Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અને એક મર્દનો અવાજ આવ્યો... તમારો ચુનિયો 'બજેટ-ભંગ' નહીં થવા દે...
બે છેડા ભેગા કરવા તેણે જુગાડુ જાહેરાત કરેલી કે ''ગમે તેટલા ભાવ વધે ગમે તેટલા મહેમાન આવે ગમે તેટલા ઉત્સવો કે તહેવારો આવે તમારું બજેટ ડામાડોળ નહીં થવા દઉં''
તોરલ એ જેમ જેસલને કહેલું કે *તારી નાવડીને ડૂબવા નહીં દઉં* અને જેસલ ને જે હાંસકારો થયો હતો તેવી ફીલિંગ આવી.
ચુનિયો કશું મફત કરે નહીં એટલે ફી તરીકે પાંચ કિલો ડુંગળી, પાંચ કિલો ખાંડ,અને ૫૦૧ રૂપિયા રોકડા રાખેલા.
આ મહિને તો તહેવારોનો એવો 'ડોઝ' આવ્યો છે કે સામાન્ય માણસનું બજેટ વેન્ટિલેટર પર આવી ગયું છે.
એક બાજુ રક્ષાબંધન, બીજી બાજુ સાતમ-આઠમનો મેળો, વચ્ચે આવતું મીની વેકેશન, અને ઉપરથી રસોડામાં ગર્જના કરતા ડુંગળી-ખાંડના ભાવ!
ચુનિલાલ પોતાના ડ્રોઈંગ રૂમમાં પદ્માસન વાળીને બેઠા સામે એક ડાયરી, હાથમાં બોલપેન અને કપાળ પર પસીનાના ટીપાં બાજી ગયા પરંતુ તે જાણતો હતો કે તે કોઈ દેશનું અર્થતંત્ર નથી સુધારી રહૃાો, પણ પોતાના ઘરના 'બે છેડા' ભેગા કરવા માટે અણનમ જુગાડની શોધ કરી રહૃાો છે. પછી કોઈ નીટ ની એક્ઝામનું પેપર નીકળતું હોય તેમ મગજમાંથી મુદ્દાઓ સરક્યા. ચાલો, જોઈએ ચુનીલાલનો આ 'માસિક મોક્ષ માર્ગ'!
શરૂઆત થઈ રક્ષાબંધનથી. ચુનિલાલે પહેલો જુગાડ આઝમાવ્યોઃ *ડિજિટલ પ્રેમ અને સસ્પેન્સ કવર!*
તેમણે બહેનોને રાખડી બાંધ્યા પછી સુંદર શુકનનું કવર આપ્યું. અંદર ૫૦૦ની નોટ મૂકવાને બદલે એક ચિઠ્ઠી મૂકીઃ વ્હાલી બહેન, તારો પ્રેમ અમૂલ્ય છે. આ રકમ મેં તારા નામે 'ઈમેજનરી એફડી'માં મૂકી છે, જે તને હું આવતી જન્માષ્ટમીએ (અથવા બજેટ સરખું થાય ત્યારે) વ્યાજ સાથે આપીશ!
જોકે, મોટી બહેન જો રોકડેરોકડો વ્યવહાર જ માંગે તો ગુગલ પે ની તૈયારી કરવી અને પાંચ મિનિટ પ્રયત્ન કર્યા પછી કહેવું, *અરેરે! સર્વર ડાઉન છે, સાંજે પહોંચી જશે!* (જે સાંજ ક્યારેય આવવાની નહોતી).
રસોડાનો રાજા અને રાણી એવા ડુંગળી-ખાંડનો ડિપ્લોમેટિક બહિકાર કરવા માટે અમુક ડાયલોગ પાકા કરાવવા.
રક્ષાબંધન પતે એટલે રસોડાનું સરપ્રાઇઝ ઓડિટ કરવુ.
પત્ની કડક અવાજે કહે કે, *સાંભળો છો? ખાંડ પૂરી થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ તો આસમાને પહોંચ્યા છે. ભજીયાં વગર સાતમ-આઠમ કેમ ઉજવાશે?*
ચુનિલાલે 'આરોગ્ય અને આધ્યાત્મિક' જુગાડ લોન્ચ કર્યો છે.
ડુંગળીનો વિકલ્પ આપવો અને કહેવું *પ્રિયે, તને ખબર છે? શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણ-ભાદરવામાં ડુંગળી ન ખવાય! એનાથી તામસિ વૃત્તિ વધે. આપણે આખો મહિનો સાત્વિક રહેવાનું છે. ડુંગળી બંધ, એટલે શરીર પણ ફિટ અને પાકીટ પણ ફિટ!*
ખાંડનો વિકલ્પ આપવો અને કહેવું *અને ખાંડ? અરે, ખાંડ તો 'સફેદ ઝેર' છે! ડોક્ટરો કહે છે કે ગળપણ ઓછું ખાવું જોઈએ. આ તહેવારોમાં આપણે ઘરના બધા સભ્યોને 'શુગર-ફ્રી' લાઈફસ્ટાઈલ પર શિફ્ટ કરીએ છીએ. મીઠાઈના બદલે આપણે બધા પ્રેમથી એકબીજાનું મોઢું મીઠું કરાવીશું!*
આટલું બોલ્યા પછી ઊંધા ફરી જવું નહીં તો પત્નીના ડોળાનો સામનો નહીં કરી શકો.
સાતમ-આઠમના મેળામાં જવાની જીદ થાય સ્વાભાવિક છે તો શું કરવું? 'વર્ચ્યુઅલ રિયાલિટી'નો જાદુ અજમાવવો,
*પપ્પા, મેળામાં જવું છે! ચગડોળમાં બેસવું છે, ફુગ્ગા ફોડવા છે અને જંક ફૂડ ખાવું છે!*
બજેટ અહીં જ સો ટકા કોલેપ્સ થઈ જાય. મેળામાં જવું એટલે ઓછામાં ઓછો બે-ત્રણ હજારનો ધૂમાડો! પણ ચુનિલાલના ઈન્ડિયન જુગાડુ સિલેબસમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં 'હોમ-મેડ મેળો' ઊભો કરવો.
ચગડોળનો અનુભવ કરાવવા નાના દીકરાને ઘરમાં રહેલી પ્લેસ્ટિકની ફરતી ખુરશી પર બેસાડી અને ગોળ-ગોળ ફેરવો. સાથે ટેપરેકોર્ડરમાં મોટેથી મેળાનું સંગીત વગાડો. છોકરો ચક્કર ખાઈને નીચે પડશે અને બોલશે, *પપ્પા, બસ બહુ મેળો થઈ ગયો!*
ખાણી-પીણીમાં મેળાની ભેળ અને ચાટના બદલે તેમણે ઘરમાં મમરા-સેવ ભેગા કરીને મોટો બાઉલ ભરી દઈ અને નામ આપવુ રોયલ મેળા સ્પેશિયલ ઈન્દોરી ભેલ!
ચગડોળના પૈસા બચાવવા મેળાના મેદાન બહાર ઊભા રહીને છોકરાઓને કહેવું *જુઓ બેટા, ચગડોળમાં બેસો તો ઊલટી થાય. આપણે નીચે ઊભા રહીને જ આકાશમાં ગોળ ગોળ ફરતા લોકોને જોઈને આનંદ લેવાનો! આને કહેવાય 'ઓપન-એર એન્ટરટેઇનમેન્ટ'!*
મીની વેકેશનને જુદી પરિભાષામાં લેવું. 'સ્ટેકેશન'નો મંત્ર આપવો.
ઓગસ્ટમાં સળંગ ત્રણ રજાઓ આવતી હતી. આજુબાજુના પાડોશીઓ ગોવા, ઉદયપુર અને મહાબળેશ્વરના સ્ટેટસ મૂકી રહૃાા હતા. એકવાર આવે જ કે *આપણા પાડોશી એમના પરિવારને લઈને માઉન્ટ આબુ ગયા છે, અને તમે મને આ આખો ઓગસ્ટ ઘરમાં જ પૂરી રાખી છે!*
જરાય ગભરાયા વગર ચશ્મા સરખા કરી અને કહેવું, *પ્રિયે, તું હજુ આધુનિક ટ્રેન્ડથી અજાણ છે! અત્યારે દુનિયામાં 'ટૂરિઝમ' જૂનું થઈ ગયું છે, હવે 'સ્ટેકેશન' અને 'ઇકો-ફ્રેન્ડલી લિવિંગ' નો જમાનો છે.*
ઘરની અગાસી પર બે ચટાઈ પાથરી, નીચે કુંડા ગોઠવવા અને કહેવું, *આ આપણું 'ગ્રીન વેલી રિસોર્ટ' છે.*
સાંજે બટાકા પૌંઆ બનાવીને અગાસી પર ખાવા અને પંખાની હવા નીચે બેસીને કહેવું*જોયું? ન ટ્રાફિકની કચકચ, ન હોટેલનું મોંઘુ બિલ, અને તાજી હવા ફ્રીમાં!*
આમ જુઓ તો તહેવારોની મજા મિત્રો સગા વહાલાઓ અને કુટુંબીનો ને ભેગા કરી આનંદ કરવામાં આવે.
ચુનિલાલે પોતાનો આ સિલેબસ વેચી અને ૫૦ કિલો ડુંગળી ૫૦ કિલો ખાંડ અને ૧૦૦૦૦ રૂપિયા ભેગા કરી લીધા છે. એને બારોબાર જલસા થઈ ગયા.
વિચારવાયુઃ- ખાંડની ચાસણીમાં ડૂબાડેલી ડુંગળીના કટકા નું કચુંબર એક શાહિ વાનગી ગણાશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial