Advertisement
Author: નોબત સમાચાર

જી. જી. હોસ્પિટલમાં આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરાશેઃ ઋષિકેશ પટેલ

રાજયના આરોગ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી સાથે કર્યું નિરીક્ષણઃ દર્દીઓ સાથે સંવાદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રી સાથે જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યુ હતું કે, હાલ ૧૭૦૦ બેડની સુવિધા વધીને ૨૨૦૦ બેડની થશે સાથે જ આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ અને યુરોલોજી વિભાગને પણ વિકસિત કરવાનું આયોજન છે. અમદાવાદની વી.એસ. હોસ્પિટલના ચર્ચાસ્પદ મુદ અંગે તેમણે કહ્યુ કે પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.એસ. હોસ્પિટલના તબીબ ડો. રાણાને ટર્મિનેટ અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ, એમ.પી.શાહ મેડિકલકોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ, આગામી સમયમાં પ્રગતિમાં આવનાર વિકાસ કામો અને પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી છે.

નાગરિકોની કોઈ ફરિયાદ હોય તો દૂર થાય, હોસ્પિટલમાં કોઈ સુવિધાનો અભાવ કે ખૂટતી કડી હોય તો તેને પૂરવા માટે સમગ્ર હેલ્થ ટીમ સાથે અહીં આવ્યા છીએ. સૌરાષ્ટ્રની મોટા ભાગની હોસ્પિટલની રૂબરુ મુલાકાત લેવામાં આવી છે અને તે ઉપક્રમમાં હવે માત્ર મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાની બાકી છે.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલના કથિત ક્લિનિકલ ટ્રાયલ ગેરરીતિ અંગે મંત્રીએ જણાવ્યું કે, આ ગેરરીતિના મીડિયા અહેવાલ બાદ ઉપયુક્ત ઘટનાની પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.ઍસ.હોસ્પિટલના તબીબ ડો.રાણાને ટર્મિનેટ કરાયા છે અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે.તેમજ વધુ તપાસ પછી દોષિતો સામે આગળના કાયદેસરના પગલા લેવામાં આવશે.

વધુમાં મેડિકલ કોલેજમાં રેગિંગને અટકાવવા સંદર્ભે મંત્રીએ કહૃાું કે, દરેક સરકારી મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહૃાા છે, છતાં કોઈ ઘટના રેગિંગની બને છે તો આવું કૃત્ય કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે.

જી જી હોસ્પિટલમાં વ્યવસ્થાઓ સંદર્ભે મંત્રીશ્રીએ કહૃાું કે, હાલ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ઓપીડી ચાલી રહી છે જેથી જૂની જગ્યા એ ઝડપથી નવી ઇમારત બનાવી શકાય. કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે. હાલ ૧૭૦૦ બેડની સુવિધા છે તે વધીને ૨૨૦૦ બેડની થશે. આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરવાની અને યુરોલોજી વિભાગ જે અહીં ખૂબ સારી રીતે ચાલે છે તેને પણ વિકસિત કરવાનું આયોજન છે.

આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી બીનાબેન કોઠારી, અર્બન હેલ્થ કમિશ્નર હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશ્નર રતન ગઢવી, મેડીકલ એજ્યુકેશનના અધિક નિયામક રાઘવન દીક્ષિત, મેડીકલ સર્વિસીસના અધિક નિયામક ડો.તૃપ્તિબેન, પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ચેતન મહેતા, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, જી.જી. હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh