Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નિષ્ણાત તબીબોના સંયુક્ત પ્રયાસે કેન્ડોર આઇ.વી.એફ. સેન્ટરનો થશે આરંભ

પુત્રદા એકાદશીએ લોકાર્પણમાં 'અનુપમા' સિરિયલના 'લીલાબા' રહેશે ઉપસ્થિત

જામનગર તા. ૧૯ઃ વર્તમાનમાં દંપતીઓમાં નિઃસંતાનપણાની સમસ્યા વ્યાપક બની છે ત્યારે આવા દંપતીઓ માટે આખરી ઉપાય તરીકે આઇ.વી.એફ. એટલેકે ટેસ્ટ ટ્યૂબ બેબીનો પ્રયોગ સફળ સાબિત થતો હોય છે. જામનગરનાં ખ્યાતનામ, અનુભવી અને નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટોનાં સંયુક્ત પ્રયાસરૃપે શહેરમાં અત્યાધુનિક તબીબી સુવિધા સાથેનાં કેન્ડોર આઇ.વી.એફ. સેન્ટરનો શુભારંભ થવા જઇ રહ્યો છે. સંલગ્ન તબીબો ડો. દિપક ભગદે, ડો. દિપ્તી વ્યાસ, ડો. નિતા માંઢાઇ સાતા, ડો. દિપલ ભાલોડીયા અને ડો. આનંદ ભગદે તથા ડો. નિર્ઝરિણી મહેતા દ્વારા પત્રકાર પરિષદ યોજી આઇ. વી. એફ. ટ્રીટમેન્ટ, સેન્ટર તથા તેની ઉપયોગિતા વિશે માહિતી આપવામાં આવી હતી.

જામનગરમાં સુમેર ક્લબ રોડ પર આવેલ બેંક ઓફ બરોડા શાખાની પાછળ, પાછલા તળાવ પાસે તા. ૨૧/૧/૨૦૨૪ ને રવિવારે પુત્રદા એકાદશીના શુભ દિને કેન્ડોર આઇ.વી.એફ. સેન્ટરનું લોકાર્પણ થશે. આ પ્રસંગે પ્રસિદ્ધ સિરિયલ 'અનુપમા' માં 'લીલાબા' નું પાત્ર ભજવી આગવી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અલ્પનાબેન બુચ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આઇ.વી.એફ. શું છે?

જ્યારે કોઇ પરિણીતાને કુદરતી રીતે ગર્ભ રહેતો ન હોય ત્યારે તેનાં વિવિધ પરીબળો ચકાસી  આઇ.વી. એફ. ટ્રીટમેન્ટ ની સલાહ તબીબો દ્વારા આપવામાં આવતી હોય છે. આઇ.વી.એફ. માં સ્ત્રીને વધુ સંખ્યામાં અને વધુ સારા બીજ બનવાનાં ઇન્જેક્શન આપવામાં આવે છે પછી સારા બીજને પસંદ કરી પુરૃષનાં વીર્યમાંથી પણ સારા શુક્રાણુ પસંદ કરી બીજ અને શુક્રાણુનું મિલન કરાવવામાં આવે છે. આ જટીલ અને સૂક્ષ્મ પ્રક્રિયા લેબોરેટરીમાં થાય છે એ પછી બીજને ફરીથી સ્ત્રીનાં ગર્ભમાં મૂકી આપવામાં આવે છે જે ઇશ્વર કૃપાથી ગર્ભમાં બાળકરૃપે વિકસિત થાય છે.

કેન્ડોરની વિશેષતા

વર્તમાનમાં ઇન્ફર્ટીલીટીની સમસ્યા વ્યાપક બની હોવાથી મહાનગરોમાં ઘણાં બધા આઇ.વી.એફ સેન્ટર કાર્યરત છે પરંતુ તે ખૂબ ખર્ચાળ છે અને દરેકની સફળતાની સરેરાશ ડોક્ટરો અને એક્સપર્ટ પર આધાર રાખે છે. આઇ.વી.એફ. ટ્રીટમેન્ટમાં એમ્બ્રીયોલોજીસ્ટની પણ મહત્ત્વની ભૂમિકા છે. બીજની ગુણવત્તા, શુક્રાણુની ગુણવત્તા વગેરે બાબતોમાં એક્સપર્ટ ઓપિનિયન અગત્યનો છે. કેન્ડોરનાં પ્રણેતા ડો. જયદેવ ધામેલિયા તથા ડો. જૂહી ધામેલીયા આઇ.વી.એફ ટ્રીટમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે અને તજજ્ઞ તરીકે સેવારત છે. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કેન્ડોરનું કુલ આઠમું સેન્ટર કાર્યરત છે જ્યારે નવમું સેન્ટર જામનગરમાં આરંભ થવા જઇ રહ્યું છે. જામનગરના ઇન્ફર્ટીલીટી એક્સપર્ટ ડો. નિર્ઝરિણી મહેતા તથા અન્ય સંલગ્ન ગાયનેકોલોજીસ્ટો ડો. જયદેવ અને ડો. જૂહી ધામેલિયા સાથે સંકલન સાધી દર્દીઓને શ્રેષ્ઠ પરિણામ આપવા પ્રયાસ કરશે. પત્રકાર પરિષદમાં કેન્ડોર આઇ.વી.એફ.નાં પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ ત્રણેય જિલ્લાના નિઃસંતાન દંપતીઓને આ સેન્ટરનો લાભ મળશે. ખાસ કરીને જામનગર શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં નિઃસંતાન દંપતીઓને આઇ.વી.એફ ટ્રીટમેન્ટ માટે રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં જવું પડતું એને બદલે હવે ઘર આંગણે જ મહાનગરોનાં સેન્ટરોની સાપેક્ષ સરેરાશ ૧૫-૨૦% ઓછા ખર્ચે વધુ વિશ્વસનીય આઇ.વી.એફ.ટ્રિટમેન્ટ ઉપલબ્ધ બનશે.

ટેકનોલોજી

કેન્ડોર આઇ.વી.એફ સેન્ટરમાં ગુજરાતનું સૌપ્રથમ માઇન્ડરે કંપનીનું થ્રીડી-ફોરડી સોનોગ્રાફી મશીન, વીર્યનાં પરીક્ષણ માટે ઇઝરાયેલની કંપનીનું આધુનિક મશીન, સારા બીજ શોધવા માટે આધુનિક માઇક્રોસ્કોપ તથા ફલીનીકરણ માટે 'ઇક્સી' (માઇક્રો મેનીપ્યુલેટર) મશીનનો ઉપયોગ થશે. આ ઉપરાંત દંપતીઓ કોઇ કારણસર હાલ સંતાન ઇચ્છતા ન હોય પરંતુ ભવિષ્યમાં સંતાનપ્રાપ્તિમાં કોઇ તકલીફ ન પડે એ માટે તકેદારીરૃપે સ્ત્રીનાં બીજને ફ્રીઝ કરી રાખી શકાય છે. એ સુવિધા પણ સેન્ટરમાં ઉપલબ્ધ હશે. કારકિર્દીને જોખમમાં મૂકી એક નિશ્ચિત વય સુધી માતા બનવા ન ઇચ્છતી ફિલ્મી અભિનેત્રીઓમાં આ પ્રથા ખૂબ પ્રચલિત બની છે. આ ઉપરાંત દંપતીની અનુમતિથી અન્ય સ્ત્રીનાં  બીજનો ઉપયોગ કરી તથા અન્ય પુરૃષના  શુક્રાણુનો ઉપયોગ કરી પણ ગર્ભધારણ કરાવવામાં આવે છે જે માટે  ગુપ્તતા જાળવણી અને  નિશ્વિત કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડે છે.

વિશ્વસનીયતા

આ સેન્ટર સાથે જામનગરનાં ડો. દિપક ભગદે, ડો. દિપ્તી વ્યાસ, ડો. નિતા માંઢાઇ સાતા, ડો. દિપલ ભાલોડીયા જેવા સિનિયર અને પ્રતિષ્ઠિત ગાયનેકોલોજીસ્ટો તથા આધુનિક ટેકનોલોજી અને સારવાર વિશેનાં જ્ઞાનથી સજ્જ ડો. આનંદ ભગદે તથા ડો. નિર્ઝરિણી મહેતા જેવા એક્સપર્ટ જોડાયેલ હોય લોકોને સહજરૃપે વિશ્વાસ જન્મે છે સ્વાભાવિક છે. પત્રકાર પરિષદમાં પણ તબીબોએ લોકોને ઓછા ખર્ચે ઉત્તમ તબીબી સુવિધા આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

વ્યાપક બનેલી નિઃસંતાનપણાની સમસ્યા માટે કારણભૂત પરિબળો

પત્રકાર પરિષદ દરમ્યાન સિનિયર ડો. દિપકભાઈ ભગદેએ વર્તમાનમાં વ્યાપક બની ગયેલી નિઃસંતાનપણાની સમસ્યાનાં કારણો અંગે પણ ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રમાં તમાકુનું સેવન મોટા પ્રમાણમાં થતુ હોય પુરૃષોનાં શુક્રાણુ પર વિપરીત અસર જોવા મળે છે. જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગનું કેન્દ્ર હોવાથી ભઠ્ઠીઓમાં કામ કરતા લોકોનાં શુક્રાણુ પણ ગરમીને કારણે મૃતઃપ્રાય થઇ જતા જોવા મળે છે. સ્ત્રીઓમાં વધુ ઉંમર અને વધુ વજન ગર્ભધારણમાં અવરોધરૃપ બને છે. ૨૫ વર્ષની વય સુધીમાં સ્ત્રીને સરળતાથી સ્વસ્થ ગર્ભ રહી શકે છે પરંતુ વર્તમાન સામાજિક વ્યવસ્થા અને પ્રથા મુજબ હવે લગ્ન જ ૩૦ વર્ષની વયની આસપાસ થાય છે એ પણ ઇન્ફર્ટીલિટી માટે એક અગત્યનું પરિબળ છે.ઉપ રાંત જંકફૂડ અને અણઘડ જીવનશૈલી પણ મોટી ભૂમિકા ભજવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh