Advertisement
Author: નોબત સમાચાર

વડોદરાની બોટ દુર્ઘટના સંદર્ભે ૧૮ની અટકાયતઃ તપાસનો ધમધમાટઃ જનાક્રોશ

ભ્રષ્ટ ભેડિયાઓનો ભોગ બનેલા ભૂલકાંઓની અશ્રુભીની અંતિમયાત્રાઃ કાળજુ કંચાવે તેવું કલ્પાંતઃ

વડોદરા તા. ૧૯ઃ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બનેલ દુર્ઘટનાથી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ભ્રષ્ટ પરિબળો સામે જનાક્રોશ છે. પોલીસે ૧૮ શખ્સો સામે ગુન્હો નોંધીને અટકાયત કરી છે. સરકારે સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે. મૃતક વધીને ૧૭ નો થયો છે. કમભાગી મૃતકોની અંતિમ યાત્રામાં કલ્પાંત કાળજું કંપાવે તેવું હતું. આ અંગે તપાસનો ધમધમાટ શરૃ થયો છે. હાઈકોર્ટે સુઓમોટો લેવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં ર૭ લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થઈ ગયો છે જેમાં ૧પ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ બનાવમાં મોડી રાત્રે હરણી પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો તેમજ અન્ય જવાબદારો મળી કુલ ૧૮ જણા સામે બેદરકારી રાખી બાળકોના મોત નિપજાવવા બદલ ગુનો દાખલ કર્યો છે તેમજ આ મામલે વડોદરા પોલીસ દ્વારા ૯ સભ્યોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે.

વડોદરામાં ૧૮ જાન્યુઆરી ગુરુવારે બનેલી કરૃણ ઘટનામાં ૧પ લોકોએ જીવ ગુમાવ્યા પછી આજે મૃત્યુઆંક વધીને ૧૭ થઈ ગયો છે. આ ઘટનાને પગલે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ રાજ્યના મુખ્યમંત્રીએ આ ઘટનાનો ૧૦ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ આ દુર્ઘટના મામલે કલમ ૩૦૪, ૪૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ ૧૮ લોકો સામે ગુનો દાખલ કરાયો છે.

માહિતી અનુસાર રૃંવાડા ઊભા કરી દેતી આ ઘટનાને પગલે કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બીનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. એવી પણ માહિતી છે કે બીનિત કોટિયા રાજકીય રીતે વગદાર માણસ છે અને તેના કારણે જ તેની કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

ઉપરોક્ત બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન બોટનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કોન્ટ્રાક્ટર તેમજ તેમના મળતિયાઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. બોટના દોરડા તેમજ અમુક પાર્ટસ જર્જરીત હતાં. વેલ્ડીંગ કરાવતા હતાં તેમજ કેટલાક બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હતાં. આ ઉપરાંત ચેતવણીના બોર્ડ પર મૂકવામાં આવ્યા ન હતાં. ઉપરોક્ત બનાવ પછી પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર બીનિત કોટિયા, હિતેષ કોટિયા સહિત ૧૮ સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી હતી.

આરોપીઓમાં બીનિત કોટિયા, હિતેષ કોટિયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દીપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત સી. પ્રજાપતિ, જતિનકુમાર હરિલાલ દોશી, નેહા ડી. દોશી, તેજલ આશિષકુમાર દોશી, ભીમસીમ કુડિયા રામ યાદવ, વેદ પ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી, નુતનબેન પી. શાહ, પાર્વતીબેન પી. શાહ, લેક ઝોનના મેનેજર સોલંકી, બોટ ઓપરેટર નયન ગોહિલ અને અંકિતનો સમાવેશ થાય છે.

ઘટના પહેલાના સીસી ટીવી કૂટેજ સામે આવ્યા. વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં એક હોડી પલટી મારી જતા ૧૭ ના મોત થયા હતાં. આ ઘટના પહેલાના સીસી ટીવી કૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી તળાવ ઝોનમાં એક લાઈન બનાવીને પ્રવેશ કરતા દેખાઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષકો પણ દેખાઈ રહ્યા છે.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતા થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે.

ગુજરાત સરકાર તરફથી મૃત્તકોના પરિવારજનોને રૃા. ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૃા.૫૦ હજાર તથા  વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૃા. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૃા. પ૦ હજારની સહાય અપાશે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ટ્વીટર પર સંવેદના વ્યકત કરી છે. તેમણે લખ્યું છે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદૃાવક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૃં છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યકત કરૃં છું પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

રાજ્યભરમાં હરણી તળાવ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વડોદરાના વકીલોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ જવાબદારનો કેસ નહીં લડવા વકીલોનો નિર્ણય છે. જો કોઈ વકીલ કેસ લડે તો કોર્ટમાં વિરોધ કરાશે. તેમજ વડોદરા દુર્ઘટના મુદ્દે એચસીમાં સુઓમોટો લેવા રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.ની હાઈકોર્ટમાં માંગ ઉઠી છે. તેમજ બેદરકારી ભર્યા વલણ મુદ્દે એચસી સુઓમોટો દાખલ કરે તેમ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ માંગ કરી છે. બ્રિજેશ ત્રિવેદીએ ચીફ જજની કોર્ટમાં સુઓમોટો લેવા રજુઆત છે. વડોદરામાં ક્ષમતા કરતા વધારે બાળકોને બોટમાં બેસાડાતા આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે.

ભ્રષ્ટ ભેડિયાઓની ગંભીર બેદરકારીનો ભોગ બનેલા ભૂલકાઓની જુદા જુદા સ્થળેથી અશ્રુભીની અંતિમયાત્રાઓ નીકળી ત્યારે પરિજનોનું કાળજુ કંપાવે તેવું ભલભલાની આંખો ભીની થઈ રહી હતી. અને ગમગીન માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh