Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પૂર્વ રાજવી જામસાહેબશ્રી દિગ્વિજયસિંહ જાડેજાને મરણોત્તર 'ભારત રત્ન': રાષ્ટ્રીય સન્માન આપવા માટે માંગણી

જામનગર લોહાણા સમાજની આગેવાની હેઠળ વિવિધ સમાજોના સમર્થન સાથે પી.એમ.ને ઉદેશીને આવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના પૂર્વ રાજવી નામદાર જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાને ભારત સરકાર દ્વારા દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન 'ભારત રત્ન'નો ખિતાબ આપવામાં આવે તેવી રજૂઆત જામનગર લોહાણા મહાજનની આગેવાની હેઠળ વિવિધ જ્ઞાતિ/ સમાજના સમર્થન સાથે કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપરત કરી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર સુપરત કરતી વેળાએ લોહાણા મહાજનના અગ્રણી જીતુભાઈ લાલ, ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજ્યના પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), બિપેન્દ્રસિંહ જાડેજા, લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, બ્રહ્મ સમાજ, સતવારા સમાજ, ક્ષત્રિય સમાજ, જૈન સમાજ સહિત અન્ય જ્ઞાતિ/ સમાજના આગેવાનો જોડાયા હતાં.

જામ સાહેબનો દેશપ્રેમ

અખંડ ભારતની રચનામાં તેમનું વજનદાર અને મહત્ત્વપૂર્ણ સમર્થન

આપણાં દેશમાં સ્વતંત્રતાનો સમયગાળો કટોકટીકાળ જેવો બની રહયો હતો. એ વેળાએ જે ત્રણ વ્યકિતઓ દેશમાં મજબુત રાજકિય પકકડ ધરાવતી હતી એ મહાનુભાવોમાં પોરબંદરના રાષ્ટ્રપિતા પૂ મહત્મા ગાંધીજી, પાનેલીના મોહમદઅલી ઝીણા અને દેશના પ્રિન્સલી સ્ટેટના વડા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા હતાં.

જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીની ભૂમિકા અખંડ ભારતની રચનામાં શું હતી, તેનો મજબુત પૂરાવો આદરણિય સરદાર વલ્લભભાઈ પટેલના એક જાહેર વકતવ્ય પરથી આવી શકે છે. સરદાર સાહેબે કહયું હતું કે, * અખંડ ભારતની રચનામાં જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીનો ઉમદા સહયોગ મળ્યો ન હોત તો અખંડ ભારતનું સ્વપ્ન અધુરૃં રહેત આ શબ્દો જ પુરતાં છે જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજાને * ભારત રત્ન ખિતાબથી ગૌરવાંકીત કરવા માટે......

અંગ્રેજ સરકારે ભારતનો સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હતો. તેઓએ સત્તાધિશોને ૩ વિકલ્પ આપ્યા હતાં. (૧) જે તે સત્તાધિશ સ્વતંત્ર રહી શકે છે. (૨) પાકિસ્તાનમાં ભળી શકે છે. (૩) ભારત સંઘમાં ભળી શકે છે.

આ પ્રશ્ન તે વખતના દેશી શાસકોને મુંઝવતો હતો. માનનીય મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જામસાહેબને પણ મુંઝવણ હતી, કેમ કે ભારત સંઘના ટુકડા થતાં હતાં અને એક થી વધુ વિભાગમાં ભારત વહેંચાઈ જતું હતું, આ ત્રણેય મહાનુભાવો ભારત અખંડ રહે તે માટે સતત પ્રયત્નશીલ હતાં, પ્રિન્સલી સ્ટેટના વડા હોવાના નાતે જામસાહેબના શિરે આ જવાબદારી મોટી હતી. કેમ કે ૪૫૪ રાજવડાઓને એક તાંતણે બાંધવાના હતાં. આ માટે મહારાજા જામસાહેબની કુનેહ, ગાંધીજી અને સરદાર સાહેબને ખૂબ ઉપયોગી સાબીત થઈ. જેના કારણે અખંડ ભારત માટેની ૯૯ ટકા કામગીરીમાં સફળતા મળી, ફકત કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢનો પ્રશ્ર પેચીદો બન્યો. જે કામ નાનું હતું જે પાછળથી પૂર્ણ થયું. આ એક માત્ર કારણ પણ મહારાજા જામસાહેબ * ભારત રત્ન * આપવા માટે પર્યાપ્ત છે.

જો કે નવાનગર સ્ટેટના જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી માટે અન્ય પણ ઐતિહાસિક કહી શકાય એવી કામગીરી છે જેમાં જ અમુક જોઈએ તો આ પ્રમાણે છે. દેશી રાજવીઓ માનવતા વાદી હતાં અને આશરા ધર્મને માનતા હતાં. મહારાજા દિગ્વિજયસિંહજીના વડવા જામ રણમલજી એ ૧૮૯૦ ના ભયંકર દુષ્કાળમાં પ્રજાને અન્ન પુરું પાડવા માટે જામનગર મધ્યમાં પાણીના સંશોધન માટે તળાવ બનાવવા આયોજન કર્યું હતું. રાજયના જુદા જુદા ભાગોમાંથી નાગરિકો તળાવમાં મજુરી કરવા આવે અને બદલામાં જુવાર અને ચોખા આપવામાં આવતા હતાં. નવાનગર (જામનગર)ની ગુંજાઈશ એટલી ન હતી કે બીજા દેશી રાજયોના માણસો પણ મજુરીએ આવે તો તેને અન્ન પુરૃં પાડી શકે. જે તે સમયના પ્રધાને જામરણમલજીના કાને વાત નાખી કે આપણાં રાજયના મજૂર ઉપરાંત આજુબાજુના દેશી રાજયના મજુર પણ કામે આવે છે. જો તેને અનાજ આપશું તો આપણા રાજયના મજુરને પણ પુરું નહી પડે ત્યારે મહારાજા સાહેબે એવો ઉત્તર આપેલો કે કોઈપણ મજુરને મજુરી એ આવવાની ના પાડતાં નહીં હું કોઈપણ ભોગે અનાજની વ્યવસ્થા કરીશ. અનાજ ખૂટતા મહારાજા સાહેબે પોતાનું જામ કંડોરણા પરગણું કચ્છના વેપારી પાસે ગીરવે મુકીને મજૂરોને જુવાર પુરી પાડેલી હતી. આવા મહારાજાના વંશ દિગ્વિજયસિંહજી પણ ૧૯૪૨ ના બીજા વિશ્વયુદ્ધમાં નિરાશ્રિત થયેલા, પોલેન્ડના એક હજાર બાળકો -નાગરિકોને દરિયાઈ રસ્તે રઝળતાં મુકી દેવાયા હતાં અને જયાં આશરો મળે ત્યાં મેળવજો તેઓ ફરતા ફરતા મુંબઈ આવેલા ત્યાં પણ તેઓને કોઈએ આશરો આપ્યો નહીં કારણ બીજા વિશ્વયુદ્ધમાં ઈગ્લેન્ડ વિરુદ્ધમાં હતું. છતાં પણ મહારાજાએ અંગ્રેજ સત્તાનો ખોફ વહોરીને આ બાળકોને બેડી બંદર હવાઈ બંગલામાં રાખવામાં આવ્યા હતાં. તેનો સંપૂર્ણ ખર્ચ નવાનગર સ્ટેટ તરફથી આપવામાં આવતો હતો. એટલું જ નહીં પણ વિદેશી બાળ કોને પોતાની સંસ્કૃતિ અને પોતાની ભાષામાં શિક્ષણ મળે તે હેતુથી તેના દેશમાંથી શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતાં.

આજની તારીખે પોલેન્ડમાં ગુડ મહારાજા નામની સ્ટ્રીટ આવેલી છે. આ ઉપરાંત હાલમાં ઈઝરાયલમાં પણ બાળકોના વૃંદ વચ્ચે મહારાજા જામસાહેબનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. ભારતના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીએ પોલેન્ડની મુલાકાત સમયે તે સ્થળના દર્શન કર્યા હતાં. પોલેન્ડનો અને ઈઝરાયલનો ઉલ્લેખ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી * મન કી બાત * માં પણ કર્યો છે.

મહારાજા દિગ્વિજયસિંહજી ૧૪ મી એપ્રિલ ૧૯૩૩ માં ગાદીએ આવ્યા અને આઝાદી સુધી તેઓએ રાજસતા ભોગવી. આ રાજયની એક વિશેષતા હતી કે ભૂતકાળના અને વર્તમાન કાળના રાજાનું તિલક માંતઝા કુળના કોઈ કન્યાના હાથે કરવામાં આવતું આ સમય દરમ્યાન તેઓએ ખાસ કરીને રાજયના ટેક્ષમાં અને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી હતી. સાર્વજનિક કેળવણી મફત કરી હતી. તેમજ કળા, સાહિત્ય શિલ્પને પોષ્યા હતાં. તેઓશ્રી હિંદના અગ્રગણ્ય અને કુનેહબાજ બુદ્ધિશાળી દેશભકત રાજવી હતાં. આઝાદ ભારતમાં પણ તેઓએ સૌરાષ્ટ્રના રાજપ્રમુખની સેવા બજાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સનો ઘણો વિકાસ કરેલો હતો અને તેઓએ બેડી બંદરને મોટું ધિકતું બંદર બનાવ્યું હતું. ૧૫ મી ઓગષ્ટ ૧૯૩૩ ના સેન્ડ હર્સ્ટ બ્રિજ ઉપર આવેલી બિલ્ડીંગમાં મુંબઈના વેપારીઓએ માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. પોતાના પૂર્વકાળમાં તેઓ ભારતીય બ્રિટિશ લશ્કરમાં ઉચ્ચ હોદા પર ફરજ સેવા બજાવતાં હતાં. મહારાજા રણજીતસિંહે બનાવેલી જામનગરની ઈરવિન હોસ્પિટલ (હાલ જીજી હોસ્પિટલ) ઘણાં વિભાગો ખોલીને આરોગ્ય ખાતાની શરૂઆત કરી હતી. શિક્ષણ ક્ષેત્રે રાજયોમાં ઘણી શાળાઓ ચાલુ કરેલી. તેમજ રાજયમાં જે તે સમયે વંદે માતરમનું ગાન પણ ગવાતું હતું. નવાનગર સ્ટેટમાં આપણી વેદ ભાષા સંસ્કૃતના ઉત્થાન માટે જામનગરમાં રાજવી પરિવારે સ્થાપેલી સંસ્કૃત પાઠશાળાના વાર્ષિક ઉત્સવમાં નિયમિત ઉપસ્થિત રહેતાં હતાં. એટલું જ નહીં પરંતુ તેઓ સનાતન ધર્મ અને મંદિરોના જતાં અને સંવર્ધન માટે તત્પર હતાં. એટલે જ સરદાર પટેલ સાહેબે જયારે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધાર કરવાની પ્રતિજ્ઞા કરી હતી ત્યારે જામશ્રી દિગ્વિજયસિંહજીએ સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંપૂર્ણ ખર્ચ રૂ।.૫૫ લાખ (હાલના અંદાજે ૫૫૦ કરોડ રૂપિયાના મૂલ્ય) ની માતબર રકમ આપીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રત્યે પોતાની નિષ્ઠા અને વફાદારીના દર્શન કરાવ્યાનું ઈતિહાસમાં નોંધાયેલું છે જ.

જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી ખેડૂતોને મુશ્કેલ સમયમાં તગાવી રૂપે ધિરાણ કરતા હતાં. અને લગભગ ૪૦ હજાર જેટલા નવા કુવા ખોદવામાં રાજ તરફથી મદદ આપવામાં આવી હતી. અને વિધાર્થીને વૈદિક શિક્ષણ આપવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. દરબારગઢ સર્કલમાં વ્યવસ્થિત રીતે રાજયની કચેરી ચલાવવામાં આવતી હતી. જામનગરમાં બાર એટ લો કક્ષાના રેવન્યુ સેક્રેટરીની નિમણૂક કરી હતી. જામનગરના તમામ પ્રાચીન દેવાલયોનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો.

આમ... આ મહામાનવ વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે તેમ જણાવી 'ભારત રત્ન' નું બહુમાન આપવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh