Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં સૌરાષ્ટ્ર કક્ષાના કલા મહાકુંભનો પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે થયો પ્રારંભ

દેશના સર્વાંગી વિકાસમાં વિરાસતનુ વિશેષ મહત્વ વાયબ્રન્ટ નવરાત્રિથી ગુજરાતની સંસ્કૃતિને મળી નવી ઓળખઃ મંત્રી

જામનગર તા. ૧૧: કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૦ કૃતિઓ રજુ કરાઈ હતી. આ પ્રસંગે મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્ત્વ કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કલા ઉજાગર કરી શકે છે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭થી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ શક્તિઓ થકી ઓળખ ઉભી કરવાનો મોકો મળ્યો છે. પરંપરાગત રીતે ગ્રામ્ય કક્ષાએ રહેલી સંસ્કૃતિ જાળવી રાખનારા લોકો તેમજ વિવિધ મેળાઓના આયોજનમાં સરકાર પણ સહભાગી થઇ છે.

તેમણે કહ્યુ હતુ કે, આપણા પરંપરાગત મેળાઓમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજુ કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળો જેવાકે ચોટીલા, ડાકોર, સોમનાથ, શામળાજી, મોઢેરા, અંબાજીમાં કલા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. વાઈબ્રન્ટ નવરાત્રિના આયોજન થકી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી છે. કળા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ગુજરાત વિકાસની દૃષ્ટિએ આગળ વધી રહૃાું છે તેની સાથે વિરાસત જાળવી રાખવા માટે પણ સરકાર દ્વારા અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરતુ જામનગર છોટીકાશીનું બીરૂદ ધરાવે છે. અહીં યોજવામાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ ૩૦ જેટલી કૃતિઓ જેમાં રાસ, ગરબા,સામૂહિક કૃતિઓ, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, લગ્ન ગીત, સાંસ્કૃતિક નૃત્યો, લોકગીત, દુહા છંદ ચોપાઈ વગેરેમાં ભાગ લેનારા સ્પર્ધકોને મંત્રી મૂળુભાઈ બેરાએ શુભેચ્છાઓ આપી હતી. વિજેતા ટીમો રાજ્યકક્ષાના પ્રોગામમાં ભાગ લેશે. 

કલા, ઉપાસના અને સરસ્વતી સાધનામાં પોતાનું જીવન સમર્પિત કરનારા નિર્ણાયકોને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ૮ જિલ્લાઓ જેમાં જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરની ટીમોએ ભાગ લીધો છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન જામનગરના ટાઉનહોલ ઉપરાંત ઓશવાળ ઈંગ્લીશ એકેડમીમાં કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય રીવાબા જાડેજા, કલેકટર કેતન ઠક્કર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, નાયબ મ્યુનિસીપલ કમિશનર ડી.એન.ઝાલા, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભરતભાઈ પરમાર, એચ.એમ. વાળા, વિશાલભાઈ રામાણી, જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh