Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ નગરસેવકના 'આપ'માં જોડાવવાના કાર્યક્રમ વેળાએ અફડાતફડીઃ બદલો વાળ્યાનું આ શખ્સનું રટણઃ
જામનગર તા. ૬: જામનગરના ટાઉનહોલના પટાંગણમાં ગઈકાલે 'આપ'ના બે ધારાસભ્ય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જામનગરના ત્રણ નગરસેવક સહિતના વ્યક્તિઓ 'આપ'નો ખેસ ધારણ કરતા હતા ત્યારે યોજાયેલી સભામાં એક શખ્સે અચાનક જ જૂતું ઉપાડી ગોપાલ ઈટાલીયા પર તેનો ઘા કરતા અફડાતફડી મચી હતી. સતર્ક રહી ફરજ બજાવી રહેલી પોલીસે તરત જ આ શખ્સને દબોચી લીધો હતો. જો કે, તે પહેલાં ઉશ્કેરાયેલા ટોળાએ ટપલીદાવ કરી લીધો હતો. ટોળાના હાથમાંથી આ શખ્સને બહાર કાઢી પોલીસે સારવારમાં ખસેડ્યા પછી મોડીરાત્રે આ શખ્સે આઠ વર્ષ પહેલાં રાજ્યના ગૃહમંત્રી પર ગોપાલ ઈટાલીયાએ કરેલા જૂતાના ઘાનો બદલો વાળ્યાની કેફિયત આપી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ કરવાનો ગોપાલ ઈટાલીયાએ ઈન્કાર કર્યાે હતો, આ બનાવે દેશવ્યાપી પડઘા ઉભા કર્યા છે.
જામનગરના ટાઉનહોલના પટાંગણમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં જામનગરના ત્રણ કોંગ્રેસી નગરસેવક કોંગ્રેસમાંથી રાજીનામુ આપી 'આપ'માં જોડાવવાના યોજાયેલા કાર્યક્રમમાં બનેલા બનાવે સમગ્ર રાજ્ય તથા છેક દિલ્હી સુધી પડઘા પડે તેવો માહોલ સર્જી દીધો છે.
કોંગ્રેસના નગરસેવક અસલમ ખીલજી, જેનબબેન ખફી, ફેમીદાબેન જુણેજા નામના ત્રણ વ્યક્તિએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા પછી તેઓ તથા સંધી સમાજના અગ્રણી સહિતના વ્યક્તિઓ ગઈકાલે વિધિવત રીતે 'આપ'માં જોડાઈ રહ્યા હતા તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો. મહાપ્રભુજી બેઠક પાસે ગઈકાલે બપોરે બાઈક રેલી યોજાઈ હતી. જેમાં જોડાયેલા સંખ્યાબંધ યુવાનોએ ગોપાલ ઈટાલીયા તથા હેમત ખવાનું તેમજ અન્ય પદાધિકારીઓનંુ સન્માન કર્યા પછી તે રેલી ટાઉનહોલ આવી પહોંચી હતી અને ત્યાં સભામાં પરિવર્તીત થઈ હતી.
'આપ'ના આગેવાનો દ્વારા શરૂ કરાયેલા પ્રવચન પછી ગોપાલ ઈટાલીયા તેમજ હેમત ખવાના હસ્તે કોંગ્રેસમાંથી આવેલા ત્રણેય નગરસેવક સહિતના વ્યક્તિઓને 'આપ'નો ખેસ પહેરાવી તેઓને આવકારવામાં આવી રહ્યા હતા અને તે પછી ગોપાલ ઈટાલીયાએ પોતાનું પ્રવચન શરૂ કર્યું હતું. તે દરમિયાન ઉમટેલી ભારે મેદની વચ્ચે એક શખ્સે અચાનક જ સ્ટેજની સામે પહોંચી જમીન પર વળ્યા પછી પોતાનું જૂતું ઉપાડી ગોપાલ ઈટાલીયા પર જોશભેર ઘા કર્યાે હતો અને અફડાતફડી મચી ગઈ હતી.
આ શખ્સે જુતાનો ઘા કરતા જ સ્ટેજ પરથી જેનબબેન તેમજ અન્ય આગેવાનો ઉતરી પડ્યા હતા અને તેઓએ છત્રપાલસિંહ નામના આ શખ્સને પકડી લીધો હતો અને ત્યારે જ રોષે ભરાયેલા ટોળાએ આ શખ્સ પર ટપલીદાવ શરૂ કર્યાે હતો. સતર્ક રહેલી પોલીસ ટીમ દોડી આવી હતી અને આ શખ્સને ટોળાના હાથમાંથી બચાવીને સાઈડમાં લઈ જવાના પ્રયાસો શરૂ કરાયા હતા અને થોડી જ મિનિટોમાં આ શખ્સને ટોળામાંથી બહાર કાઢી લઈ પોલીસે તેનો કબજો સંભાળી લીધો હતો.
તે દરમિયાન ટપલીદાવથી સામાન્ય ઈજા પામેલા આ શખ્સને હોસ્પિટલ ખસેડવાની પોલીસ દ્વારા તજવીજ કરાઈ હતી ત્યારે જ સ્ટેજ પરથી ગોપાલ ઈટાલીયા સહિતના આગેવાનોએ લોકોને નિયંત્રણમાં રહેવા, કાયદો હાથમાં ન લેવા, આ શખ્સને પોલીસને સોંપી આપવા અરજ કરી હતી તેને માની લઈ ટોળુ નિયંત્રણમાં આવી ગયું હતું પરંતુ આ બનાવે ઘેરા પડઘા પાડ્યા છે.
ઉપરોક્ત નિંદનીય બનાવ પછી પણ સભા યથાવત રાખવામાં આવી હતી અને ગોપાલ ઈટાલીયાએ પોતાનું વકતવ્ય યથાવત રાખ્યું હતું. જો કે, તેઓએ આ વ્યક્તિઓના 'આપ'માં આગમનને ન સાંખી શકનાર વ્યક્તિઓનું કૃત્ય હોવાનું જણાવી લોકોને સંયમ રાખવા વધુ એક વખત અપીલ કરી હતી.
ઉપરોક્ત બનાવ પછી પણ નોંધનીય રીતે ટોળુ સંયમીત રહ્યું હતું. ઈજાગ્રસ્તને જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા પછી લાલપુર તાલુકાના મેમાણા ગામના આ છત્રપાલસિંહ નામના શખ્સે આઠેક વર્ષ પહેલાં જે તે વખતના રાજ્યના ગૃહમંત્રી પર ગોપાલ ઈટાલીયાએ જૂતું ફેંક્યાના બનાવનો બદલો લેવા માટે જૂતું ફેંક્યાની વાત કરી હતી.
સભાના સમાપન પછી ગોપાલ ઈટાલીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ શખ્સ સામે પોલીસ ફરિયાદ કરવી નથી તેમ જણાવી આ શખ્સને ભગવાન સદ્બુદ્ધિ આપે અને તેનું સારૂ કરે તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.
પોલીસ જ આ શખ્સને લાવ્યાનો ઈટાલીયાનો આક્ષેપઃ
જૂતું ફેંકવાના બનાવના પગલે રોષે ભરાયેલા ટોળાને અગ્રણીઓએ અપીલ કરી નિયંત્રિત કર્યું
ગો૫ાલ ઈટાલીયા પર જૂતું ફેંકાયા પછી તેઓએ આ કૃત્ય ભાજપ દ્વારા કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યાે હતો. જ્યારે સ્ટેજ પરથી જેનબબેને જણાવ્યું હતંુ કે, આ શખ્સ કોંગ્રેસનો કાર્યકર છે અને હાલમાં કોંગ્રેસનું સોશિયલ મીડિયાનું કામ સંભાળી રહ્યો છે. ગોપાલ ઈટાલીયાએ ઉપરોક્ત બનાવ વેળાએ જે રીતે તરત જ પોલીસે તેને કવરઅપ કરી લીધો અને ટોળાથી બચાવીને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યાે તે જોઈને પોલીસ જ આ શખ્સને લાવી હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યાે હતો. ત્યારપછી પત્રકારો સાથેની વાતચીતમાં પણ ગોપાલ ઈટાલીયાએ પોલીસ ફરિયાદ કરવી નથી તેમ જણાવ્યું હતું. જૂતા ફેંકવાના બનેલા બનાવ વખતે અત્યંત રોષે ભરાયેલુ ટોળુ છત્રપાલસિંહ નામના આ શખ્સ પર તૂટી પડ્યું હતું. સ્ટેજ પરથી ગોપાલ ઈટાલીયા, અસલમ ખીલજી, જેનબબેને ટોળાને નિયંત્રીત રહેવા માટે અને કાયદો હાથમાં ન લેવા તેમજ આ શખ્સને પોલીસને સોંપી આપવા અપીલો કરી હતી. જેને ધ્યાને લઈ ટોળુ પાછું હટ્યું હતું અને પોલીસ સ્થળ પરથી આ શખ્સને અટકાયતમાં લઈ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial