Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક નગરસેવકના ઈશારે પાંચ શખ્સ દ્વારા હુમલોઃ મામલો તંગઃ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયોઃ
જામનગર તા. ૩૦: જામનગરના લાલબંગલાથી ટાઉનહોલ વચ્ચેના રોડ પર ગઈકાલે સાંજે એક્સેસ પર જઈ રહેલા વોર્ડ નં.૧રના નગરસેવક અસલમ ખીલજી પર મોટરમાં આવેલા પાંચ શખ્સે તલવાર, ધોકા, પાઈપથી જીવલેણ હુમલો કરી બંને હાથ તથા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. આ મામલાની નગરસેવકના સંબંધીએ મોડીરાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અન્ય એક નગરસેવકના ઈશારે હુમલો થયાનું જણાવાયું છે. પોલીસે હુમલાખોરોના સગડ દબાવ્યા છે અને ભોગ બનનાર નગરસેવક તથા જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે નગરસેવકના વોર્ડમાં સુરક્ષાના ભાગરૂપે ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડમાં રહેતા અને વોર્ડ નં.૧૨માં નગરસેવક તરીકે સેવા આપતા અસલમ ખીલજી ગઈકાલે સાંજે પોતાના એક્સેસ સ્કૂટર પર મહાનગરપાલિકામાં આવ્યા પછી ત્યાંથી રૂટીન મુજબની કામગીરી પૂર્ણ કરી સાડા સાતેક વાગ્યે સ્કૂટર પર રવાના થયા હતા.
આ નગરસેવક જ્યારે લાલબંગલા સર્કલમાં આવેલા મહાનગરપાલિકાના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળીને સામે આવેલી પીજીવીસીએલ કચેરીવાળા રોડ પરથી ભીડભંજન મંદિર-ટાઉન હોલ રોડ પર આગળ વધતા હતા ત્યારે પાછળથી દોડી આવેલી એક મોટર દ્વારા તેઓને ટક્કર મારવામાં આવી હતી. જેના પગલે અસલમ ખીલજી પોતાના સ્કૂટર પરથી ફંગોળાયા હતા.
રોડ પરથી તેઓ ઉભા થાય તે પહેલાં મોટરમાંથી પટ્ટણીવાડમાં રહેતો જુનેદ રઝાક ચૌહાણ ઉર્ફે જુનીયો પાવડરીયો, મહારાજા સોસાયટીવાળા ઈસ્તિયાક બોદુભાઈ કુરેશી ઉર્ફે ચોટલી, પટ્ટણીવાડમાં રહેતા સલીમ વલીભાઈ ખીલજી, શંકરટેકરીમાં રહેતા હબીબ ખફી, કસાઈના કબ્રસ્તાન નજીક સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા સમીર શકીલભાઈ ચૌહાણ ઉર્ફે ચોર નામના પાંચ શખ્સ તલવાર, પાઈપ તથા ધોકાથી તૂટી પડ્યા હતા.
આ શખ્સોએ આડેધડ માર મારતા અસલમ ખીલજીના બંને હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. સરાજાહેર બઘડાટી બોલતા ત્યાં હાજર લોકો દોડ્યા હતા, હુમલો કરી હુમલાખોરો સ્થળ પરથી નાસી ગયા હતા. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંને દોડી આવ્યા હતા. જેમાં ઈજાગ્રસ્ત અસલમ ખીલજીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી સહિતનો પોલીસ કાફલો ધસી આવ્યો હતો. અસલમ ખીલજી પર હુમલો થયાની જાણ થતાં તેમના પરિવારજનો, સમર્થકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યાં બની ગયેલા તંગ વાતાવરણ વચ્ચે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી કાલાવડ નાકા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પીઆઈ એન.એ. ચાવડા તથા પોલીસ ટીમ બનાવના સ્થળે ચાંપતી નજર રાખી રહી હતી.
સારવાર દરમિયાન અસલમ ખીલજીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવતા ત્યાંથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ત્યાંથી રાત્રે અઢી વાગ્યે અસલમ ખીલજીના સંબંધી શાહનવાઝ મહંમદહનીફ ખીલજીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વોર્ડ નં.૧૨ના અન્ય નગરસેવક અલ્તાફ ખફી સાથે થોડા સમયથી અસલમ ખીલજીને કોઈ બાબતે વાંધો થયો હતો. તે પછી ગઈકાલે સાંજે અલ્તાફ ખફીના કહેવાથી ઉપરોક્ત પાંચ શખ્સે જીવલેણ હુમલો કરી અસલમ ખીલજીને માર માર્યાે હતો. પોલીસે બીએનએસની કલમ ૧૦૯ (૧), ૧૧૭ (૧), ૧૧૮ (૧), ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (૩), ૬૧ (ર), ૧૮૯ (૧), ૧૯૦ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ બનાવમાં ભોગ બનનાર અસલમ ખીલજી તથા જેની સામે હુમલો કરાવાયાની શંકાની સોય તાણવામાં આવી છે તે અલ્તાફ ખફી એક જ વોર્ડમાં કોર્પોરેટર છે અને તાજેતરમાં અસલમ ખીલજી તેમજ આ વોર્ડના જ નગરસેવિકા જેનબબેન ખફી, અન્ય મહિલા કોર્પોરેટરના પતિ હાજી રીઝવાન જુણેજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારપછી ગઈકાલે સાંજે ઉપરોક્ત બનાવ બનતા મામલો વધુ ન બિચકે તે માટે કાલાવડ નાકા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કરવા ઉપરાંત ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી.
ઉપરોક્ત ફરિયાદ પછી પીઆઈ પી.પી. ઝા અને તેઓની ટીમે આરોપીઓના સગડ દબાવ્યા છે. વધુમાં જાણવા મળ્યા મુજબ હુમલાખોર પૈકીના જુનેદ રઝાક ચૌહાણ સામે જુદા જુદા ૨૪ ગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial