Advertisement
Author: નોબત સમાચાર

દત્તકઃ પ્રેમથી બનેલો સંબંધ, કાયદાથી મળેલો અધિકાર

                                                                                                                                                                                                      

માતાપિતા અને સંતાનનો સંબંધ એ માત્ર જન્મથી નથી બંધાતો. કોઈ બાળકને ઉછેરવાની, તેને પ્રેમ આપવાની અને જીવનમાં માર્ગદર્શન આપવાની ઈચ્છા ઘણીવાર લોહીના સંબંધથી પણ વધુ ગાઢ હોય છે. ઘણાં દંપતિઓ એવા હોય છે જેઓ સંતાનહીન હોવાના દુઃખમાંથી પસાર થાય છે, તો બીજી તરફ અનેક બાળકો એવા હોય છે જેઓ માતા-પિતાની સંભાળ વિના દુનિયામાં લાચાર બની જાય છે. એ સમયે દત્તક લેવું માત્ર ધાર્મિક વિધિ કે દયા દર્શાવવાનો ઉપક્રમ નથી, પરંતુ કાયદેસર રીતે સ્વીકૃત માનવીય સંબંધ છે  જે બાળકને નવી જિંદગી અને દંપતિને પૂર્ણતાનો અહેસાસ આપે છે.

ભારતમાં હિંદુ સમાજ માટે દત્તક લેવાની કાનૂની વ્યવસ્થા હિંદુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ, ૧૯૫૬ દ્વારા નક્કી કરવામાં આવી છે. આ અધિનિયમ એ સ્પષ્ટ કરે છે કે કોણ દત્તક લઈ શકે, કોણ આપી શકે, કઈ રીતે દત્તક માન્ય ગણાય અને દત્તક લીધા પછી કયા કાનૂની હકો અને ફરજો ઉભા થાય છે. આ કાયદાનો હેતુ એ છે કે દત્તક પ્રક્રિયા સ્પષ્ટ, પારદર્શક અને બાળકના હિતમાં રહે કારણ કે કાયદાનો મૂળ સિદ્ધાંત એ છે કે બાળકનો શ્રેષ્ઠ હિત સર્વોચ્ચ છે.

કોણ દત્તક લઈ શકે?

કલમ ૭ અને ૮ મુજબ કોઈ પણ સજાગ બુદ્ધિ ધરાવતો હિંદુ પુરૂષ અથવા સ્ત્રી, જો તે પુખ્ત વયનો હોય અને કાનૂની રીતે યોગ્ય હોય, દત્તક લઈ શકે છે. પરંતુ જો વ્યક્તિ લગ્નિત હોય, તો જીવનસાથીની લેખિત સન્મતિ ફરજિયાત ગણાય છે. ઉદાહરણ તરીકે, પતિ દત્તક લેતો હોય તો પત્નીની મંજૂરી જરૂરી છે, અને પત્ની દત્તક લેતી હોય તો પતિની મંજૂરી લેવી પડે.

કાયદાએ આ સન્મતિના નિયમમાંથી અમુક ઉપવાદો પણ સ્વીકાર્યા છે. જો જીવનસાથીએ ધર્મનો ત્યાગ કર્યો હોય, ત્યાગી દીધો હોય અથવા માનસિક રીતે અસમર્થ હોય, તો સન્મતિ વિના દત્તક લેવાય શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે દત્તક લેવાનો અધિકાર વ્યક્તિગત છે, પરંતુ તેના પ્રભાવ કુટુંબના સર્વ સભ્યોને સ્પર્શે છે  તેથી કાયદો આ નિર્ણયને વ્યક્તિગત હિત અને કુટુંબીય સંમતિલક્ષી બંને ધોરણે સમજે છે.

કોણ દત્તક લઈ શકાય?

કલમ ૧૦ હેઠળ કાયદો નક્કી કરે છે કે જે વ્યક્તિ દત્તક લેવામાં આવે તેઃ

(૧) હિંદુ હોવી જોઈએ, (૨) પહેલેથી દત્તક લેવામાં આવી ન હોવી જોઈએ (૩) સામાન્ય રીતે અલ્પવયસ્ક (૧૮ વર્ષથી ઓછી ઉમર) હોવી જોઈએ (૪) અને જો તે વિવાહિત હોય, તો માત્ર તેવા રીવાજ માન્ય હોય ત્યારે જ દત્તક માન્ય ગણાય.

કલમ ૧૧માં દત્તક માટેની કેટલીક અનિવાર્ય શરતો છે, જેમ કે જો દત્તક પુત્ર લેવો હોય, તો દત્તક લેનાર પાસે પહેલેથી જીવંત પુત્ર, પુત્રનો પુત્ર અથવા પુત્રના પુત્રનો પુત્ર ન હોવો જોઈએ; અને જો પુત્રી દત્તક લેવાય તો જીવંત પુત્રી અથવા પુત્રની પુત્રી ન હોવી જોઈએ. આ નિયમોનો હેતુ કુટુંબમાં નૈતિક અને વારસાકીય સંતુલન જાળવવાનો છે.

લિંગ અને ઉમરનો સંતુલન

કાયદાએ એક નૈતિક અને સામાજિક નિયંત્રણ પણ નક્કી કર્યું છે  જો દત્તક લેનાર અને દત્તક સંતાનનું લિંગ વિપરીત હોય, તો તેમની વચ્ચે એકવીસ વર્ષથી વધુ ઉમરનો તફાવત હોવો ફરજિયાત છે. આ નિયમનો હેતુ એ છે કે આ સંબંધમાં માતૃત્વ કે પિતૃત્વની મર્યાદા જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ નૈતિક ગૂંચવણ ઊભી ન થાય.

કોણ દત્તક આપી શકે?

કલમ ૯ અનુસાર દત્તક આપવા માટેનો અધિકાર માતા અને પિતા બંનેને સમાન રીતે છે. સામાન્ય રીતે પિતા દત્તક આપે, તો માતાની સન્મતિ લેવી પડે છે, અને તેની વિરૂદ્ધ પણ એ જ નિયમ લાગુ પડે છે. જો માતાપિતા જીવંત ન હોય અથવા બંને અસમર્થ હોય, તો કાયદેસર અભિભાવક કોર્ટની મંજૂરીથી દત્તક આપી શકે છે.

આ પ્રક્રિયામાં કોર્ટનું દૃષ્ટિકોણ હંમેશાં બાળકના હિત પર રહે છે. જો કોર્ટને લાગે કે દત્તક આપવાનું કારણ સ્વાર્થભર્યું છે અથવા બાળકના ભવિષ્ય માટે જોખમી છે, તો તે મંજૂરી ન આપે.

દત્તકની પ્રક્રિયા અને દસ્તાવેજીકરણ

હિંદુ કાયદા હેઠળ દત્તક માટે કોઈ ખાસ ધાર્મિક વિધિ ફરજિયાત નથી, પરંતુ હસ્તાંતરણની ભાવના  એટલે કે બાળકને દત્તક લેનારના હાથમાં સોંપવાની વાસ્તવિક ઈચ્છા એ અનિવાર્ય છે. કાયદો માત્ર લખાણ પર આધાર રાખતો નથી; તેને વાસ્તવિક સંબંધની પુરવારણી જોઈતી હોય છે.

દત્તક માટે એક લેખિત દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે, જેમાં દત્તક લેનાર, આપનાર અને સંતાનની સંપૂર્ણ વિગતો હોય છે. આ દસ્તાવેજની નોંધણી ફરજિયાત નથી, પરંતુ જો નોંધણી થાય તો કલમ ૧૬ અનુસાર કોર્ટ એને માન્ય દત્તક તરીકે સ્વીકારવાનો મજબૂત અનુમાન આપે છે. નોંધણી વિવાદના સમયએ મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ કરે છે.

દત્તક લીધા પછીના કાનૂની પ્રભાવ

કલમ ૧૨ મુજબ દત્તક લીધેલા સંતાનને દત્તક માતાપિતાની સંપત્તિમાં સમાન હક મળે છે. તે જન્મેલા સંતાન જેટલાં જ કાનૂની અધિકાર ધરાવે છે  વારસો, ધરણપોષણ અને સંભાળનો હક.

પરંતુ તેનાં જન્મ કુટુંબ સાથેના કાયદાકીય સંબંધો તૂટી જાય છે. એટલે કે દત્તક લીધા પછી બાળક હવે પોતાના જન્મ માતાપિતાનો વારસદાર નહીં રહે.           

લગ્ન સંબંધિત પ્રતિબંધો યથાવત રહે છે  એટલે કે ગોત્ર અથવા સપિન્ડશિપ આધારિત લગ્ન પ્રતિબંધો દત્તક બાદ પણ લાગુ રહે છે.

સુપ્રીમ કોર્ટના   માર્ગદર્શક ચુકાદા

ભારતના ન્યાયાલયોએ દત્તકના વિષય પર અનેક અગત્યના નિર્ધારણ    આપ્યા છે.

શબનમ હાશ્મી વિ. ભારત સંઘ (૨૦૧૪) કેસમાં સુપ્રીમ કોર્ટએ કહૃાું હતું કે દત્તક લેવાની તક માત્ર હિંદુ કાયદામાં સીમિત નથી; કોઈપણ વ્યક્તિ કિશોર ન્યાય કાયદા (ત્નત્ન છષ્ઠં) હેઠળ ધર્મનિરપેક્ષ રીતે દત્તક લઈ શકે છે.

તે જ રીતે લક્ષ્મીકાંત પાંડે કેસમાં કોર્ટએ આંતરરાષ્ટ્રીય દત્તક માટે સ્પષ્ટ કર્યું હતું કે બાળકના હિતને દરેક પરિસ્થિતિમાં સર્વોચ્ચ માનવું જોઈએ.

આ ચુકાદાઓએ સ્પષ્ટ રીતે એ સિદ્ધાંત મજબૂત કર્યો છે કે દત્તક એ વ્યક્તિગત ઇચ્છા નહીં, પરંતુ સમાજ અને કાયદાની સંયુક્ત   જવાબદારી છે.

નિષ્કર્ષઃ પ્રેમથી બનેલો કાયદેસર સંબંધ

દત્તક લેવું એ માત્ર વિધિ નથી, એ એક નવો સંબંધ છે  જ્યાં કાયદો માળખું આપે છે, પરંતુ સંબંધનું હ્ય્દય પ્રેમથી બને છે. કાયદાનો હેતુ એ નથી કે ફક્ત દસ્તાવેજ પુરો થાય; હેતુ એ છે કે દરેક બાળકને એક સુરક્ષિત ઘર, સંભાળ અને ભવિષ્ય મળે.

દત્તક એ કાનૂની પ્રક્રિયા એટલી જ છે જેટલી માનવીય લાગણીઓની છે. જ્યારે કોઈ બાળક નવો પરિવાર મેળવે છે, ત્યારે એ બાળકના જીવનમાં નવો અધ્યાય શરૂ થાય છે અને એ પરિવાર માટે એ આશીર્વાદ સમાન બની જાય છે. કાયદો અહીં ફક્ત માર્ગદર્શક છે; સંબંધ તો હ્ય્દયથી જ બંધાય છે.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh