Advertisement
Author: નોબત સમાચાર

સતત પાંચમાં દિવસે ઈન્ડિગો સંકટ યથાવતઃ અનેક ફલાઈટો રદ

એર૫ોર્ટ પર વિમાનોના ખડકલાઃ મુસાફરો ભારે મુશ્કેલીમાં: હવાઈ ભાડામાં તોતીંગ વધારાથી લોકોમાં આક્રોશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: દેશની મોટા ગજાની ગણાતી ઈન્ડિગો એરલાઈન્સ સ્ટાફની અછત અને ટેકનીકલ સમસ્યાનાં કારણે અસંખ્ય ફલાઈટો રદ્ થતા લાખો હવાઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ અન્ય એરલાઈન્સ ઘરેલુ હવાઈ સેવાના ભાડામાં તોતીંગ વધારો કરી દીધો છે.

ઈન્ડિગો એર લાયન્સ સંકટમાં મુકાઈ છે. સ્ટાફની અછત તેમજ ટેકનીકલ મેનેજમેન્ટ સમસ્યાના કારણે અસંખ્ય હવાઈ મુસાફરો મુસીબતમાં મુકાયા છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, જયપુર, ઈન્દોર, કોચી, અને તિરૂવનંતપુરમ સહિત અનેક શહેરનાં એરપોર્ટની ફલાઈટ રદ કરવામાં આવતા મુસાફરો એરપોર્ટમાં અટવાયા છે. અમુક એરપોર્ટ ઉપર મુસાફરોની નારાજગી પણ જોવા મળી હતી. તો કયાંક વાતાવરણ ઉગ્ર પણ જોવા મળ્યુ હતું.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટર નેશનલ એરપોર્ટ દ્વારા ગઈકાલે રાત્રે મુસાફરોની એડવાઈઝરી જાહેર કરાઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈન્ડિગોની ફલાઈટ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આમ છતાં મુસાફરો ઘરેથી નિકળતા પહેલા એક વખત ફલાઈટની સ્થિતિ તપાસીને જ નિકળે.

અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો ૧૨ વાગ્યાની ૬ વાગ્યા વચ્ચે સાત આવનાર ફ્લાઈટ અને ૧ર રવાના થનાર ફ્લાઈટ્સ રદ્ કરવામાં આવી હતી. પરિણામે એરપોર્ટ પરિસર મુસાફરોથી ચિક્કાર જોવા મળ્યું હતું.

તો ચેન્નઈ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ વ્યાપક રીતે રદ્ થતા એરલાઈન્સનો પત્ર બહાર આવ્યો છે. જેમાં ઈન્ડિગોના ડ્યુટી મેનેજરે સીઆઈએસએફના આસી. કમાન્ડન્ટને પાઠવેલ પત્રમાં વિનંતી કરી છે કે, વધતી ભીડને નિયંત્રિત કરવા માટે રદ્ થયેલ ફ્લાઈટના મુસાફરોને ટર્મીનલમાં પ્રવેશની મંજુરી આપવામાં આવે નહીં.

ગત્ બે ડિસેમ્બરથી શરૂ થયેલ આ કટોકટીમાં ૧૮૦૦ ફ્લાઈટ્સ રદ્ થઈ છે. જેના કારણે બે લાખથી વધુ મુસાફરો પરેશાન થયા છે. આ મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ મળતી નથી અને જે હવાઈ સેવા ઉપલબ્ધ છે તેમાં ભાડા આસમાને છે.

દિલ્હી-બેંગલુરૂ, કોલકાતા-મુંબઈ અને મુંબઈ-ભૂવનેશ્વર જેવા રૂટમાં ભાડું એક લાખ રૂપિયા સુધી પહોંચ્યું છે, જે વિદેશ યાત્રા કરતા પણ વધુ છે.

દિલ્હી-બેંગલુરૂ વચ્ચેનું ભાડું ૪૩ હજારથી ૯ર હજારનું છે. જે સામાન્ય દિવસોમાં ભાડું રૂા. સાત હજારનું હોય છે. દિલ્હી-બેંગલુરૂ માટે એર ઈન્ડિયાની વન સ્ટોપ ફ્લાઈટનું ભાડું રૂા. ૧ લાખ ર હજાર ભાડું છે. મુંબઈથી દિલ્હીની સીધી ફ્લાઈટનું ભાડું ર૧ હજારથી ૪૭ હજાર, દિલ્હીથી કોલકાતાની સીધી ફ્લાઈટનું ભાડું ર૯ હજારથી પર હજારનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

આ સ્થિતિમાં એરઈન્ડિયા, સ્માઈલ જેટ, એર ઈન્ડિયા એક્સપ્રેસ, આકાશા એર લાઈન સેવા આપી રહ્યું છે. મોડેથી મળતા અહેવાલો મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોના ઓપરેશનલ સંકટના કારણે એર લાઈન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા અસામાન્ય હવાઈ ભાડાની ગંભીર નોંધ લીધી છે, અને હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી નાખ્યા છે. મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે અને ભાડા મર્યાદાનું કડક પાલન કરવા આદેશ કરાયો છે. મુસાફરોનું કોઈપણ રીતે શોષણ ન થાય તેની તાકીદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh