Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સમય હતો કે જ્યારે કોઈપણ બાબતમાં એમ કહેવાતું કે *સમાજ શું કહેશે?* *લોકો શું કહેશે?* એ વિચારે ઘણાં પારિવારિક નિર્ણય મુલતવી રાખવામાં આવતા હતા. હવે આમ જોવા જઈએ તો ઘણો સુધારો થયો છે. પણ અમુક લોકો હજી એ વિચારધારામાં જીવે છે. અલબત્ત એમના સંતાનોમાં એટલા સંસ્કાર રેડ્યા છે કે સંતાનો આજે પણ માતા પિતાની દરેક વાત માને છે. જો એમને યોગ્ય ન લાગતું હોય તો માતા કે પિતાને સમજાવીને કહે છે. ઘણાં લોકોની જેમ સામે નથી થઇ જતા.એમ કહીને કે *તમને સમજણ ના પડે* તમારા એ જમાના ગયા* તમે શાંત બેસી રહો* અમને અમારી રીતે કરવા દ્યો* વગેરે ભાષામાં નહિ પણ વિવેકપૂર્વક કહે છે, સમજાવે છે.
ધીરજલાલને બે સંતાનો એક દીકરી મોટી - નમ્રતા અને એનાથી નાનો દીકરો વિવેક. ધીરજલાલ પોતે માનતા હતા કે આપણું વર્તન , વહેવાર અને વાચા વિવેક ભર્યા નમ્રતાપૂર્વકના હોવા જોઈએ. એ જ સંસ્કાર બાળકોમાં આપતા હતા. એમણે અને એમના પત્ની દયા એ નક્કી કરેલું કે દીકરો જન્મે તો નામ વિવેક રાખશું અને દીકરી જન્મે તો નામ નમ્રતા રાખશું. અને એ જ નામ રાખ્યા. નમ્રતા અને વિવેક વચ્ચે છ વર્ષનો જ ફરક હતો વિવેક નમ્રતાને મોટી બહેન તરીકે ખૂબજ માન આપતો.મોટી બહેનનો પડ્યો બોલ ઝીલતો. બન્ને ભાઈ બહેન વચ્ચે ગજબનું બોન્ડ હતું. વિવેકને કોઈ વઢે તો નમ્રતા ઉપરાણું લઈને ઉભી રહે. પછી તો એવું થઈ ગયું હતું કે , મમ્મી કે પપ્પા વિવેકને કંઈ કહેતા વિચાર કરે કે નમુ ઘરમાં હોય ત્યાં સુધી આને કાંઈ કહેવાય નહીં. એથી વિશેષ વિવેક માને તરત એની બહેનનું મોટી બહેન કાંઈ કહે તો વાત પતી ગઈ. મોટીબહેન ખખડાવે તો શાંતિથી નીચે જોઈ ઊભો રહે અને બોલે કે દીદી ભૂલ થઈ ગઈ હવે નહિ કરૃં. એ પછી દીદી વહાલ કરે. વિવેક કાંઈ ન માનતો હોય તો માં બાપુજી કહે કે આવવા દે તારી દીદી ને હું એને જ કહીશ. એટલે તરત જે હોય એ માની લે અને કરી નાખે. એ ગભરાય તો માત્ર દીદી થી. વિવેકને કાંઈ જોતું હોય તો એ પપ્પા ને ના કહે પણ દીદી ને કહે કે આ જોઈએ છે. અને દીદી લાવી પણ આપે. એમ કહેવાય છે ને કે મોટી બહેન એટલે માં બરાબર એ વાત અહીં સાર્થક થતી હતી. નમ્રતા આમ બહુ જ શાંત એને વાંચવાનો શોખ અને રસોઈ નો શોખ એ વિવિધ વાનગીઓ શીખે અને ઘરમાં બનાવે. એ મોટી થઇ પછી રસોઈ એ જ બનાવે. મમ્મી નહિ. એણે મમ્મીને કહી દીધેલું કે તમારે રસોડામાં નહિ આવવાનું. સવારની ચ્હાથી રાતનું જમવાનું એ જ બનાવતી . કોઈ મહેમાન આવવાના હોય ત્યારે નમ્રતા કોઈ નવી જ વાનગી બનાવે.
નમ્રતાને ભણવાનું પૂરૃં થયું માસ્ટર ડિગ્રી મેળવી લીધી અને વિવેક કોલેજમાં આવ્યો.હવે નમ્રતા માટે માંગા આવવા માંડ્યા. એમાં એક યુવક પરિવાર સારા લાગ્યા. કુંડળી મેળવાવી , એ લોકોના જ્યોતિષે જોયું પછી ગમે તે હોય સ્પષ્ટ બોલી ન શક્યા કે કહેવા નહોતા માગતા એ સમજાયું નહિ પણ એમનું કહેવું હતું કે આમ દામ્પત્ય જીવન બહુ જ સરસ છે. એક ઘાત નીકળી જશે. બાકી સરસ છે. નમ્રતાની મમ્મી એ કહ્યું કે જોષીજી એક વાત સમજાવો. એ જન્મી ત્યારે તમે કુંડળી બનાવી એ સમયે તમે કહેલું કે આ મોટી થાય પછી તકલીફ આવી શકે છે. એના વિવાહ બધું જોઈને કરજો. અત્યારે તમે એમ કહો છો. જોષીજી એ કહ્યું કે પ્રારબ્ધમાં જે હોય એ થાય પણ સારૃં થાય. બહુ જ સાદાઈથી લગ્ન થયા .નમ્રતા સાસરે ગઈ. વિવેકને બહુ કાઠુ પડી ગયું. હવે દીદી વગર એને ગમતું નહિ. એ શાંત પણ વધારે થઈ ગયો. મમ્મી જે આપતા હતા એ ખાઈ લેતો કોઈ માંગણી નહોતો કરતો.ત્યાં દીદીને ભાઈની ચિંતા બહુ રહે. એ આવે પિયર ત્યારે મમ્મી ને પૂછી લે કે ભઈલુ નું બધું બરાબર છે ને? મમ્મી કહે કે તમારા ગયા પછી વધુ શાંત થઇ ગયો છે. કોઈ માગણી નહિ કોઈ વાતે ના નહિ, જે હોય તે ચલાવી લે. તારી આગળ નખરા કરતો કે આ નથી ભાવતું, આ નથી ગમતું, પણ હવે બધું ભાવે બધું ફાવે. કોઈ તકલીફ નહિ. જે કામ કે કાંઈ પણ કહીએ એ કરી આપે. એ ભલો અને એનું ભણવાનું.
સમય અને સંજોગો કેટલા બદલાતા રહે છે , એ દરેકના જીવનમાં બનતું હોય છે. દુઃખ, સુખ, સારૃં નરસું બધું જીવનમાં આવતું જતું રહે. જીવનમાં તકલીફો આવતી જતી રહે. આ દરેકના જીવનનો ક્રમ છે. એમ જ અહીં થયું. કારણ, ઘટના તો ખબર નહિ પણ અકસ્માત માં નમ્રતાના પતિનું મૃત્યુ થયું. નમ્રતા વિધવા થઇ. સમય જતા એના સાસરિયાએ એને પિયર મોકલી આપી. એ જ સમયે નમ્રતા ના પપ્પા ધીરજલાલ ને સાંજે ઓફિસેથી આવતા સાયકલને અકસ્માત થયો, પગમાં ફ્રેક્ચર થયું. તેમનું વાહન સાયકલ .આવક જ એટલી હતી કે બધું પોસાય જ નહિ. દરેક પિતાની જેમ એમના માટે પણ બાળકોનું ભણતર, એમની જરૂરિયાતનું મહત્વ વધારે હતું. એ પોતે બે જ જોડ કપડામાં ચલાવે પણ બાળકોને બધું જ . એ અને એમના પત્ની દયા હરવા ફરવા ખાવાના શોખ ન રાખે પણ બાળકો માટે બધું જ કરે. આટલી સીમિત આવકમાં. એક તો દીકરો હમણાં ગ્રેજ્યુએટ થયો. નોકરી મળવાની વાર હતી. નમ્રતા વિધવા થઈ પાછી આવી. એમાં અકસ્માત થયો અને ફ્રેક્ચર થયું. નોકરી ગઈ. બચત તો હતી નહિ શું કરવું? નમ્રતા એ ટિફિન શરૂ કર્યા. એની રસોઈ તો આમેય વખણાતી એમાં ટિફિન ખાવા વાળા બીજાને કહે કે બહુ સરસ જમવાનું હોય છે એટલે ટિફિન વધવા માંડ્યા. આમાં વિવેક બહુ મદદ કરતો. બધું બજારમાંથી લઇ આવે. શાક વગેરે સમારવા વગેરે બધું કરે અને ભાઈ બહેન વહેલા ઉઠી કામે લાગી જાય. સારી આવક થઈ ગઈ. ઘર તો બાપ દાદાના વખતનું મોટું હતું જ એમાં એક બાજુના બે રૂમ વધારાના હતા. એ સમારકામ કરી થાળી રેસ્ટોરન્ટ કર્યો. એ પણ જામી ગઈ. ટિફિન તો ખરા જ , લોકો જમવા પણ આવે. હવે સ્ટાફ રાખ્યો રસોડામાં અને બહાર પીરસવા વગેરે. વિવેક દીદીને બધે મદદ કરતો. એ કાઉન્ટર પર સતત બેસી ન શકે એટલે ત્યાં એક ભાઈ રાખ્યા . જમનાદાસ . નામ એવું પણ યુવાન . કોઈના કહેવાથી એમને રાખેલા. પછી ખબર પડી કે જમનાદાસનું કોઈ પરિવાર જ નથી. એ અનાથાશ્રમમાં રહ્યા અને ભણ્યા નોકરી મળી એટલે એ સંસ્થાએ કહ્યું કે હવે તમે પગભર થયા તમારી વ્યવસ્થા કરો. એટલે એક ઓરડી રાખી.એ ઓરડીના માલિક ડિપોઝીટ માંગતા હતા જે તાત્કાલિક જમનાદાસ આપી શકે એમ હતા નહિ. પછી આપીશ એમ કહ્યું. આ વાતની નમ્રતા ને ખબર પડી. એણે પપ્પાને કહી ઉપરની મેડીમાં જમનાદાસની રહેવાની વ્યવસ્થા કરી. જમનાદાસ ત્યાં રહેવા લાગ્યા અને સવારે ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠ કરી રસોડે આવી જાય. એ ચ્હા તો પીતા નહોતા નીચે રસોડે બધા માટે નાસ્તો બનતો એ રસોડાના સ્ટાફ સાથે બેસી ખાય.હવે જમનાદાસ મેનેજર થઈ ગયા. હવે સરસ થવા માંડ્યું.પાંચ વર્ષ વીતી ગયા. આવક ધીરજલાલ ના પગાર કરતા પણ ઘણી બધી થઈ ગઈ. હવે ધીરજલાલ ને સારૃં થઈ ગયું. હાલતા ચાલતા થઈ ગયા એટલે એમણે વિવેક નમ્રતાને કહ્યું કે હવે હું પાછો શેઠને કહી નોકરીએ લાગી જાઉં. બન્ને સંતાનો એ કહ્યું કે હવે કોઈ જ જરૂર નથી. એ લોકોએ કહેલું નોકરી પુરી. એ સમયે એવા કોઈ પૈસા પણ નહોતા આપ્યા. હવે આપણું આ સરસ ચાલે છે. ધીરજલાલ કહે હા પણ ભોજનાલય તો દીકરીનું ને બ ાપ બેઠો બેઠો દીકરીનું ખાય એ કેવું? લોકો શું કહેશે? વિવેક આવી વાત નો વિરોધી. પહેલીવાર ગુસ્સે થયો અને કહ્યું. એ જમાના ગયા. એ બધી માન્યતામાંથી બહાર આવો. માંડ સમજાવ્યા. હવે વિવેક માટે માંગા આવવા મંડ્યા. વિવેક કહે કે હમણાં નહિ. દીદીનું કાંઈક વિચારવું પડશે. ધીરજલાલ કહે શું વિચારીશ? એના તો લગ્ન થાય નહિ. વિવેક કહે કેમ ન થાય, પપ્પા કહે એ વિધવા છે. આપણા સમાજમાં વિધવા ના ફરી લગ્ન ન થાય . કોઈ વિધવા સાથે લગ્ન કરે જ નહિ. અને માનો કે કોઈ તૈયાર થયું તો સમાજ શું કહેશે? લોકો શું કહેશે? બસ આટલી વાત અને વિવેક ઉખળ્યો * બસ પપ્પા ક્યારે આ વિચારોમાંથી બહાર આવશો? લોકો. સમાજ , અરે, તમારી તકલીફોમાં લોકો આવીને ઊભા રહ્યા? તમારી સીમિત આવકમાં કોણે મદદ કરી? જીજાજી અકસ્માત માં ગુજરી ગયા પછી કોણ સાંત્વના આપવા આવ્યું? દીદી વિધવા થઇ ઘરે આવી પછી લોકો સલાહ આપવા આવ્યા હતા કે એનો ઓરડો જુ દો રાખજો, એને સતત સફેદ કપડાં જ પહેરાવો વગેરે વગેરે , એ વખતે મેં વિરોધ કરેલો કે બહેન મારી છે મને ગમશે એ થશે તમારે અમારા ઘરમાં માથું મારવા આવવું નહિ . કેવા મને બોલવા માંડ્યા? કોઈ મારા માટે એમની દીકરી માટે માગું નાખે તો સમાજના લોકો જ કહેવા વાળા હતા કે વિધવાનું ઘર છે. ત્યાં ના અપાય. આવું કહેવા વાળા લોકોની વાત માનો છો? સમાજ શું કહેશે? લોકો શું કહેશે? પૈસાની તકલીફમાં કોઈ પૂછવા આવ્યા? ટીફિન ચાલુ કર્યા ત્યારે કેટલી ટીકા કરી? અને હવે આ રસોઈ થાળ સરસ ચાલવા માંડ્યો, સર્વત્ર વખાણ થવા માંડ્યા ત્યારે એ ભૂંડું બોલવા વાળા જ કહેતા હતા કે સરસ થાળ છે નાતને જમાડવી પડે.પપ્પા આ આપણું ઘર છે તમારી દીકરી છે, મ ારી દીદી છે અને દીદીની હજી ઉંમર જિંદગી માણવા ની છે.* આટલી વાતમાં ધીરજલાલ પીગળી ગયા આંખમાં આંસુ આવી ગયા. એમણે દીકરી નમ્રતા ન માથે હાથ મુક્યો અને કહ્યું બાપ થઈને હું ભુલ્યો. તારે હજી જિંદગી જીવવાની માણવા ની છે. વિવેક તું છોકરો શોધ. વિવેક કહે શોધવાની જરૂર નથી આપણા મેનેજર જમનાદાસ , પપ્પા પૂછો દીદીને એમને પસંદ છે. એ બોલતા નથી પણ હું એમનો જ ભાઈ છું. એમની નજર ઓળખું , એ વારંવાર મને કહેતા કે જોજે બધું પત્યા પછી *એ* જમ્યા કે નહિ , એ થાકી ગયા હશે, એમને કહે બપોરે આરામ કરે. આ એમનું *એ* હું સમજતો. બસ દીદી ના પાડે તો હું ખોટો. ઘણાં વખતે દીદીના ચહેરે શરમના શેરડા ફૂટ્યા.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial