Advertisement
Author: નોબત સમાચાર

નીટ-યુજીનું પેપર લીક થતા પરીક્ષા રદઃ સીબીઆઈને સોંપાઈ તપાસ

'ગેસ પેપર' કેવી રીતે વાઈરલ થયુ ? તેની ચર્ચા : ૪૫ થી વધુ શખ્સોની અટકાયત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ૩ મેના રોજ યોજાયેલી નીટ-૨૦૨૬ પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એનટીએ એ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ નિર્ણય પેપર લીક થયું હોવાની આશંકા પછી લેવાયો છે.

ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી ૨૦૨૬ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે.

રાજસ્થાનમાં 'ગેસ પેપર'માં પૂછાયેલા પ્રશ્નો નીટની પરીક્ષામાં બેઠા પૂછાયા હોવાથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ આકરો નિર્ણય લીધો છે. હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.

એનટીએના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી હતી. પરીક્ષાની પારદર્શિતા અને ગરિમા જાળવી રાખવા માટે આ પરિણામોને માન્ય રાખવા શક્ય નહોતા. એજન્સીનો દાવો છે કે જો આ તબક્કે નિર્ણય ન લેવાયો હોત, તો ભવિષ્યમાં સિસ્ટમ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી જાત.

સરકારે સમગ્ર મામલે તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- સીબીઆઈ કેસ સોંપ્યો છે. આ તપાસમાં મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરાશે કે પરીક્ષા પહેલા એક ચોક્કસ 'ગેસ પેપર' કેવી રીતે વાઈરલ થયું અને તેની પાછળ કયું સંગઠિત માફિયા જૂથ કામ કરી રહૃાું છે.

આ નિર્ણય પાછળ સૌથી મોટું કારણ રાજસ્થાનમાં થયેલી તપાસ છે, જેમાં બહાર આવ્યું છે કે વાયરલ થયેલા 'ગેસ પેપર' માંથી પ્રશ્નપત્રના મુખ્ય પ્રશ્નો બેઠે બેઠા પૂછાયા હતા. તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં જે ગેસ પેપર લીક થયું હતું તેના પર તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, નીટના કુલ ૧૨૦ પ્રશ્નો તે ગેસ પેપરમાંથી જ બેઠા પૂછવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં આ મામલે અત્યાર સુધીમાં ૪૫ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લીક થયેલું 'ગેસ પેપર' કોઈ પ્રિન્ટિંગ પ્રેસ માંથી બહાર આવ્યું હોઈ શકે છે.

એનટીએ એ પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મહત્વની રાહત એ છે કે પરીક્ષાર્થીઓએ કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓએ કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ આપવામાં આવશે.

 ગત તા. ૩ મેના રોજ દેશભરમાં નીટ યુજી- ૨૦૨૬ની પરીક્ષા યોજાઈ હતી. આશંકા છે કે પરીક્ષાનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હતું. રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું ગેસ પેપર મળ્યું છે જેના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થઈ રહ્યા છે. ત્રીજી મેના દિવસે ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

૧૦ મેના રોજ રાજસ્થાન સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ ઈન્ટેલ ઈનપુટ પર કાર્યવાહી કરતા દહેરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી ૧૩ શંકાસ્પદ વ્યકિતઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આમાં સીકરની એક કોચિંગ ઈન્સ્ટિટયૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલર પણ સામેલ છે.

તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાના ૭૨૦ માંથી ૬૦૦ માર્કના પ્રશ્નો બે દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. જોકે, એક ગેસ પેપર કેરળની એક કોલેજમાંથી એમબીબીએસ કરી રહેલા વિદ્યાર્થીએ ૧ મેના રોજ સીકરમાં પોતાના એક મિત્રને મોકલી આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર, સીકરના એક પીજી સંચાલકને આ પેપર મળ્યું, જેણે તેને પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપી દીધું હતું. આ માધ્યમથી તે અલગ-અલગ લોકો સુધી પહોંચ્યું હતું.

૧૦ મેના નીટ પેપર લીકના સમાચારો વચ્ચે દ્ગ્છ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (ટ્વિટર) પર વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહૃાું હતું - નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત સ્પષ્ટતા જારી કરી, જેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું કે પરીક્ષા 'સંપૂર્ણ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ' આયોજિત કરવામાં આવી હતી અને આ મામલો હવે કાયદા અમલીકરણ દ્વારા તપાસ હેઠળ છે.

૫ મેના એનટીએ દ્વારા નીટ યુજી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આરોપો લાગ્યા હતા.

૬ મેના એનટીએ એ પેપર લીકની વાતનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બિહાર (પટના) અને ઝારખંડ (હજારીબાગ) માં તપાસ થઈ. તપાસમાં પેપર લીકના પુરાવા મળ્યા અને ઘણી ધરપકડો પણ થઈ હતી.

જોકે, સુપ્રીમ કોર્ટે વ્યાપક પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને કેટલાક સેન્ટર પર ૧૫૩૯ ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પેપર લીકના આરોપો ઉપરાંત, ૬૭ વિદ્યાર્થીઓને ૭૨૦/૭૨૦ ગુણ મળવા અને એક જ કેન્દ્રમાંથી ઘણા ટોપર્સનું આવવું પણ મોટા વિવાદનું કારણ બન્યું હતું.

નીટ પરીક્ષા થયા પછી, સિકરના એક પીજી સંચાલકે પરીક્ષા કરાવતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ને ફરિયાદ કરી હતી કે એક કથિત 'ક્વેશ્ચન બેંક' વિદ્યાર્થીઓને મળ્યો છે. આ વ્યક્તિ પણ હવે એસઓજી ના રડાર પર છે. તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે પીજી સંચાલકને પણ પરીક્ષા પહેલા વોટ્સએપ પર 'ક્વેશ્ચન બેંક' મળ્યો હતો, જે તેણે પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓ અને કરિયર કાઉન્સિલર્સને મોકલ્યો હતો.

ઉલ્લ્ેખનિય છે કે, સરકાર જૂન ૨૦૨૪ માં એન્ટી-પેપર લીક કાયદો લાવી હતી. અને ૨૧ જૂન ૨૦૨૪ ના દેશમાં એન્ટી-પેપર લીક કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪ લાગુ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે મધ્યરાત્રિએ તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં નકલ અને અન્ય ગેરરીતિઓ રોકવા માટે લાવવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ, પેપર લીક કરવા અથવા આન્સર શીટ સાથે ચેડાં કરવા પર ઓછામાં ઓછી ૩ વર્ષની જેલની સજા થશે. તેને ૧૦ લાખ સુધીના દંડ સાથે ૫ વર્ષ સુધી લંબાવી શકાય છે.

પરીક્ષા સંચાલન માટે નિયુક્ત સર્વિસ પ્રોવાઇડર જો દોષિત ઠરે તો તેને ૫ થી ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ થશે. સર્વિસ પ્રોવાઇડર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોય, તો તેની પાસેથી પરીક્ષાનો ખર્ચ વસૂલવામાં આવશે.

આ કાયદામાં સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી), કર્મચારી પસંદગી આયોગ (એસએસસી), રેલવે ભરતી બોર્ડ (આરઆરબી), બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (આઈબીપીએસ) અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ની પરીક્ષાઓનો સમાવેશ થશે. કેન્દ્રના તમામ મંત્રાલયો, વિભાગોની ભરતી પરીક્ષાઓ પણ આ કાયદાના દાયરામાં આવશે. આ અંતર્ગત તમામ ગુનાઓ સંજ્ઞેય અને બિન-જામીનપાત્ર હશે.

એન્ટી-પેપર લીક કાયદા હેઠળ, જો કોઈ ગડબડમાં પરીક્ષા કેન્દ્રની ભૂમિકા જોવા મળે તો તે કેન્દ્રને ૪ વર્ષ સુધી સસ્પેન્ડ કરી શકાય છે. એટલે કે, તે કેન્દ્રને આગામી ૪ વર્ષ સુધી કોઈ પણ સરકારી પરીક્ષા યોજવાનો અધિકાર રહેશે નહીં. કોઈ સંસ્થાની સંપત્તિ જપ્ત કરવા અને હરાજી કરવાનો પણ પ્રાવધાન છે અને તેની પાસેથી પરીક્ષાનો ખર્ચ પણ વસૂલવામાં આવશે.

કાયદા હેઠળ, કોઈ પણ અધિકારી જે ડીએસપી કે એસીપીના પદથી નીચે ન હોય, તે પરીક્ષામાં ગડબડના કેસોની તપાસ કરી શકે છે. કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની સત્તા છે. અને તે મુજબ આ કેસની તપાસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવી રહી છે.  છેલ્લા અહેવાલો મુજબ પેપરલીકના બે માફિયાઓના નામ સામે આવ્યા છે.

ફરીથી પરીક્ષા આપવી પડે તેમ હોવાથી નારાજઃ

પરીક્ષાર્થીઓના તીવ્ર પ્રતિભાવો

પેપર લીકના પાપે પરીક્ષા રદ થતાં હવે ફરીથી પરીક્ષા આપવી પડે તેમ હોવાથી ખૂબ જ મહેનત કરીને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં તીવ્ર નારાજગી સાથે આક્રોશ ફાટી નીકળ્યો છે. તેઓ કહે છે કે અમારી મહેનત પાણીમાં ગઈ છે અને ફરીથી પરીક્ષા આપવા માટે બેવડી મહેનત થશે, તો કેટલાક પરીક્ષાર્થીઓ કોઈ વિપરીત અનિવાર્ય સંજોગો, બીમારી કે ઘરના પ્રસંગોને કારણે ફરીથી પરીક્ષા નહીં આપી શકે તો તેનું જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh