Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ચાલીસ હજાર પશુઓનું કરાશે રસીકરણ

જિલ્લા ૫ંચાયતની બાર ટીમો કામે લાગી

જામનગર તા. ૪: જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા ૪૦,૦૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવશે. જિલ્લામાં ૧૨ ટીમો દ્વારા ૧૨૦૦ પશુઓની સારવાર કરાઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

જામનગરમાં તાજેતરમાં ભારે વરસાદ થવાથી તેમજ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. પશુઓની કાળજી લેવાય તે હેતુથી જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની ૧૨ ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા સાવ છેવાડાના વિસ્તારોમાં જઈને પાણીના પૂરમાં ધસમસતા પ્રવાહની વચ્ચે બીમાર પશુઓનું સુરક્ષિત સ્થળ પર રેસક્યુ કરવામાં આવ્યું હતું. સાથે- સાથે પશુપાલકોને કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લની આગેવાનીમાં પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાલુકા લાયઝન અધિકારીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીઓ, પશુ નિરીક્ષકો તેમજ અન્ય સ્ટાફ સહિતની ટીમ દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે તાલુકાના ગામોમાં પશુપાલકોની રૂબરૂ મુલાકાત લઈને સારવાર, રસીકરણ તેમજ તેમને જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરાઈ રહી છે.

પશુપાલન વિભાગ ઘનિષ્ઠ કામગીરી હાથ ધરીને જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧,૨૦૦ પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં ગાય તેમજ ભેંસ વર્ગના કુલ ૩૫ પશુઓ, ૭૧૫ ઘેટાં તેમજ ૭૩૩ બકરાનું મરણ નોંધાયેલ છે. કુલ ૧૪૮૩ પશુઓનું મરણ નોંધાયેલ છે. તેમજ અસરગ્રસ્ત ગામોમાં ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે આગામી ૫ દિવસ સુધી ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આગામી ૫ દિવસમાં અંદાજિત ૪૦,૦૦૦ પશુઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મરણ પામેલ પશુઓને પશુ ચિકિત્સા અધિકારીઓની હાજરીમાં મૃતદેહોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. રોગચાળો ફેલાવાની શક્યતા ના રહે તે માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે. તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જામનગર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh