Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદ ગુંજી રહી છે અને રાજયોમાં પણ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આવતા વર્ષે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનારી છે, તો મહારાષ્ટ્રમાં બીએમસી એટલે કે એક નાનકડા રાજ્ય જેટલું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા અથવા મુંબઈના કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, જેને મરાઠી તથા હિન્દી ભાષામાં અલગ નામથી અળખવામાં આવે છે. ઓફિશ્યલી બૃહદ મુંબઈ કોર્પોરેશનને ટૂંકમાં બીએમસી કહેવાય છે. આ ચૂંટણી સાથે શિવસેનાના બે ફાડિયા, એનસીપીના બે ફાડિયા, કોંગ્રેસ અને ભાજપનું મુખ્યત્વે ભવિષ્ય જોડાયેલું છે.
આવી જ રીતે કેટલાક રાજ્યોમાં વિવિધ કારણે ખાલી પડેલી વિધાનસભાઓ, વિધાન પરિષદો તથા લોકસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી, સમયાંતરે ખાલી થતી રહેતી રાજયસભાની બેઠકો પર નિયત સમયે કરવી પડતી ચૂંટણીઓ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જનપ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણીઓ વગેરેના કારણે પણ આગામી વર્ષે, તે પછી વર્ષ-૨૦૨૭માં અને છેલ્લે વર્ષ-૨૦૨૯માં ચૂંટણીઓનો સીલસીલો ચાલતો રહેવાનો છે. તેથી ક્રિકેટની ભાષામાં એવું કહી શકાય કે પહેલા લીગ મેચો, પછી સેમી ફાયનલો અને છેલ્લે ફાયનલ મેચ રમાવાની છે. આ પોલિટિકલ ફાયનલને ધ્યાને રાખીને મોદી-શાહની જોડીને મહાત કરવા વિપક્ષો દ્વારા ગુજરાતથી જ શરૂઆત કરીને લીગ મેચોમાં વિજય મેળવીને પછી સેમિ ફાયનલોમાં વિવિધ રાજ્યોમાં ભાજપ-એનડીએને પછડાટ આપીને છેલ્લે લોકસભામાં સત્તા-પરિવર્તનની રણનીતિ અપનાવવા રહી હોય તેમ જણાય છે.
આ રણનીતિ હવે સિક્રેટ રહી નથી, કારણ કે કોંગ્રેસે ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન યોજ્યું. રાષ્ટ્રીયકક્ષાના નેતાઓએ વારંવાર ગુજરાતની મુલાકાત લીધી. રાહુલ ગાંધીના આંટાફેરા વધ્યા અને સંગઠનાત્મક ફેરફારો પછી ચારણી ફેરવીને કેટલાક નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ હટાવાયા. આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસે ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા સક્રિયતા વધારી, કેટલીક યાત્રાઓ કાઢી તથા વિવિધ મુદ્દે કેન્દ્ર-રાજય સરકારની સામેના વિરોધ પ્રદર્શનો વધુ તેજાબી અને પ્રભાવી બન્યા. કોંગ્રેસ વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અને તે પહેલા આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા મેળવીને સત્તા પ્રાપ્ત કરશે, તેવો રણકાર પણ કરાયો.
બીજી તરફ દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી આમઆદમી પાર્ટીએ પણ હવે ગુજરાત પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ જણાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન સાથે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આંટાફેરા વધાર્યા અને કેટલાક સ્થળે તેના જાહેર કાર્યક્રમોમાં લોકમેદની પણ નોંધપાત્ર રહી, તો રાજ્યના નેતાઓ પણ બે-ત્રણ મહિનાથી એકદમ સક્રિય થઈ ગયા છે. આમઆદમી પાર્ટીને પેટા ચૂંટણીમાં વિસાવદરમાં વિજય મળ્યો, અને તેમાં પણ ગોપાલ ઈટાલિયા જેવા યુવાનેતા ધારાસભ્ય બન્યા, તેથી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત ગુજરાત વિધાનસભામાં "આપ" ના ધારાસભ્યોની મોજુદગી પણ "આપ" માટે ટોનિક બની ગઈ છે., અને હવે આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં વધુ પગપેસારો કરીને ભાજપ-કોંગ્રેસ સામે બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે.
જામનગરમાં કોંગી કોર્પોરેટરનું રાજીનામું તથા રાજ્યકક્ષાએ કેટલાક નેતાઓનો અસંતોષનો અવાજ જોતા હવે કોંગ્રેસે પણ ગુજરાતમાં સંગઠનાત્મક ક્રાંતિ લાવવાની જરૂર વિશ્લેષકો જણાવી રહ્યા છે, તો બીજી તરફ બિહારની ચૂંટણીના પરાજય પછી કોંગ્રેસમાં આવેલી હતાશાનો રાજકીય ફાયદો લઈને આમઆદમી પાર્ટી રાજ્યો અને રાષ્ટ્રીયકક્ષાએ દ્વિતીય વિકલ્પ બનવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે. અને તેના એંધાણ હાલાર અને ગુજરાતમાં બની રહેલા તાજા રાજકીય ઘટનાક્રમો પછી સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યા છે. આ સંજોગોમાં જો રાષ્ટ્રીયકક્ષાએ ભાજપ-એનડીએને પડકારવું હોય તો કોંગ્રેસે પણ આંતરિક મતભેદોને કિનારે રાખીને મોટા લક્ષ્ય સાથે આગળ વધવું પડશે, આ માટે જિલ્લાઓ તથા રાજ્ય કક્ષાએ એકના એક ચહેરાઓને વિવિધ હોદ્દાઓ પર ફેરવ્યા રાખવાના બદલ સાહસભર્યો નિર્ણય લઈને ધરમૂળથી ફેરફારો કરવા પડશે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતને જ્યારે રાષ્ટ્રીય રાજનીતિનું બુનિયાદી મેદાન બનાવવાનું નક્કી કર્યું હોય અને આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં જોર વધાર્યું હોય ત્યારે મૂળ મેદાન અને પીચને પારખીને જ ટીમનું સિલેકશન કરવું પડશે, અને ત્રિપાંખીયા જંગમાં અવ્વલ રહેવાનું લક્ષ્ય રાખવું પડશે.
બીજી તરફ આમઆદમી પાર્ટીએ વિકલ્પ બનવાના બદલે "અવ્વલ" બનવા માટે કોઈ ગૂપ્ત રણનીતિ ઘડી હોય અને તેમાં ભાજપના શાસન સામેની એન્ટિ ઈન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસના બદલે "આપ" ને વધુ મળે, તેવી ચાલ અપનાવી હોય, તથા તેના ભાગરૂપે કોંગ્રેસના કાંગરા ખેરવીને કોંગી દિગ્ગજો તથા સ્થાનિક નેતાઓને "આપ"માં લઈ જવાની વ્યૂહરચના ગોઠવી હોય, તો તેમાં સાવધાનીપૂર્વક આગળ વધવુ પડે તેમ છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કમિટેડ મતદારો તથા વર્તમાન શાસન સામેની એન્ટિ-ઈન્કમ્બન્સીના કારણે કોંગ્રેસ તરફી જનતાનો સંભવિત ઝોક અવગણવા જેવો નથી. ટૂંકમાં, કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાની ભૂલ ભારે પડી શકે છે, અને સપના રોળાઈ શકે છે. દાયકાઓના ભાજપના શાસન પછી જો ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છતી હશે, તો તેની શરૂઆત આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓથી જ થવાની છે, અને બીએમસીની ચૂંટણીની પરોક્ષ અસરો ગુજરાતમાં અને બીએમસીની ચૂંટણીઓમાં ગુજરાતી મતદારોની ભૂમિકા પરસ્પર સંકળાયેલી હોવાથી આ બાબતે ગુજરાત અને મહારાષ્ટ્રથી જ દિલ્હી ગાદી મેળવવાની જાળ બીછાવાઈ રહી હોય તેવા તારણો પણ કાઢી શકાય છે.
ટૂંકમાં ગુજરાત એક વખત ફરીથી રાષ્ટ્રીય રાજનીતિનું એ.પી. સેન્ટર બનવા જઈ રહ્યું છે, અને તેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટી ત્રીજા મજબૂત પરિબળ તરીકે ઝંપલાવવાની તૈયારી કરી રહી છે, તેથી ગુજરાત દેશની પોલિટિકલ લેબ બનવા જઈ રહ્યું છે, તેમ કહી શકાય.
આ પહેલા વર્ષ ૧૯૭૪-૭૫ના સમયગાળામાં કોંગ્રેસ જ્યારે દેશભરમાં શક્તિશાળી હતી અને લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો સત્તામાં હતી, ત્યારે તે સમયના વિપક્ષોએ ગુજરાતમાં "જનતા મોરચા" નો કરેલો પ્રયોગ સફળ રહ્યો અને તે જ ફોર્મ્યુલા પર તે સમયે, કટોકટી પછી જનતા પાર્ટી રચીને વિપક્ષોએ કોંગ્રેસને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી. તે સમયથી જ ગુજરાત પોલિટિકલ લેબ બન્યું છે. આવતા વર્ષે પંચાયતો-પાલિકા-મહાપાલિકાની ચૂંટણીઓની લીગ મેચો પછી વર્ષ ૨૦૨૭ની સેમિફાયનલ મેચમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે નક્કી છે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial