Advertisement
Author: નોબત સમાચાર

પ.બંગાળમાં મમતાના પરાજય પછી હિંસા

ટીએમસીની ઓફિસની તોડફોડ-આગજનીઃ રાજકીય પક્ષો દ્વારા ટીકા

                                                                                                                                                                                                      

કોલકાત્તા તા. ૬: પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા ફાટી નીકળી છે. એક સ્થળે ટીએમસી ઓફિસ પર બુલડોઝર ફર્યુ તો આસનસોલમાં આગચંપી થઈ હોવાના અહેવાલો છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસામાં આસનસોલ ઉત્તર વિધાનસભા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહૃાો છે. અહીં મોડી રાત્રે તૃણમૂલ કોંગ્રેસના વોર્ડ નંબર ૫૩ ના કાઉન્સિલર મૌસમી બોસની ઓફિસમાં અજ્ઞાત તત્ત્વોએ આગ લગાવી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઓફિસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી અને બાજુની દુકાનોને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સ્થાનિક ભાજપના ધારાસભ્ય કૃષ્ણેન્દુ મુખર્જીએ આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે, હિંસા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને સીસીટીવી ફૂટેજ દ્વારા ગુનેગારોની તપાસ કરવામાં આવશે.

મધ્ય કોલકાતાના વ્યસ્ત એવા ન્યૂ માર્કેટ (હોગ માર્કેટ) વિસ્તારમાં મંગળવારે રાત્રે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોપ છે કે બુલડોઝર સાથે આવેલા એક જૂથે ટીએમસીની યુનિયન ઓફિસને નિશાન બનાવી તેને જમીનદોસ્ત કરી દીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને લોકોએ પોતાની દુકાનોના શટર પાડીને ભાગવું પડ્યું હતું.

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ આ ઘટનાનો વીડિયો શેર કરતા કટાક્ષમાં લખ્યું હતું કે, ''બંગાળીઓ પરિવર્તનનો આનંદ માણી રહૃાા છે.''

ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ'બ્રાયને સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો હતો કે આ તોડફોડ પોલીસ અને કેન્દ્રીય દળોની હાજરીમાં કરવામાં આવી રહી છે. તેમણે આને ભાજપની 'બુલડોઝર રાજનીતિ' ગણાવી હતી. કલ્યાણ બેનર્જીએ પણ જગતબલ્લભપુરમાં પાર્ટી ઓફિસ સળગાવવાની ઘટનાને ગંભીર ગણાવતા કહૃાું હતું કે બંગાળની જનતા અત્યારે અરાજકતાનો સામનો કરવા મજબૂર છે. બીજી તરફ, ભાજપે આ હિંસામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને આને ટીએમસીના આંતરિક જૂથવાદનું પરિણામ ગણાવ્યું છે.

પોલીસ રિપોર્ટ અનુસાર, બીરભૂમના નાનૂરમાં ટીએમસી કાર્યકર અબીર શેખની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ ભાજપ પર છે. જ્યારે ન્યૂ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન થયેલી મારામારીમાં ભાજપના કાર્યકર મધુ મંડળનું મોત નીપજ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવા સૂચના આપી છે. મુખ્ય સચિવ અને ડીજીપી ને આદેશ અપાયો છે કે હિંસા ભડકાવનાર ગમે તે હોય, તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યે હિંસાની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા કહૃાું હતું કે, *અમે પ્રશાસન સાથે વાત કરી છે અને સંગઠન સ્તરે પણ હિંસા રોકવા પ્રયત્નશીલ છીએ. જે હિંસા થઈ રહી છે તે અમારા લોકો નથી કરી રહૃાા. ટીએમસી હવે સત્તા ગુમાવી હોવાથી અમારા પર ખોટા આરોપો લગાવી રહી છે.* તેમણે ઉમેર્યું કે ટીએમસીના જ ઉમેદવારો હવે સુરક્ષા માટે ભાજપના નેતાઓને ફોન કરી રહૃાા છે કારણ કે તેમના પોતાના જ લોકો તેમને પીટવા માટે આવી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh