Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે વિવિધ વિભાગોના ૧૬૦ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

ભગવાન બિરસા મુંડાની ૧પ૦ મી જયંતીની ભવ્ય ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ભગવાન બિરસા મુંડાની ૧પ૦ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના રૂા. ર૧,૭૭૩.૬૧ લાખના પ૪ પ્રકપ્લોનું ઈ-ખાતમુહૂર્ત તથા ર૪૪૯.૯ર લાખના ૧૦૬ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની ૧પ૦ મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાતમાં તા. ૧ થી તા. ૧પ નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર શહેરના ટાઉનહોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર ભગવાન બિરલા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતાં. તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપ્યો હતો. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓને લોકપ્રિય રીતે 'ભગવાન બિરસા' કહેવાતા હતાં. તેમણે આદિવાસી સમાજમાં એક્તા લાવી અને આધુનિક શિક્ષણ તથા સ્વચ્છતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. બિરસા મુંડાએ 'ઉલગુલાન' નામક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, જે પ્રખ્યાત આદિવાસી વિદ્રોહ હતું. તેમનું જીવન માત્ર રપ વર્ષનું હતું, પરંતુ તેમના આંદોલન અને ત્યાગના કારણે તેઓ આજે પણ આદિવાસી સમુદાય માટે 'ભગવાન બિરસા' તરીકે પૂજાય છે.

રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ર૦ર૧ માં આદિજાતિ સમુદાયના પૂજનિય, જનનાયક બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧પ  નવેમ્બરે 'જન જનજાતિય ગૌરવ દિવસ' તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તા. ૭ થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એક્તાનગર અને ઉમરગામથી એક્તાનગર સુધી કુલ ૧,૬૭૮ કિ.મી.ની જનજાતિય 'ગૌરવ રથ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસાની સ્મૃતિમાં ર વર્ષે ૧૧ નવેમ્બરે 'જન્મજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે. દેશમાં તેમની ૧પ૦ મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આ માત્ર ઔપચારિક ઉજવણી નહીં, પણ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે.

કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ વિભાગો જેમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળના પ્રોજેક્ટ અંતર્ગતના કામો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, નર્મદા, જનસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત),આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સામાન્ય વહીવટી વિભાગ અંતર્ગત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના કુલ રૂા. ર૧,૭૭,૩૬૧ લાખના પ૪ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત તથા ર૪૪૯.૯ર લાખના ૧૦૬ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૈએ 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પરની ફિલ્મ નિહાળી હતી, તેમજ તેઓના જીવાન વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારપછી મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના અગ્રેસર આગેવાનોનું સન્માન, વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ શાળાઓના આચાર્યનું સન્માન, વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ તથા મંજુરીપત્રો, ૩ સખી મંડળોને કેશ ક્રેડીટ લોન અંતર્ગત રૂા. ૧૪ લાખની રકમના ચેક, પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોનની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, અગ્રણી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh