Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 'પેપરલીક'ની ખબરે મચાવ્યો ખળભળાટ... ભાજપ શાસન પર વિપક્ષના પ્રહારો... 'હવે શું?'

                                                                                                                                                                                                      

હજુ તો ગઈકાલે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે એન્ટી પેપરલીક બિલ સંસદમાં રજૂ કર્યું અને તેના પર ચર્ચા થવાની બાકી હતી, ત્યાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની કોલેજોના ત્રીજા વર્ષ બી.એ.એમ.એસ.નું સર્જરી એટલે કે શલ્યતંત્ર-૧ ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની આશંકા પછી ર૬ કોલેજોના ર૦૦૦ પરીક્ષાર્થીઓનું ભાવિ જોખમાયું છે, અને તેની સાથે ચેડાં કરવાની હરકત થઈ હોવાનું જણાવીને વિપક્ષો ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આ પેપર ર૦ મી જુલાઈના લેવાયું હતું.

એવું કહેવાય છે કે, ગઈકાલે જૂનાગઢ તરફની કોલેજના કોઈ પ્રોફેસરે ઉત્તર ગુજરાતની કોઈ કોલેજમાં ઓબ્ઝર્વેશન દરમિયાન આ પેપર બપોરે સંપન્ન થયા પછી સાંજે વ્હોટ્સએપમાં જે ૧ર પ્રશ્નો આઈએમપી તરીકે દર્શાવાયા હતાં, તેમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછાયા હોવાની આશંકાથી પહેલેથી પેપરલીક થયું છે કે પરીક્ષા પછી આ પ્રશ્નો વ્હોટ્સએપમાં ફરતા કરાયા છે, તેની તપાસ માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએે એક સમિતિ રચી હોવાની પુષ્ટિ કરતો યુનિવર્સિટીના જ એક અધિકૃત વ્યક્તિનો વીડિયો ફરતો થયો, તે પછી આ વાત આગની જેમ ફેલાઈ ગઈ અને તેના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા. આ સંભવિત પેરલીકની આશંકા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંબંધિત હોવાથી વિપક્ષના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને સાકળીને તડાપીટ બોલાવવા લાગ્યા હતાં, અને તે પછી આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે.

આ પેપરલીક એક જ કોલેજમાં થયું છે કે ઈન્ટરકોલેજ થયું છે, તથા પેપર લેવાયા પહેલા પ્રશ્નો વ્હોટ્સએપમાં ફરતા થયા હતાં કે તે પછી થયા હતાં, તે તપાસનો વિષય છે, પરંતુ અત્યારે પેપરલીકનો મુદ્દો ગરમાગરમ હોવાથી તથા આ પેપરલીક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની તાબા હેઠળની પરીક્ષામાં થયું હોવાથી જોતજોતામાં વિપક્ષોને નેતાઓની તડાપીટ બોલી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઈકાલથી જ આ મુદ્દે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે તો ઘણી જ ગંભીર આક્ષેપો પ્રેસ-મીડિયાના માધ્યમથી કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપની સરકારે હવે 'પેપરલીકીયા' સરકાર બની ગઈ છે જ્યાં બીજેપીનું શાસન છે, ત્યાં પેપરલીક થઈ રહ્યા છે. તેમણેે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે પેપરલીક કરતા પરિબળોને સીધી વડાપ્રધાન અને આરએસએસ સાથે સંબંધો છે, તેમણે ગુજરાતમાં થયેલા પીપરલીકની એક યાદી પણ મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

તેમણે એવો આક્ષેપ કર્યો કે વડાપ્રધાને ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી, પરંતુ સીબીઆઈ કે તપાસ એજન્સીઓ પુરાવા જ રજૂ કરે નહીં, અને આરોપીઓને ક્લીનચીટ મળી જાય, તો તને ફાસ્ટ ટ્રેક કોર્ટ, હવાઈ કોર્ટ, પાતાલ કોર્ટનો અર્થ શું? તેમણે પેપરલીકના આરોપીઓ જેલમાં સડી રહ્યા હોવાના નિવેદનને 'સફેદ જૂઠ' ગણાવ્યું હતું.

'આપ'ના સંજયસિંહ ઉપરાંત કોંગ્રેસના જયરામ રમેશ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ પણ તીખા તમતમતા આક્ષેપો કર્યા હતાં, જેને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાઓએ ફગાવી  દઈને 'આપ' શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત રાજ્યો તથા કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકારોના શાસનગાળામાં થયેલા પેપરલીકના કિસ્સાઓને યાદ કરાવીને પ્રતિઆક્ષેપો તથા પ્રતિ પ્રહારો કર્યા હતાં. આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે યુવા વર્ગે એવા પ્રત્યાઘાતો આપ્યા છે કે સરકાર કોઈપણ પક્ષની હોય, પેપરલીકની ઘટનાઓ અટકવી જ જોઈએ અને યુવાવર્ગની મહેનત તથા પ્રામાણિક્તાની કદર થવી જોઈએ. જો તેવું નહીં થાય તો તમામ સ્થળે આંદોલનો થઈ શકે છે, ભલે સરકાર કોઈપણ પક્ષની હોય.

ગુજરાતમાં ભાજપ સરકારના શાસનકાળમાં વર્ષ ર૦૧૪ અને તે પછી વર્ષ ર૦૧૬-૧૭ માં રેવન્યુ તલાટી અને તલાટી-કમ-મંત્રીઓની ભરતી માટે લેવાતી પરીક્ષા, વર્ષ ર૦૧૮ માં ટેટ, મેખ્ય સેવિકા અને લોકરક્ષક દળ, વર્ષ ર૦૧૮ માં સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા, વર્ષ ર૦ર૧ માં સબ એડીટર, હેડક્લાર્ક, પશુ ચિકિત્સા અધિકારી, વર્ષ ર૦ર૩ માં જુ. ક્લાર્ક, વર્ષ ર૦ર૪ માં ઊર્જા ક્ષેત્ર સહિતની સંખ્યાબંધ પેપરલીકની ઘટનાઓનું લિસ્ટ હોવાનો દાવો કરીને સંજયસિંહે એક ચોક્કસ કંપનીના નામ સાથે ગંભીર આક્ષેપો કર્યા હતાં, અને ગુજરાતમાં બ્લેક લિસ્ટ થયેલી આ 'કંપની' જ બિહાર-યુ.પી. સહિત અન્ય રાજ્યોમાં કેટલાક સ્થળોએ પીપરલીક કરાવ્યા હોવાના અત્યંત ગંભીર આક્ષેપો કરતા સંજયસિંહે પેપરલીક પરિબળોના સંબંધો આર.એસ.એસ. સાથે પણ હોવાનું જણાવી યુવાનો-વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરીને થતી કમાણીનો હિસ્સો ભાજપવાળા લઈ જતા હોવાનો સણસણતો આક્ષેપ પણ સંજયસિંહે મૂક્યો હતો, અને આ વાતો હવાહવાઈ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે પેપરલીક કરનારા પેપરચોરોને ચંદાચોરો સાથે સરખાવીને કટાક્ષ પણ કર્યો હતો.

આ તરફ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ શિક્ષણ વિભાગ અને રાજ્ય-કેન્દ્ર સરકાર પર તડાપીટ બોલાવી છે. તેમણે આયુર્વેદિક યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું મેગા સેન્ટર બની ગયું છે, તેવો આક્ષેપ કરીને કહ્યું કે કાયદાઓ માત્ર કાગળ પર રહી ગયા છે. સરકાર ભ્રમ લેવાવવાનું બંધ કરે અને સ્વયં મુખ્યમંત્રી આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરે. તેના જવાબમાં ભાજપના પ્રવક્તાએ કડક કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આયુર્વેદ યુનિ.ના પેપરલીકની આશંકા ઊભી થતા જ સંબંધિત તંત્રોએ નિષ્પક્ષ તપાસ આદરી છે, અને જો કોઈ દોષિત ઠરશે તો તે બધાને કડકમાં કડક સજા થશે.

આજે સંસદમાં એક તરફ નવા એન્ટી પેપરલીક મુદ્દે ચર્ચા થઈ રહી છે, બીજી તરફ આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને સવાલો-જવાબો તેના સ્થાને છે, પરંતુ હવે બધાએ સાથે મળીને 'પેપરલીક'ને અટકાવવા 'પેપરલીકરો'ની રાષ્ટ્રવ્યાપી ગેંગને ભેદવી જ પડશે, અન્યથા સિસ્ટમ અને સરકાર પરથી ઝેન-ઝેડને વિશ્વાસ જ ઊઠી જશે અને એક અનિચ્છનિય અને ભયાવહ સવાલ ઊભો થશે કે 'હવે શું?'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh