Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમિતાભ બચ્ચનની એક હિન્દી ફિલ્મનું એક કોમેડી ટાઈપનું ગીત ઘણું જ પ્રચલીત છે, જેની પ્રથમ પંક્તિ છે "મેરે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?"
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયુ, અને ઓપરેશન સફળ થયુ હોવાના દાવાઓ થયા, તે પહેલા જ અમેરિકાના ધૂની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "એક્સ" પર પોસ્ટ મૂકીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી, અને અમેરિકાએ આ સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કર્યા હતા, તેઓ દાવો પણ ટ્રમ્પે કર્યો હતો. આ પ્રકારે ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા દેશના હસ્તક્ષેપ સામે ભારતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો લાલઘૂમ છે. જેના સંદર્ભે ટ્રમ્પને ઉદ્દેશીને કટાક્ષમાં કહેવાય રહ્યું છે કે, "હમારે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?
બીજી તરફ આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બહાદૂર અને સક્ષમ સેનાએ પાકિસ્તાનમાં જઈને નવ આતંકી કેમ્પો ઉડાવી દીધા અને તે પછી પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલથી કરેલા તમામ હૂમલાઓ નિષ્ફળ બનાવીને તેના મર્યાદિત જવાબમાં પાકિસ્તાનના ચાર મહત્ત્વપૂર્ણ એરબેઝ, રડાર અને સંલગ્ન સૈન્ય ઠેકાણાઓનો કચ્ચરઘાણ વાળી દીધો છે. તેની વાહવાહી પણ થઈ રહી છે.
આ વખતે તો ભારત એવી સ્થિતિમાં હતું કે, પૂર્ણકક્ષાનું યુદ્ધ થાય, તો પાકિસ્તાનના ટૂકડે-ટૂકડા થઈ જાય તેમ હતાં, કારણ કે બ્લુચિસ્તાનના સ્વાતંત્ર્ય માટે લડતી બલૂચી વિદ્રોહી સેના પણ પાકિસ્તાની સેના પર આક્રમણો કરી રહી હતી અને ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનને ઘેરી પણ લીધુ હતું, આવી મજબૂત સ્થિતિમાં ભારતે સંઘર્ષ વિરામ કર્યો, તેવી પ્રબળ દેશદાઝ ધરાવતા દેશપ્રેમીઓ, ઘણાં પૂર્વ સૈનિકો તથા ખુદ શાસકપક્ષના સમર્થકો સહિત દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ રીતે અચાનક સંઘર્ષ વિરામ કરવાના બદલે પ્રપંચી પડોશીઓને પછાડીને એલઓસી પરત લઈ લેવાની સુવર્ણ તક ગુમાવી હોવાનો વસવસો પણ પડઘાઈ રહ્યો છે.
મુખ્યત્વે, વિપક્ષના નેતાઓ સંઘર્ષ વિરામની જાહેરાતો ટ્રમ્પે કરી હોવાથી આગબબૂલા થયા છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે જો ત્રીજો પક્ષે મધ્યસ્થી કરી ન હોય અને ટ્રમ્પે કરેલી જાહેરાત યથાર્થ ન હોય, તો ખુદ વડાપ્રધાન તેની સ્પષ્ટતા કેમ કરતા નથી...? તેવા સવાલો ઉઠ્યા છે.
બીજી તરફ ગઈકાલે સેનાની ત્રણેય પાંખોના ડીજીએમઓએ એક વિસ્તૃત પત્રકાર પરિષદ યોજીને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નેસ્ત નાબુદ કરેલા કેમ્પો, હણેલા આતંકવાદીઓ અને તે પછી પાકિસ્તાને કરેલા નિષ્ફળ હૂમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને તેના કેટલાક એરબેઝ અને સૈન્ય ઠેકાણાંઓને બરબાદ કર્યા તેનું પ્રેઝન્ટેશન કરીને પુરાવા સાથે માહિતી આપી, તે પછી દેશભરમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવાઈ રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત જ છે, તેવું જાહેર કર્યા પછી એવી અટકળો પણ થઈ રહી છે કે, હવે પાકિસ્તાનના નવ મુખ્ય આતંકી ઠેકાણા નાબુદ કર્યા પછી બાકીના ૧ર આતંકી ઠેકાણાંનો પણ યોગ્ય સમયે ખુરદો બોલવવાની યોજના વિચારાઈ હશે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર યથાવત રાખ્યું હોવાથી દુભાયેલી જનભાવનાઓમાં થોડો આશાનો સંચાર પણ થતો જણાયો હતો. બીજી તરફ ભારત સરકારે પહેલેથી જ એવું જાહેર કર્યુ હતું કે, હવે ભારત કોઈપણ પાક પ્રેરીત આતંકી હૂમલો થશે તો તેને "એક્ટ ઓફ વોર" ગણીને વળતો પ્રહાર કરાશે અને સંઘર્ષ વિરામ પછી પણ ભારત સરકારે સિંધૂ જળ સંધિ રદ્દ કરવા સહિતના પાકિસ્તાન પર લગાવેલા તમામ પ્રતિબંધો યથાવત રાખ્યા હોવાથી પણ આ સંઘર્ષ વિરામ પણ ભારતીય સેનાની લાંબી વ્યૂહરચનાનો એક ભાગ જ હશે, તેમ માનવામાં આવી રહ્યું છે. હવે બધાની નજર ભારત - પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાટાઘાટો પર મંડાયેલી છે.
એટલું સારૂ છે કે, ભારતે ચોખ્ખુ કહી દીધુ છે કે, હવે ભારત-પાક. વચ્ચે માત્રને માત્ર પીઓકે પાછું આપવાની અને ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાની જ વાત થશે, તે સિવાયની કોઈ વાતચીત પાકિસ્તાનની સાથે નહીં જ થાય. એક એવી વાત પણ સામે આવી છે કે, પછડાયેલા હતાશ પાકિસ્તાનની બેજવાબદાર સરકાર અને સેનાએ પરમાણુ બોમ્બ ફેંકવાની તૈયારી કરી હોવાથી લાખો લોકોના જીવ બચાવવા અને બન્ને તરફ આ બરબાદી અટકાવવા હાલ તુરંત આ અણગમતો નિર્ણય લેવાયો છે, પરંતુ હવે પાકિસ્તાની કે તેના પાલતુ આતંકવાદીઓની નાની સરખી હરકત પણ પાકિસ્તાનની બરબાદી નોતરશે, એટલું જ નહીં, હવે ભારત - પાકિસ્તાનને પીઓકે પરત સોંપવા અને ભારતના અપરાધી આતંકવાદીઓ ભારતને સોંપી દેવાની જોરશોરથી માંગણી ઉઠાવીને કાશ્મીરના યુદ્ધનું સ્વરૂપ જ ફેરવી નાંખશે, જે હોય તે ખરૂ, પરંતુ ભારત સરકારે ત્રીજા પક્ષની મધ્યસ્થી અને ટ્રમ્પના દાવાઓનો નિષેધ કરતી જાહેરાત વિશ્વસનિય રીતે કરવી જ જોઈએ, કારણ કે, ભારત સરકાર અને વડાપ્રધાન પ્રત્યેની દેશની જનતાની વિશ્વસનિયતા સંકળાયેલી છે.
હવે ખડગે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્રો લખીને આ મુદ્દે ચર્ચાની કરેલી માંગણીઓ, સંસદના વિશેષ સત્રની માંગણી તથા ખાસ કરીને ટ્રમ્પના દાવાઓ અને ત્રીજા દેશના હસ્તક્ષેપના મુદ્દે સ્વયં વડાપ્રધાન દ્વારા ચોખવટ વિગેરેની ચર્ચા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા, ધારાશાસ્ત્રી અને પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે ટીવી ઈન્ટરવ્યૂમાં જે વાતો કહી છે તે "ટોક ઓફ ધ નેશન" બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial