Advertisement
Author: નોબત સમાચાર

આ ધરતી પર ભાઈ-બહેનનું એક બંધન એવું છે જે કોઈપણ પરિસ્થિતિમાં નિઃસ્વાર્થ લાગણી સાથે અતૂટ છે

                                                                                                                                                                                                      

સુહાની આજે ખુબ જ ખુશ હતી, આજે ઘણા વર્ષે ભાઈ ગૌતમ  આવવાનો છે, રક્ષાબંધન ભાઈને પ્રત્યક્ષ રાખડી બાંધવાનો અવસર મળશે, આ રક્ષાબંધનનો તહેવાર મારા માટે ઉત્સવ બની જશે... એ હરખની સાથે એક વિચાર આવતા મોઢું વિલાઈ ગયુ. એને થયું કે મેં ભાઈને કહી તો દીધું છે કે તું અહીં મારા ઘરે જ ઉતરજે , પણ એ મારા ઘરની હાલત, મારી આર્થિક પરિસ્થિતિ ,અમારા કપડાં જોઈ એને દુઃખ થશે... શું કરીશ? પછી એ સ્વસ્થ થઇ અને વિચાર્યું કે કંચન બા પાસેથી પૈસા ઉછીના લઇ લઈશ..ઘરમાં અનાજ પાણી શાકભાજી ભરી દઈશ... ઓલા  મંડપ વાળા પાસેથી ખુરશી પલંગ ગાદલા ઓઢવાના  થોડા દિવસ માટે ભાડે લઇ આવીશ..ઘર શક્ય હશે તો રંગ કરાવી દઈશ.. પપ્પા નું જ આપેલું ઘર છે એટલે મોટું તો છે જ..પણ જર્જરિત થઇ ગયું છે.... એ બધું વિચારી લીધું.... કંચન બા સુહાની ,એના ભાઈ ગૌતમ એના પિતા બધા ને ઓળખે... દૂર દૂર સગા માં પણ થાય.. કંચન બા નું મન મોટું... એ આપે એ સાથે જ કહે કે પાછા આપવાની ચિંતા ના કરતી... તું તારે તારું સાચવી લે... આમેય તારા વર ને એવી તો આવક છે નહિ... બેય દીકરાને સરસ તૈયાર કરજે... ગૌતમ રાજી થઇ જાય અને લશ્કરી  છાવણી સંતોષ થી પાછો જાય એવું કરજે... 

ગૌતમ આર્મી માં છે... અને ઊંચી રેન્ક પર છે... આપણને એમ વિચાર આવે કે આ પરિવાર શું હતું? અને શું થઈ ગયું? ગૌતમના દાદા નંદલાલ ની જાહોજલાલી એટલે ઓહોહોહો ... કેવો મોટો કારોબાર ... એ જમાનામાં એમની પાસે કાર હતી... તેમને સંતાનમાં એક દીકરો...ગૌતમ ના પિતા માધવ દાસ એમને એમ હતું કે દીકરા માધવને હું એવો સરસ તૈયાર કરું કે સાથ પેઢી તરી જાય... બધું આપણે ધારીએ એમ થાતું હોય દુનિયામાં ગરીબી નામની વાત હોય જ નહિ... માધવદાસ ને ભણાવી ગણાવી લગ્ન કરાવી   પિતા નંદલાલે દીકરા માધવને ધંધાની કમાન  સોંપી એ પછી તરત જ થોડા જ  દિવસમાં  , નંદલાલના પવિત્ર આત્મા એ  દેહ ત્યાગ કરી દીધો...માધવદાસે જીવનમાં જલસા સિવાય કંઈ કર્યું જ નહોતું... એ વખતમાં તેમના માતૃશ્રી પતિ  નંદલાલને કહેતા કે આને માત્ર જલસા ન કરવા દ્યો.... કોલેજ થી ભણીને આવે એટલે એને ધંધે બેસાડો શીખવો..., ત્યારે નંદલાલ કહેતા કે હું બેઠો છું ને...ભણી લે ...લગ્ન કરાવી દઉં પછી ધંધો સોંપીશ... હું સાથે બેસી શીખવતો જાઈશ અને એ શીખી જાય એટલે હું નિવૃત્ત... , પણ એ થયું નહિ...એને કમાન સોંપીને જ ચાલ્યા ગયા... ધંધો બેસવા માંડ્યો.... એ દરમિયાન માધવ દાસે માતા પણ ગુમાવ્યા... હા, માં માધવ ના સંતાનો ગૌતમ અને દીકરી સુહાનીને જોઈ રમાડીને ગયા.... ગૌતમને તો ધંધામાં કોઈ રસ હતો જ નહિ.. એને તો ઇન્ડિયન આર્મી માં જ જોડાવું હતું.... એને શરીર પણ એ રીતે કેળવ્યું...ભણ્યો પણ સરસ , દીકરી સુહાની  ભણી નહિ.... એ સમયમાં દીકરીને ઓછું ભણાવતા... દીકરીને એમના મિત્રને આપેલા વચન મુજબ એના દીકરા સાથે પરણાવી... પરા નું એક ઘર દીકરીને આપી દીધું... થોડા પૈસા પણ આપ્યા... બાકી ધંધા અને પૈસાનો વહીવટ વગેરે દીકરા ગૌતમને સોંપ્યો...  ગૌતમે એને મળેલા પૈસા કોઈ ચોક્કસ જગ્યાએ સાચવ્યા..એ તો આર્મીમાં લાગી ગયો અને ઘર છોડી ચાલ્યો પણ ગયો.. એને લગ્ન કરવા જ નહોતા બસ દેશ સેવામાં  સમર્પિત થઈ જવું હતું.. એ લાગણીશીલ બહુ જ હતો... એ જ્યાં જતો ત્યાં હ્ય્દયમાં માનવીય અભિગમ રાખતો...એ એની મહેનત થી લશ્કરમાં આગળ વધતો ગયો... એની સેવા, બહાદુરીથી નામના મેળવતો ગયો... એ ઘણા વર્ષોથી વતનમાં આવ્યો જ નહોતો... બાપ દાદાનું ઘર પણ એણે વેચી માર્યું હતું અને એ પૈસા લશ્કરના ફંડમાં જવાનો માટે દાનમાં  આપી દીધા હતા..

બસ રક્ષાબંધનના આગલા  દિવસે સવારે સુહાની એકલી એના એક ઓળખીતા ટેક્ષી વાળા  ને વિનંતી કરી એના બાળકો ઝીલ અને નીલ ને લઇ  સ્ટેશન ભાઈને લેવા પહોંચી ગઈ હતી.... સુહાની નો હરખ તો માતો નહોતો એ વારે વારે દીકરા દીકરી ને કહેતી કે જોજો હમણાં મામા આવશે... ટ્રેન નો અવાજ આવ્યો... દીકરી ઝીલ અને દીકરો નીલ માં ની સામે એનો હરખ અને હરખના આંસુ જોઈ  રહૃાા હતા... એટલામાં ટ્રેન આવી... અને નસીબજોગે ગૌતમની બોગી એ લોકો ઉભા હતા ત્યાં જ આવી, સુહાની ભાઈનો યુનિફોર્મ જોઈ શક્તિ હતી.... એનું ડૂસકું  નીકળી ગયું અને બોલી.... ભાઈ... , એ જ સમયે ગૌતમ નીચે ઉતર્યો... અને ભાણો  ભાણી દોડ્યાં અને મામાના ચરણ સ્પર્શ કર્યા... ગૌતમે નીચે બેસી બેયને ભેટી વહાલ કર્યું.... બહેન તો રોતી સામે જ ઉભી હતી....ગૌતમે ઉભા થઇ એને ગળે વળગાડી... સુહાની બોલી કે ભાઈ કેટલા વરસ લગાવી  દીધા આવવામાં.... ગૌતમ કહે... બેના શું કરું? જવાબદારી વધારે હતી... પણ ચિંતા નહિ... હું એક મહિનો તારી સાથે જ રહીશ... એમ કહી બધા નીકળ્યા ઘરે પહોંચ્યા... ગૌતમ હોંશિયાર તો હતો જ.... જોઈને બધું જ સમજી જાય... ફર્નિચર પલંગ ગાદલા જોઈ સમજી ગયો કે આ કામ ચલાઉ છે.. અમે પલંગ ખુરશી પર મંડપ સર્વિસ વાળાનું નામ તો વંચાય જ.... કપડાં વગેરે અને બીજી વસ્તુ જોઈ લાગે કે આ તાજું જ ખરીદેલું છે.... એણે પૂછ્યું બનેવી ક્યાં? સુહાની કહે કે એ તો નોકરીએ વહેલા નીકળી જાય... કારખાનામાં છે ને? ગૌતમને ખબર હતી કે બનેવી ભણ્યા તો નથી જ... સુહાનીના લગ્ન પિતાના મિત્ર ને આપેલા વચન મુજબ થયા છે... ગૌતમે બધો તાગ મેળવી લીધો... પણ બહેનને ઓછું ન આવે એ માટે કોઈ પ્રતિભાવ ન આપ્યો... એ કંચન બા ને પણ મળ્યો... કંચન બા તો ભોળા અને લાગણીશીલ ,એમણે સુહાની ની ની પરિસ્થિતિ ની  સંપૂર્ણ વાત કરી દીધી... એમણે તું આવવાનો હતો એટલે સુહાની મૂંઝાતી હતી એટલે  પૈસા આપ્યા હતા એ પણ કહી દીધું... ગૌતમ ની આંખો ભીંજાઈ ગઈ... અને કંચન  બા ને કહૃાું કે બા મારી બહેન કેવી સંસ્કારી કે ખબર ન પડવા દે કે કેવી પરિસ્થિતિ માં જીવે છે...મેં ઝીલ નીલ ને વાત કરતા સાંભળ્યા કે મામા છે એટલો સમય ખાવા નું બધું મળશે.... બા આ એટલું વાક્ય કેટલું કહી જાય?

બીજે દિવસે રક્ષા બંધને બહેને રાખડી બાંધી એ દ્રશ્ય તો શબ્દોમાં અંકિત થઇ શકે એમ જ નથી... ગૌતમે બહેન નાની હોવા છતાં એના ચરણ સ્પર્શ કર્યા અને એના હાથમાં સો રૂપિયા મૂકી કહૃાું કે... આ સુકાન,... બાકી રક્ષાબંધનની ભેટ હું અહીં રહીશ ત્યાં સુધીમાં ઘણી આપી જઈશ...એ પછી તરત મંડપ વાળને ત્યાં જઈ  પૈસા આપી પલંગ ખુરશી ગાદલા ગોદડાં   બધી વસ્તુ  લઇ જવા કહૃાું..., એ બધું ગયું પછી ઘરમાં નવું ફર્નિચર આવી ગયું... સુહાની કહે કે ભાઈ આ બધું શું? ગૌતમ કહે કે બહેન જોયા કરો... એ પછી એક કડિયા કોન્ટ્રાક્ટર ને બોલાવી આખું ઘર રિપેર રંગ રોગાન થી નવું કરી નાખ્યું... ઘરમાં વાસણ, અનાજ તેલ ઘી ,ઘરવખરી બધું જ ભરી દીધું... અને એને પિતાજીએ જે પૈસા આપેલા એ જે એણે ક્યાંક થાપણ મુકેલા એ બધા કાઢી  છેલ્લે જવાના દિવસે.. બહેન બનાવીને આપ્યા અને કહૃાું કે જુઓ બનેવીલાલ તમે એકદમ શાંત સરળ છો.... કોઈ દિવસ કોઈ સામે હાથ લાંબો ન કરો... મારી બહેન પણ એવી જ... એ તો મને ખબર પણ ન પડે એવું કરે... પોતે એકદમ સુખી છે એ દેખાડે... ભાઈને દુઃખ ન થાય એ માટે.. પણ હું મારી બહેનનો જ ભાઈ છું... આ પૈસા  મને પિતાજીએ આપ્યા હતા...એ રાખો.. અમુક ઘરમાં રાખો અને એ પછી  આપણે બેંકમાં તમારા ખાતામાં થાપણ મૂકી દઈએ.. દર મહિને વ્યાજ આવશે... અને હું દે મહિને ત્યાંથી તમારા ખાતામાં પૈસા જમા કરીશ.. આ ઝીલ નીલ ને સરસ ભણાવજો..તમારે કપડાં ખાવા પીવાની કોઈ તકલીફ નહિ...

આ તો સારું થયું કે હું આટલા વર્ષે  રક્ષાબંધન કરવા આવ્યો.. બહેન માટે.. એટલે સાચી પરિસ્થિતિ જાણી...બહેન ના આશિષ થી ભગવાન મારી રક્ષા તો કરશે જ , હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી બહેનના પરિવારની રક્ષા કરે. બહેન બનેવી આજે જતા જતા વિનંતી કરું છું કે કોઈ તકલીફ હોય તો કહેજો... ચલાવી નહિ લેતા.. આ ભાઈ બેઠો છે. સૌની આંખોમાં આંસુ હતા...

સૌને રક્ષા બંધનની શુભેચ્છા...

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh