Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવ કન્યા શાળામાં 'ટીબીમુક્ત ભારત' અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમઃ એકસોથી વધુ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન

ટીબી એ હવા દ્વારા ફેલાતો જંતુજન્ય રોગ છે, તેના લક્ષણો બે સપ્તાહ સુધી રહે છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના આહ્વાનને સાકાર કરવા અને આ ઘાતક રોગ વિશે જનજાગૃતિ લાવવાના હેતુથી શ્રી ધુંવાવ કન્યા શાળામાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની ૧૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓને ટીબી રોગના ફેલાવા, તેના લક્ષણો અને સરકાર દ્વારા મળતી વિનામૂલ્યે સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ટીબી એ હવા દ્વારા ફેલાતો જંતુજન્ય રોગ છે. જેના લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ ખાંસી, ગળફામાં લોહી આવવું, વજન ઘટવું અને સાંજના સમયે ઝીણો તાવ આવવો વગેરેનો સમાવેશ થાય છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને નિદાન કરાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય તરીકે નિ-ક્ષય પોષણ યોજના હેઠળ હવે દર મહિને રૂ. પ૦૦ ને બદલે રૂ. ૧૦૦૦ ની સહાય આપવામાં આવે છે, જે સમગ્ર સારવાર દરમિયાન કુલ રૂ. ૬,૦૦૦ સુધી મળવાપાત્ર રહે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમાર અને ટીબી સુપરવાઈઝર વિમલ નકુમ દ્વારા વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા અને હોમિયોપેથી ડોક્ટર ભીમણી દેવેન્દ્રભાઈએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થિનીઓને માહિતગાર કરી હતી.

ટીબીની સારવાર લાંબો સમય ચાલતી હોવાથી દર્દીને આર્થિક સહાયની સાથે માનસિક પીઠબળ મળી રહે તે અત્યંત અનિવાર્ય છે. આ સેવાકાર્યમા સહભાગી થવા માટે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, શાળાના શિક્ષકો નયનાબેન નકુમ, ઈલાબેન શાપરિયા, વિશાલ ઝાલા તેમજ ડો. ભીમણી દેવેન્દ્રભાઈ અને ગામના આગેવાન રતિલાલ જાદવ 'માય ભારત વોલેન્ટિયર' તરીકે 'નિ-ક્ષય મિત્ર'માં જોડાયા હતાં. આ તમામ મહાનુભાવોએ ટીબીના દર્દીઓને સામાજિક અને માનસિક ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh