Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આ વરસે શ્રાવણી સોમવાર તથા જન્માષ્ટમીના લોકમેળાના આયોજન સામે પ્રશ્નાર્થ...!

લોકમેળાનું સ્થળ નકકી કરવા મથામણ!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરના શ્રાવણ મહિનાના દરેક સોમવાર તથા જન્માષ્ટમીના લોકમેળાની એક અલગ જ ઓળખ અને લોકપ્રિયતા હતી. જામનગરમાં યોજાતા મેળા ખરા અર્થમાં લોકમેળા બની રહેતા હતાં. માત્ર શહેરીજનો જ નહીં જામનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં લોકમેળાની મોજ માણવા આવતા હતા.

રંગમતિ-નાગમતિ નદીના પાણીમાં સઢવાળા વહાણ, લાકડાના ચાર ખાનાવાળા ફજેત ફાળકા, રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ, શીતળા માતાજી મંદિર તેમજ નાગેશ્વર-સિદ્ધનાથ મંદિરના દર્શનનો મહિમા વગેરે મેળાના સૌથી મોટા આકર્ષણ બની રહ્યા હતાં.

સમયાંતરે સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટના લોકોમેળા વધુ પ્રચલિત બનતા ગયા... અને વસતિ તથા સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલ હોવાથી ચાર-પાંચ દિવસના જન્માષ્ટમીના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે.

તેની સામે જામનગરમાં શ્રાવણ મહિનાના દરેક સોમવારના મીની મેળા તથા જન્માષ્ટમીના મેગા મેળાના આયોજન માટેના સ્થળ બદલાતા રહ્યા... તળાવની પાળે મેળા યોજાયા અને ત્યારપછી છેલ્લા થોડા વરસોથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે દર વરસે જામનગરના લોકમેળાના આવકની સામે જંગી ખર્ચા અને ભ્રષ્ટાચારની ટીકાઓ થતી જ રહે છે... તેમ છતાં જામનગરના શ્રાવણ મહિનાના મેળાઓને સૌ સ્વયં શિસ્તથી, અનેક અસુવિધાઓ વચ્ચે પણ મનભરીને મોજ માણતા આવ્યા છે.

પણ... આ વરસે મહાનગરપાલિકા તંત્ર મેળાના સ્થળ બાબતે બરાબરનું ગોટાળે ચડી ગયું છે. કારણ કે શહેરની મધ્યમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જયાં દર વરસે મેળા યોજાતા, ત્યાં દોઢ-બે વરસ માટે હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડ કાર્યરત થઈ ગયું છે. જેથી આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તો આ વરસે લોક મેળા યોજી શકાય તેમ જ નથી.. તો પછી કયાં આયોજન કરવું...? જે માટે સ્થળની પસંદગી કરવાવાળા મુંઝવણમાં મુકાઈ ગયા છે. મેળાના દિવસો નજીક આવી રહ્યા છે, પણ હજી સુધી મેળાનું સ્થળ નકકી થતું નથી.

જામનગર શહેરની મધ્યમાં હવે એક દોઢ લાખ લોકો એકત્ર થાય અને તેમાં વળી રાઈડસ, સ્ટોલ વગેરેની જગ્યાની ગણત્રી કરવામાં આવે તેવી એકપણ વિશાળ ખુલ્લી જગ્યા/ જમીન નથી. જામનગર શહેરની આસપાસના વિસ્તારોમાં ખુલ્લી જમીન/જગ્યાનો વિચાર કરવામાં આવે તો, જમીનની સ્થિતિ, રાઈડ્સના ફાઉન્ડેશન માટે યોગ્યતા, તે જમીન/મેદાન ફરતે પાર્કિંગ- ટ્રાફિક નિયમનની જોગવાઈ વગેરેની ચોકકસાઈ કરવામાં આવે તે જરૂરી છે અને તેમાં પણ જો શહેરની બહાર કોઈ જગ્યા નિર્ધારીત થાય તો શહેરના તે વિસ્તારના ખુણા સિવાય બાકીના તમામ વિસ્તારોના લોકો માટે મેળાનું સ્થળ ખૂબ જ દૂર થઈ જાય. !

આમ છતાં... મહાનગરપાલિકા તંત્રના અધિકારીઓ સ્થળ નકકી કરવા કવાયત તો કરી રહ્યા છે, પણ તેમાં અત્યાર સુધીના પ્રયાસોમાં નિરાશાજનક તારણો જ મળ્યા છે. આમ આ વચ્ચે જામનગરમાં લોકમેળાના આયોજન સામે મોટા પડકાર સાથે પ્રશ્ન ઉભો થયો છે. રાજકોટમાં તો પ્લોટોની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો કે ત્યાં પણ ગેમઝોન જેવા કાંડ પછી સરકારે જાહેર કરેલ એસઓપીના પાલન કરવું અઘરૃં હોય પ્લોટની હરાજી ત્રણ-ત્રણ વખત કરવામાં આવી છે. જામનગર પણ લોકમેળાનું સ્થળ કદાચ નકકી થાય તો પણ સરકારની એસઓપીની અમલવારીના કારણે રાઈડસવાળા કેવો રસ દર્શાવે છે તે જોવાનું રહ્યું...! બાકી તો તમામ નીતિ-નિયમો, એસઓપીને ઘોળીને પી જનારાઓને ભ્રષ્ટાચારનો ટેકો મળી જ જતો હોય છે. અને બધું રામભરોસે ચાલતુ હોય છે. પણ જયારે કોઈ નાનો-મોટો અકસ્માત કે દુર્ઘટના થાય ત્યારે જ ભ્રષ્ટાચારનો ભાંડો ફુટે છે. જામનગર મહાનગર પાલિકા તંત્રના કેટલાંક ચોકકસ વિભાગના અધિકારી અને કર્મચારીઓને તો આ વરસે લોકમેળા નહીં યોજાઈ શકે તેની સૌથી વધુ ચિંતા સતાવી રહી છે. કારણ કે તે લોકો માટે તો મોટી કમાણીનો અવસર ગુમાવી દેવાની સ્થિતિ સર્જી છે...!

એની-વે જે હોય તે.... જામનગર મહાનગરપાલિકા તંત્રએ વ્હેલામાં વ્હેલી તકે લોકમેળાનું આયોજન થશે કે નહી...? તેની સત્તાવાર જાહેરાત કરી દેવાની જરૂર છે.!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh