Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં હોબાળા વચ્ચે વકફ અંગે જેપીસીનો રિપોર્ટ રજૂઃ ગૃહ બપોર સુધી સ્થગિત

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ રિપોર્ટને ફેક ગણાવતા કહ્યુ, "ડિસન્ટ નોટ્સથી અવગણના કેમ કરી ? શું વિપક્ષી નેતા અભણ છે ?"

નવી દિલ્હી    તા. ૧૩: સંસદમાં આજે હોબાળા અને કોંગ્રેસ સહિત વિપક્ષના વિરોધ વચ્ચે વકફ અંગે જેપીસીનો  રિપોર્ટ રજૂ થયો હતો. તે પછી બપોર સુધી ગૃહ મોકુફ કરાયુ હતું. રાજયસભામાં મલ્લિકાર્જુન ખડગેએ આ રિપોર્ટને નકલી ગણાવીને સરકારની નિયત પર સવાલો ઉઠાવી આકરા પ્રહારો કર્યા હતાં.

આજે સંસદના બજેટ સત્રના પહેલા તબકકાનો છેલ્લો દિવસ છે. સવારે ૧૧ વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહોમાં હોબાળો મચી ગયો. રાજ્યસભામાં વકફ બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો.

બીજી તરફ, લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેપીસીએ ૩૦ જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ડ્રાફટ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ ૬૫૫ પાનાનો છે. ૧૬ સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે ૧૧ સભ્યોએ વિરોધ કર્યો. સમિતિમાં સામેલ વિપક્ષી સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો.

સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ૮ ઓગસ્ટના લોકસભામાં વકફ બિલ ૨૦૨૪ રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. વિપક્ષના વાંધા અને ભારે વિરોધ વચ્ચે, આ બિલ લોકસભામાં કોઈપણ ચર્ચા વિના જેપીસીને મોકલવામાં આવ્યું. વકફ બિલ સુધારા પર ૩૧ સભ્યોની જેપીસીની પહેલી બેઠક ૨૨ ઓગસ્ટના  યોજાઈ હતી. બિલમાં ૪૪ સુધારાઓ પર ચર્ચા થવાની હતી.

 રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. આ મામલે વિપક્ષ તરફથી આક્રમક વલણ અપાવાયું હતું. ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં વક્ફ બિલ અંગે  જેપીસીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.  વક્ફ બિલ અંગે જેપીસીના રિપોર્ટને ફેક ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ આક્રમક ટિપ્પણી કરી હતી. તેમણે કહૃાું કે આવા ફેક રિપોર્ટ અમે નથી માનવાના. બિલ ફરી જેપીસીને મોકલવામાં આવે અને તમામ સભ્યોની સહમતિ બાદ જ આ બિલને ફરી રજૂ કરવામાં આવે. તેમણે કહૃાું કે જેપીસીનો રિપોર્ટ બિનલોકશાહી રીતે તૈયાર કરાયો છે. વિપક્ષ દ્વારા ઊઠાવાયેલા વાંધાઓની સીધી અવગણના કરવામાં આવી હતી.

ખડગેએ કહૃાું કે વિપક્ષના અનેક સભ્યોએ ડિસન્ટ નોટ્સ આપી હતી. તેને પ્રોસિડિંગમાંથી કાઢી નાખવા એ તો બિનલોકશાહી ગણાય. જેટલા લોકોએ ડિસન્ટ નોટ્સ આપ્યા હતા શું તેમાં કોઈ ભણેલા ગણેલા લોકો નથી. તમારે એ ડિસન્ટ નોટ્સ તમારા રિપોર્ટમાં ઉમેરવાની જરૂર હતી. તમે તો એને ડિલીટ કરીને રિપોર્ટ રજૂ કરી રહૃાા છો. આવા ફેક રિપોર્ટ અમે નહીં ચલાવી લઈએ.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ખડગેને જવાબ આપતાં કહૃાું કે આ બિલમાં બધું જ છે. કંઈપણ કાઢી નાખવામાં આવ્યું નથી. તેમણે કહૃાું કે વિપક્ષે ગૃહને ગેરમાર્ગે ન દોરવું જોઈએ.

વોકઆઉટ અયોગ્ય છે. મેં જેપીસી ચેરમેન સાથે વાત કરી, રિપોર્ટમાંથી કંઈ હટાવાયુ નથી. જયારે જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે કેટલાક સભ્યોએ કહ્યું કે તેનો કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો છે. હું બહાર ગયો અને જેપીસી ચેરમેન સાહેબ સાથે વાત કરી. તેમના તરફથી પુષ્ટિ મળી કે, નિયમો મુજબ જેપીસી રિપોર્ટ કોઈપણ કાપ વિના રજૂ કરવામાં આવ્યો હતો. આજે તેઓ આટલો બધો હોબાળો કેમ કરી રહ્યા છે ? તેઓ કયા આધારે આ આરોપો લગાવી રહ્યા છે ?

જેપીસી રિપોર્ટ પર આપ સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં કહૃાું- અમે અમારો પક્ષ રજૂ કર્યો. તમે આની સાથે સહમત અથવા અસંમત હોઈ શકો છો, પરંતુ તમે તેને કચરાપેટીમાં કેવી રીતે ફેંકી શકો છો. આજે તેઓ વકફ મિલકત પર કબજો કરી રહૃાા છે. કાલે ગુરુદ્વારાની કરશે પછી મંદિરની કરશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહૃાું, તમે જે સલાહ આપી, અમે તેને માનીએ છીએ. જો ત્યાંના લોકો આ પદ્ધતિ સ્વીકારે તો તે યોગ્ય છે. અમારો એક જ વિષય છે. ઘણા સભ્યોએ જેપીસી રિપોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો; તેમની અસંમતિ નોંધ કાઢવી ખોટી છે. સંસદીય પ્રક્રિયામાં આવું થતું નથી. અમારા માટે આ રિપોર્ટ ખોટો છે. આ ગેરબંધારણીય છે. કૃપા કરીને આ રિપોર્ટ ફરીથી સબમિટ કરો.

તે પહેલા સંસદમાં લોકસભાની કાર્યવાહી ફક્ત પાંચ મિનિટ જ ચાલી શકી. વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. જેના કારણે કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

છેલ્લા અહેવાલો મળ્યા તે મુજબ બ૫ોરે વકફ રિપોર્ટ બપોર પછી લોકસભામાં પ્રસ્તૂત થાય તે પહેલા અસરૂદ્દીન ઓવૈસીએ અધ્યક્ષની મુલાકાત લીધી હતી. આ પહેલા રાજ્યસભામાં આ રિપોર્ટ રજૂ થતા જ હોબાળો થયો હતો, અને રાજયસભા બપોર સુધી સ્થગિત કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh