં છોડીને જતા રહે છે. સફાઈનો અભાવ જોવા મળે છે. અંતિમ સંસ્કાર માટેના દાન દક્ષિણાના કોઈ નિશ્ચિત ભાવ ન હોવાથી મન પડે તેવા ભાવ વસૂલ કરવામાં આવે છે. માથાભારે લોકોનો પણ ત્રાસ હોવાની ડોમ લોકો ફરિયાદ કરે છે.
શાંતિ....
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial