Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭.૨ અને ૭.૫ની તીવ્રતાથી ધ્રુજી ધરાઃ સેંકડો બહુમાળી ઈમારતો પણ ધ્વસ્તઃ મરણચીસો ગુંજીઃ ઈમરજન્સી લાગુ
વોશિંગ્ટન તા. ૨૫: વેનેઝુએલામાં થોડી ક્ષણોના અંતરે ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શકિતશાળી ભૂકંપના આંચકા અનુભવાતા સેંકડો બહુમાળી સહિત ઈમારતો ધ્વસ્ત થઈ જતા ૧૦ હજારથી એક લાખ મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. ભૂકંપ આવતા મરણચીસોથી ગગન ગુંજી ઉઠયુ હતું અને અંધારપટ છવાયો હતો. વેનેઝુએલામાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. આ ભૂકંપની અસર ૧૭૦૦ કિ.મી. દૂર બ્રાઝીલ સુધી થઈ છે.
પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.ર માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ વેનેઝુએલાના કેરેબિયન દરિયાકાંઠાના મોરોન શહેર પાસે, રાજધાની કરાકસથી આશરે ૧૬૮ કિલોમીટર દૂર અને જમીનથી ૧૩ કિલોમીટરની ઊંડાઈએ હતું. પ્રથમ આંચકાની થોડી જ મિનિટો બાદ તેનાથી પણ વધુ તીવ્ર એટલે કે ૭.૫ ની ક્ષમતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર મોરોનથી ૧૬ કિલોમીટર દૂર અને ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
આ પ્રચંડ ધરતીકંપ બાદ અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે દરિયાઈ મોજા ઉછળવાની આશંકાને પગલે પ્યુર્તો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે સુનામીની ચેતવણી જારી કરી દીધી છે.
દક્ષિણ અમેરિકાના પ્રમુખ દેશ વેનેઝુએલામાં કુદરતે ભયાનક કહેર વર્તાવ્યો છે. અહીની ધરતી એક જ મિનિટની અંદર બે વાર પ્રચંડ આંચકાઓથી ધ્રૂજી ઉઠતાં સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. યુએસ જિયોલોજિકલ સર્વેના અહેવાલ અનુસાર, પ્રથમ ભૂકંપ ૭.૨ ની તીવ્રતાનો નોંધાયો હતો અને તેના ગણતરીની ૪૦ સેકન્ડ બાદ બીજો વધુ વિનાશક ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. આ કુદરતી આપત્તિમાં વ્યાપક જાનમાલનું નુકસાન થયું હોવાના કારણે સમગ્ર વેનેઝુએલામાં તાકીદની રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી) જાહેર કરવામાં આવી છે.
અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થા યુએસજીએસના પ્રારંભિક અહેવાલો અને આંકડાકીય વિશ્લેષણ મુજબ, આ મહાવિનાશક ધરતીકંપમાં મૃત્યુઆંક ૧૦,૦૦૦ થી લઈને ૧,૦૦,૦૦૦ (એક લાખ)ની વચ્ચે હોવાની ભીતિ સેવાઈ રહી છે. જે સમયે આ ભયાનક આપત્તિ ત્રાટકી, તે સમયે દેશમાં ૧૮૨૧ ના સૈન્ય વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હોવાના કારણે મોટાભાગના નાગરિકો પોતાના ઘરોમાં જ હાજર હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આંચકા એટલા પ્રચંડ હતા કે બહુમાળી રહેણાંક ઇમારતો જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. રાજધાની કરાકાસમાં એક ૨૨ માળની ગગનચુંબી ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે, જેના કાટમાળ નીચે અસંખ્ય લોકો દબાયેલા છે. કરાકાસના પોશ વિસ્તારો ગણાતા પાલોસ ગ્રાન્ડેસ અને અલ્તામિરામાં પણ મોટા પાયે નુકસાનના અહેવાલો છે. ભૂકંપના કારણે દેશના સાતથી વધુ રાજ્યોમાં વીજ પુરવઠો, ટેલિફોન નેટવર્ક અને પેટ્રોલ-ગેસની સપ્લાય લાઇન સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
કરાકાસની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની ભારે ભીડ ઉમટી પડી છે, જેના પગલે તબીબી સ્ટાફને ઈમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યો છે. રસ્તાઓ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોનો સાયરનનો અવાજ ગુંજી રહૃાો છે. કાટમાળ નીચેથી પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો આક્રંદ કરી રહૃાા છે. આ આંચકા એટલા તીવ્ર હતા કે પડોશી દેશ કોલંબિયામાં પણ લોકોએ ધ્રુજારી અનુભવી હતી.
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા જ લોકો જીવ બચાવવા માટે ઈમારતોમાંથી બહાર ખુલ્લા મેદાન અને રસ્તાઓ તરફ ભાગ્યા હતા. લોકો પોતાની નજર સામે જ દીવાલો ધરાશાયી થતી અને ઘરનો સામાન રસ્તાઓ પર વેરવિખેર થતો જોઈને આઘાતમાં સરી પડયા હતા. કેરાકસના બે મુખ્ય વ્યાપારી વિસ્તારો, જ્યાં સામાન્ય રીતે રેસ્ટોરાં અને દુકાનોમાં ભારે ભીડ હોય છે, ત્યાં ઈમારતો ધરાશાયી થવાને કારણે આકાશમાં ધૂળના વિશાળ ગિન્નારો (ગુબાર) ઉડતા જોવા મળ્યા હતાં.
વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસ્ડાડો કાબેયોએ જણાવ્યું હતું કે કરાકસના અલ્તામીરા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જયાં સૌથી વધુ મકાનો અને બિલ્ડિંગો તૂટી પડયા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ અત્યારે ભૂલથી પણ ઘરોની અંદર ન જાય, કારણ કે સતત આવી રહેલા આફટરશોકસના કારણે નબળી પડેલી ઈમારતો ગમે ત્યારે પડી શકે છે.
આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રીએ ટીવી પર સંબોધન કરતા વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ એમ્બ્યુલન્સ અને રાહત સામગ્રી લઈ જતા વાહનોને પ્રાથમિકતાના ધોરણે રસ્તો આપે. પ્રશાસન નિયમોનુસાર બચાવ કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોની વિશેષ સંભાળ રાખવા અને કોઈ પરિવાર મદદ વિના ન રહી જાય તે માટે એકબીજાના સંપર્કમાં રહેવા તાકીદ કરવામાં આવી છે.
વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિયોસદાદો કેબેલો અને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ અને સેના સહિતની તમામ બચાવ એજન્સીઓને કાટમાળ હટાવવા અને લોકોને જીવતા બહાર કાઢવા માટે કામે લગાડી દેવામાં આવી છે. સરકારે આ આપત્તિની ગંભીરતાને જોતાં પુનઃપ્રાપ્તિ અને રાહત કાર્યો માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી આર્થિક અને તકનીકી મદદ મેળવવાની કવાયત હાથ ધરી છે. વર્ષ ૧૯૬૭ ના ઐતિહાસિક ભૂકંપ બાદ આ દેશનો સૌથી ભયાનક ધરતીકંપ હોવાનું સ્થાનિક વડીલો જણાવી રહૃાા છે.
ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ૩.૫ની તીવ્રતાનો આંચકો
એક જ દિવસમાં ચાર દેશોમાં ભૂકંપ અનુભવાયો
વેનેઝુએલાની સાથે અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં પણ ભીષણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૬ માપવામાં આવી હતી. આ આંચકાના કારણે સેંકડો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને લોકો ડરના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. બીજી તરફ, ભૂકંપના કેન્દ્ર ગણાતા જાપાનના ઉત્તર-પૂર્વી તોહોકુ વિસ્તારમાં ૬.૯ ની અત્યંત ખતરનાક તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકાથી ઇવાતે અને આઓમોરી પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારો હચમચી ગયા હતા. જો કે, જાપાનમાં કોઈ મોટા જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકો ભારે દહેશતમાં છે.
વિશ્વના આ ૩ દેશો ઉપરાંત ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ માપવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પુલવામા ક્ષેત્ર નજીક ૩૩.૯૧૩ઓ ઉત્તર અક્ષાંશ અને ૭૫.૦૯૫ઓ પૂર્વ રેખાંશ પર જમીનની અંદર હતું. અહીં પણ આંચકો અનુભવાતા જ લોકો સુરક્ષા માટે પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.
એકસાથે વિશ્વના અલગ-અલગ છેડે આવેલા ભૂકંપના કારણે લોકોમાં એવી આશંકા જાગી છે કે શું પૃથ્વી કોઈ મોટા વિનાશનો સંકેત આપી રહી છે? જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપ અંગે આવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી. દુનિયાભરમાં દરરોજ હજારો નાના-મોટા ભૂકંપ આવતા હોય છે અને કોઈ મોટા વૈશ્વિક ખતરા અંગે હાલમાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સ્થાનિક એજન્સીઓ હાલ તમામ પ્રભાવિત વિસ્તારોમાં આફ્ટરશોક્સ પર કડક નજર રાખી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial