Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની જનરલ બોર્ડમાં વિપક્ષી કોર્પોરેટરોએ પ્રશ્નોની ઝડી વરસાવી

નગરમાં ૨૧૨૧ ચો.મી. જગ્યાના વેચાણની મંજૂરીઃ ૧૩.૪૦ કરોડની થશે આવકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં ૨૧૨૧ ચો.મી. જગ્યા વેચાણ કરવાની દરખાસ્તને આજે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આથી રૂ. ૧૩ કરોડ ૪૦ લાખની આવક મળશે.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગર મહાનગર પાલિકાની ટીપી સ્કીમ નંબર બે ફાઈનલ પ્લોટ નંબર ૬૭ પૈકિની ૨૧૨૧ ચો.મી. જગ્યા વેંચાણથી આપવાની દરખાસ્તને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. આથી રૂ. ૧૩ કરોડ ૪૦ લાખની આવક થશે.

આ પ્રશ્નને જવાબ આપતા અધિકારીએ જણાવ્યુ હતુ કે આ જગ્યા વેચાણ માટે અગાવ છ વખત પ્રયોગ થયા હતાં. શહેરની ટી.પી. સ્કીમ નંબર-૨ને  ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમનની કલમ અંતર્ગત યોજનાંને સેકેન્ડ વેરીડ કરવાની ટી.પી. અને માર્કેટ કમિટીના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી.

વોટર વર્કસ સબ ઈન્સ્પેકટરની મંજુર થયેલ જગ્યામાં વધારો કરવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી. આ દરખાસ્તમાં આનંદ રાઠોડે રોસ્ટરનો અમલ કરવા સુચન કર્યુ હતું. સેક્રેટરીની જગ્યાનાં ચાર્જને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી.

આ પછી એજન્ડા બાકી ન હોય પ્રશ્નોતરી કરવામાં આવી હતી. સર્વ પ્રથમ વિપક્ષના રચનાબેન નંદાણીયા અને રાહુલ બોરીયાએ લેખિત દરખાસ્ત અધ્યક્ષને સુપ્રત કરી હતી. અને જામનગરની હોસ્પિટલોમાં દર્દીઓના ખોટા ઓપરેશનો કરી કરોડોની કમાણી કરી લીધી હતી. આ કૌભાંડ અંગે યોગ્ય તપાસ કરાવી પગલા લેવા જોઈએ.

આ પછી રાહુલ બોરિયાએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતાં, જેમાં જનરલ બોર્ડના સીસીટીવી કૂટેજ મળ્યા નથી, એક અધિકારીની સર્વિસ બુક માંગવામાં આવી હતી, તે પણ મને મળી નથી. પોતાના વોર્ડમાં સફાઈ કામદારો અપૂરતા છે. શહેરમાં પાંચ વર્ષમાં કેટલાક ઓપન પોઈન્ટ નાબૂદ કર્યા જેવા સવાલો પણ ઉપસ્થિત કર્યા હતાં, જો કે જવાબ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, ૭૯૪ માંથી ૧૪ર ઓપન પોઈન્ટ નાબૂદ કરાયા છે.

આ પછી તેમણે ઢોર બાબતે પ્રશ્ન ઊઠાવ્યો હતો કે, કેટલા ઢોર પકાયા અને કેટલા ગૌશાળામાં મોકલ્યા? તે અંગે અધિકારીએ જવાબ આપયો હતો કે ૧૯૧૭ ઢોર ગૌશાળાએ મોકલાયા છે.

તેમણે અમૂક ઢોર રસ્તામાં ઉતરી જતા હોવાનો આક્ષેપ કરતા શાસક પક્ષના મનિષ કટારિયાએ જણાવેલ કે આપણે મોકલેલા ઢોર સલામત છે. તેવો જવાબ આપ્યો હતો. આ સમયે રચનાબેન નંદાણિયાએ પણ ઢોરના પ્રશ્નમાં પૂરક માહિતી રજૂ કરી હતી કે ખારી પાસે જામનગરના ઢોરના ડબ્બાના પુરાવા છે, જ્યાં કેટલી ગોબાચારી થઈ છે. આ ઉપરાંત કેટલ પોન્ડ શ્વાન ખસીકરણના પ્રશ્નો પણ રાહુલ બોરિયાએ ઉઠાવ્યા હતાં. વિપક્ષના જેનબબેન ખફીએ પ્રશ્ન ઊઠાવ્યો હતો કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વોર્ડ નંબર ૧ર માં વાહનો ઓછા છે, તેના જવાબમાં જણાવાયું હતું કે, કુલ ૧૭ વાહનો ફાળવાયા છે, અને હજુ નાના વાહનો પણ ફાળવાશે.

આ સમયે અસ્લમ ખીલજીએ જણાવ્યું હતું કે, સર્વે કામ પૂરૂ થયું નથી તે કોન્ટ્રાક્ટ આપવામાં આટલી બધી ઉતાવળ કરવાની શી જરૂર હતી?

આ ઉપરાંત જેનબબેન ખફીએ પેચવર્કમાં ગુણવત્તા જળવાતી નહી હોવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો, અને એક જ સ્થળે વારંવાર પેચવર્ક થતું હોવાની વાત રજૂ કરી હતી.

આ પછી અસ્લમ ખીલજીએ હોસ્પિટલ કૌભાંડમાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની રજૂઆતને ટેકો આપતા જણાવ્યું હતું કે, આવી હોસ્પિટલો સામે આકરા પગલાં લેવા જોઈએ. માનવીની જિંદગી સાથે ચેડાં કરનારને સખત પગલાંની જરૂરી છે. ઉપરાંત તેમણે ક્રિકેટ મેદાન અંગે પણ પોતાનો જુનો પ્રશ્ન રજૂ કર્યો હતો, તેમજ ડિમોલીશન કરેલ પપ૦ મકાનના ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગ કરી હતી.

તેના જવાબમાં સિટી ઈજનેર ભાવેશ જાનીએ કહ્યું હતું કે, જે ક્રાઈટ એરિયામાં સમાવેશ થતો હશે. તેને જગ્યા અપાશે. વિપક્ષના ફુરકાન શેખએ પ્રશ્ન ઉઠાવ્યો કે મારા વોર્ડમાં કામ થતા નથી તો તે જ વોર્ડના ભાજપના કોર્પોરેટર જશુબાએ જણાવ્યું હતું કે, આવતીકાલે જ પેચવર્કનું કામ બાલાજી પાર્ક, તિરૂપતિ પાર્કમાં થનાર છે તો ફુરકાન શેખે એવો વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, આ ગોકુલ મંડપ સર્વિસ શું છે તે સમજાતુ નથી. ઓછા ભાવે કામ કરાવી સરકારી નાણા બચાવનાર કમિશનરને અભિનંદન આપ્યા હતાં. તો ચેરમેને જવાબ આપ્યો હતો કે, આધાર પુરાવા વગર ખોટા આક્ષેપ કરવા જોઈએ નહીં.

આ પછી વિપક્ષના રચનાબેન નંદાણીયાએ હાથણી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નો મુદે ઉપસ્થિત કર્યો હતો. જો સુવિધા ન આપી શકાય એ વિસ્તાર પાછો નગરસીમને સોંપી દેવો જોઈએ. તેના પ્રશ્નને ભાજપનાં ૫ૃથ્વીરાજસિંહે પણ ટેકે જાહેર કર્યો હતો. અને  ત્યાં સુવિધા આપવા જણાવ્યુ હતું.

આ બાબતે અધિકારી નરેશ પટેલએ જવાબ આપ્યો હતો કે, હાલ ત્યાં ટેન્કરથી પાણી વિતરણ થાય છે અને ટેન્ડર બહાર પાડી નવી પાઈપ લાઈનની કામગીરી થશે. આ માટે સર્વે કરાયા છે. આ પછી પણ ચર્ચા ચાલુ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh