Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયુર્વેદની ચારેતરફ બોલબાલા ચાલે છે ત્યારે
જામનગર તા. ૩૦: જામનગરમાં ઈન્સ્ટિટ્યુટ ફોર ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદા નામની સંસ્થા કાર્યરત છે, જેને ટૂંકમાં 'ઈટરા' કહેવાય છે. આ સંસ્થાનું નામકરણ થોડા વર્ષો પહેલા જ બદલાયું છે. અગાઉ તેનું નામ પીજીટીએન્ડઆર (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રિસર્ચ) હતું. આ સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી અને ઈટરા પણ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના સંદર્ભમાં સંલગ્ન છે જ.
જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ચાલે છે અને આ મહાવિદ્યાલયના સ્વાભાવિક પણે અંડર ગ્રેજ્યુએટની હોસ્પિટલ (આયુર્વેદિક ચિકિત્સાલય) પણ વર્ષોથી ચાલે છે.
આ યુનિવર્સિટીના પરિસરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટેની સંસ્થા કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત હોય, તેની પણ અલગ પી.જી. આયુર્વેદિક હોસ્પિટલ ચાલે છે.
આ બન્ને હોસ્પિટલોમાં વર્ષોથી લગભગ દરેક રોગના દર્દીઓ માટે નિયમિતપણે ઓ.પી.ડી. ચાલે છે. બન્ને વિભાગના વૈદ્યરાજો, પીએચડી, સ્ટુડન્ટ્સ, પી.જી. સ્ટુડન્ટ્સ દ્વારા ઓ.પી.ડી.માં દર્દીઓની તપાસ-નિદાન કરી દવા-સારવાર આપવામાં આવે છે. આ બન્ને હોસ્પિટલોમાં ઈન્ડોર દર્દીઓ માટે પણ સારવારની સુવિધાઓ છે જ.
વર્ષોથી આયુર્વેદ પ્રત્યે લોકોમાં વિશ્વાસ છે અને તેમાંય છેલ્લા એક દસકામાં અને કોરોના પછી લોકો આયુર્વેદિક દવા અને સારવાર તરફ વળ્યા છે.
આયુર્વેદની બન્ને હોસ્પિટલોમાં દરરોજ ઓપીડીના સમયે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને આયુર્વેદિક દવા-ઉપચાર સાથે સ્વસ્થ થઈ રહ્યા છે. એટલું જ નહીં. જામનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની વિશ્વની વિવિધ ટ્રેડીશ્નલ ચિકિત્સા પદ્ધતિઓના સંશોધન, ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. યોગા પદ્ધતિને ધ્યાને લઈને ર૧ મી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે. આયુર્વેદનો ચારેતરફ સ્વયંભૂ પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે.
આ તમામ બાબતો સાથે જામનગરની આયુર્વેદિક હોસ્પિટલોમાં ઓપીડી/આઈપીડી હાઉફૂલ જેવી સ્થિતિમાં હોય છે, ત્યારે સૌથી નવાઈ અને આઘાત લગાડે તેવી રીતે ખાસ કરીને ઈટરા દ્વારા પ્રચારના નતનવા અને ક્ષુલક કહી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આપણે જામનગરવાસીઓએ ક્યારેય સાંભળ્યું કે અખબારોમાં વાંચ્યુ નથી કે ફલાણી તારીખે ફલાણા રોગ માટેનો કેમ્પ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપીડી રૂમ નંબર ફલાણામાં યોજાયો છે. અર્થાત્ જી.જી. હોસ્પિટલમાં તમામ રોગના દર્દીઓ માટે બારે મહિના નિયમિત રીતે ઓપીડી તથા આઈપીડીની સારવાર ચાલુ જ હોય છે તેમાં વળી હાડકાના દર્દીઓ માટે ખાસ કેમ્પ, તાવ-શરદીના દર્દીઓ માટે ખાસ કેમ્પ, સંધીવા માટે ખાસ કેમ્પ ફલાણા ઓપડી રૂમમાં થશે તેવી જાહેરાત થાય તો કેવી બેહુદી અને હાસ્યાસ્પદ લાગે.
પણ અહીં આયુર્વેદની ઈટરા સંસ્થાને તો ભલેને દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા આવે, અમારે તો અમારી જ હોસ્પિટલમાં નિયમિત રીતે જે રોગ માટે ઓપીડી ચાલે છે તે જ ઓપીડી રૂમમાં ખાસ કેમ્પ યોજી પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે જામનગરનું નામ આયુર્વેદ ક્ષેત્રમાં ગૌરવભેર લેવાય રહ્યું છે, ટ્રેડીશ્નલ મેડિસીન સિસ્ટમની વર્લ્ડ કક્ષાની સંસ્થા નિર્માણ પામી રહે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ ક્રમ પીએચડી અભ્યાસ ક્રમો ચાલી રહ્યા છે, ખુલ્લા બજારમાં પણ આયુર્વેદિક દવાઓના વેંચાણ-વપરાશમાં અનેકગણો વધારો થયો છે અને થઈ રહ્યો છે, ત્યારે ઈટરા જેવી સંસ્થાએ કોઈ રોગ માટે ઓપડી રૂમમાં કેમ્પ યોજવો પડે તે સંસ્થા, જામનગર તથા આયુર્વેદની ઉપયોગિતા અંગે નીચાજોણું થાય તેવી સ્થિતિ બની જાય છે. ઈટરા દ્વારા દર મહિને આ પ્રકારે કોઈને કોઈ રોગ માટે ઓપીડીમાં જ કેમ્પ યોજવાની જાહેરાત કરે છે, તો શું જે તે રોગ માટે અન્ય દિવસોમાં નિદાન-સારવાર-દવાની સુવિધા નથી?
આયુર્વેદનો પ્રચાર જ કરવો હોય તો ખુદ ઈટરાએ અથવા અન્ય કોઈ એનજીઓ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં, ગામડાઓમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પો યોજવા જોઈએ. પોતાની જ હોસ્પિટલમાં જ્યાં નિયમિત રીતે દરેક રોગની ઓપીડી ચાલે છે તેવા રોગના ખાસ કેમ્પના આયોજનો ટીકાપાત્ર અને હાસ્યાસ્પદ બની રહ્યા છે, શું આ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર લેવા દર્દીઓ આવતા નથી? તેવા પ્રશ્નો પણ ઊઠવા પામે છે.
ખાનગી હોસ્પિટલોવાળા આ પ્રકારના કેમ્પો યોજી દર્દીઓને આકર્ષવાના પેંતરા કરે તે સમજી શકાય, પણ ઈટરા જેવી સંસ્થાને આ પ્રકારના પ્રચારના ફંડાથી દૂર રહેવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial