Advertisement
Author: નોબત સમાચાર

ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારીની ઝુંબેશ 'ચાર દિન કી ચાંદની' જ પૂરવાર થશે શું??

જામનગરની આરીટીઓમાં હાલની સ્થિતિએ પ,ર૭,૬૭૭ ટુુ-વ્હીલર વાહનો છે

જામનગર તા. ૧૩: ટુ-વ્હીલર વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારીમાં પણ 'આરંભે સુરા' કે 'ચાર દિન કી ચાંદની' જેવો ઘાટ થાય તો નવાઈ નહીં. સરકારી તંત્રો દ્વારા જે કાર્યવાહી/અમલવારી કાયમ માટે કરવાની હોય છે તે જ કાર્યવાહીને ઝુંબેશ/અભિયાનનું રૂપાળું નામ આપી બહાદુરી બતાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે કામગીરી માટે જ સરકારી નોકરીમાં રહી ફરજના ભાગરૂપે રોજેરોજ કામગીરી કરવાના બદલે 'ઝુંબેશ'માં ફોટા પડાવવાની ફેશન થઈ ગઈ છે.

જો કે, ફરજિયાત હેલ્મેટની અમલવારીમાં પોલીસ વિભાગને સૌથી મોટી સાનુકૂળતા એ છે કે પોલીસ વિભાગ જુદા જુદા પોઈન્ટ પર હેલ્મેટ પહેર્યા વગરના ટુ-વ્હીલર વાહનચાલકોને રોકી દંડ વસૂલ કરે તેની સાથે સીસી ટીવી કેમેરાના માધ્યમથી દંડના મેમા મોકલવાની સત્તા છે. નહીંતર હજ્જારોની સંખ્યામાં નીકળતા ટુ-વ્હીલર વાહનચાલકો અને તેમાંય મોટભાગાના જો હેલ્મેટ વગર નીકળે તો જુદા જુદા પોઈન્ટ ઉપર કેટલા અને કેવી રીતે કેસ/દંડ થઈ શકે? એકને રોકીને દંડની પાવતી આપે ત્યાં તો અસંખ્ય વાહનો પસાર થઈ જાય.

કોઈપણ નિયમ-કાયદાની અમલવારીમાં નિયમ ભંગ કરનારા તમામ સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, તેમાં વ્હાલા-દવલા, ઓળખાણ, ભલામણને ધ્યાને ન જ લેવા જોઈએ, પણ હેલ્મેટના નિયમની અમલવારીમાં આખા શહેરમાં હેલ્મેટ વગર રસ્તા પર અસંખ્યા ટુ-વ્હીલર વાહનચાલકોમાંથી માત્ર પોતાને ઠીક લાગે તેને જ રોકીને દંડ કરવાની પ્રથા વ્યનથી. નિયમનો ભંગ કરનારા અન્યને જવા દઈ દંડ ભરનારને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની લાગણી પ્રવર્તે છે.

તો વળી... સીસી ટીવી કેમેરાના રેકોર્ડીંગ/મોનીટર કન્ટ્રોલ રૂમમાંથી તો ઓપરેટર પોતાની મનસુફી મુજબ જ કેટલાક વાહનચાલકોને જ ઈ-મેમો મોકલે છે... શા માટે? ખરેખર તો સીસી ટીવી કેમેરામાં થયેલા તમામ હેલ્મેટ વગરના ટુ-વ્હીલર વાહનચાલકોને ઈ-મેમા મોકલવા જોઈએ. તેવી જ રીતે વન-વે નિયમનો ભંગ થતો હોય, ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાતો કરતા હોય તેવા દૃશ્યો પણ સીસી ટીવી કેમેરામાં ઝડપાતા જ હોય છે. તો નંબર પ્લેટ વગરના વાહનો માટે ટેકનિકલ સુવિધા હોય તો તેની સામે તો વાહન ડીટેઈન કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની જરૂર છે. પણ... જામનગરના સંદર્ભમાં જ વાત કરીએ તો આરટીઓમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ટુ-વ્હીલર વાહનોની સંખ્યા પ,ર૭,૬૭૭ છે. તે મુજબ જો અંદાજ લગાવીએ તો જામનગર શહેર હદ વિસ્તારમાં કમ-સે-કમ લાખથી વધુ ટુ-વ્હીલર વાહનો હોય શકે છે. તેમાં હવે અત્યારના સંજોગોમાં આમાંથી માંડ ૧૦-૧પ ટકા લોકો પાસે જ કદાચ ઘરમાં હેલ્મેટ હશે. તેઓ હવે પહેરવાનું ચાલુ કરે તો પણ બાકીના ૯૦૦૦૦-એક લાખ ટુ-વ્હીલર વાહનચાલકોને સરકારી નિયમ મુજબ મજબૂત આઈએસઆઈ માર્વાળી મોંઘી હેલ્મેટ ખરીદવી પડે. આ વાહનોની સંખ્યાનો ઉલ્લેખ એટલા માટે છે કે જો આ હેલ્મેટ વગર નીકળતા ટુ-વ્હીલર વાહનચાલકો સામે દરરોજ દંડ વસૂલવાની કામગીરી પ્રામાણિકપણે થાય તો દરરોજ હજ્જારો મેમા ઈસ્યુ કરવા પડે. ર૪ કલાકમાં આ કામગીરી શું શક્ય છે? એટલું જ નહીં મેમો મળ્યા પછી જો જનતા આક્રોશ વ્યક્ત કરવા સવિનય દંડ ભરવાનો ઈન્કાર કરે તો હજ્જારોની સંખ્યામાં વાહનો ડીટેઈન કરવાની કાર્યવાહી વાસ્તવિકરૂપે શક્ય બને ખરી?

હાલ જે રીતે કેટલીક સરકારી કચેરીઓના પ્રવેશ પાસે સવારે ઓફિસના સમયે એકાદ કલાક ચેકીંગ કરી દંડ વસૂલવાની કાર્યવાહી પ્રતિકાત્મક કે જનજાગૃતિ અર્થે થઈ રહી હોય તેમ માની લઈએ તો પણ આવી કાર્યવાહીની અસર કેટલા દિવસ રહેશે તે નક્કી નથી. વિવિધ ઝુંબેશોના જે રીતે અગાઉ ફિયાસ્કા થતા રહ્યા છે તેવી સ્થિતિ સરકારી કર્મચારીઓ માટેની ઝુંબેશની થાય તો નવાઈ નહીં.

અત્યારે તો જામનગરની જનતા ફફડતા જીવે પોતાના ટુ-વ્હીલર વાહન લઈને બહાર નીકળે છે. આ ચિંતા/દ્વિવિધાવાળા પરિસ્થિતિનો અંત પ્રજાના ચૂંટાયેલા નેતાઓએ વ્હેલીતકે લાવવો જરૂરી છે. જામનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખાસ કરીને શાસકપક્ષ ભાજપના નેતાઓએ સામૂહિક રીતે સરકારમાં શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મળે તેવી અસરકારક રજૂઆત કરવી જોઈએ... અને રાજ્ય સરકાર તથા અદાલત પણ લાખો-કરોડો મધ્યમવર્ગી ટુ-વ્હીલર વાહનચાલકોની સમસ્યાઓને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ફરજિયાત હેલ્મેટના નિયમોમાં યોગ્ય અને સૌને રાહત થાય તેવા સુધારા/ફેરફાર કરે...

બાકી અત્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને ભાજપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ શહેરોમાં હાથ જોડીને મતદારો પાસે મત માંગવા નીકળી પડ્યા છે, ત્યારે આ મતદારોને ટુ-વ્હીલરના નિયમમાં અમે રાહત કરાવી આપશું તેવું વચન આપવાની હિંમત કરે.

જામનગર, રાજકોટ કે શહેરોમાં આ રીતે દંડ વસૂલવાની ઝુંબેશ ચાલે છે, ત્યારે શું ગુજરાતના અન્ય ગામો-શહેરો માટે આ નિયમ બંધનકર્તા નથી? કાયદો તમામ લોકો માટે સમાન હોવો જોઈએ, અને તે ધારા-ધોરણો ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી પ્રમાણભાન સાથે થાય તો તે ગુજરાતની જનતાના હિતમાં ગણાશે.

જોઈએ... હેલ્મેટની પળોજણ અને સમસ્યા અંગે રાજ્ય સરકાર કેટલી સંવેદનશીલતા દર્શાવે છે. સારા પરિણામની રાહ જોઈએ.

હેલ્મેટની રેવડી

ર૦ર૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો અત્યારની જેમ જ રાજ્યમાં ટુ-વ્હીલર વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારી સરકાર/પોલીસ વિભાગ ચાલુ રાખી શકશે તો... ચૂંટણીમાં રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં સૌથી પ્રથમ વચન 'તમામ ટુ-વ્હીલર વાહનચાલકોને અમે સત્તા પર આવશું તો દરેકને આઈએસઆઈ માર્કાની બે-બે હેલ્મેટ ફ્રી આપશું.' ચોક્કસ રાજકીય પક્ષ તોે ચોક્કસ રંગની હેલ્મેટ આપવાની સેમ્પલ રજૂ કરીને જાહેરાત કરશે...

તો સામે કોઈ અન્ય પક્ષ તો ત્યાં સુધી જાહેરાત કરશે કે ટુ-વ્હીલર વાહન હોય કે ન હોય (સાયકલ પણ નહીં), તમામ પરિવારોને અમે હેલ્મેટ ફ્રી આપશું.

રાજકીય પક્ષોના આવા વચનોની ચોક્કસ અસર થશે. દરેકને ફ્રીમાં હેલ્મેટ મળશે. હેલ્મેટનું ઉત્પાદન કરતી કંપનીની કરોડો હેલ્મેટની ખરીદી સરકાર કરશે. બસ પછી તો આખા ગુજરાતમાં દરેક વાહનચાલક (સાયકલવાળા પણ) હેલ્મેટ ધારણ કરેલા જોવા મળશે.

 પણ... પ્રજાના મોટા જનસમુદાયને મફતમાં 'હેલ્મેટ' નહીં, પરંતુ શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટના નિયમમાંથી મુક્તિ જોઈએ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh