Advertisement
Author: નોબત સમાચાર

વંદા પાર્ટીનો હાહાકાર

                                                                                                                                                                                                      

અચાનક રસોડાનું 'ગુપ્ત સંગઠન' રસ્તા પર આવ્યું! ગઈકાલે રાત્રે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે મારા ઘરના રસોડાના ઓટલા નીચે, ડાર્ક રૂમમાં એક ઐતિહાસિક ઘટના ઘટી રહી હતી.

સામાન્ય રીતે રાત્રે બે-ત્રણ વાગ્યે પાણી પીવા જઈએ ત્યારે એકાદ-બે વંદા 'હાય-હેલ્લો' કરીને ફ્રીજની પાછળ સંતાઈ જતા હોય છે. પણ ગઈકાલે તો દૃશ્ય જ અલગ હતું. રસોડાના પ્લેટફોર્મ પર જાણે આંતરરાષ્ટ્રીય મહાસંમેલન ભરાયું હતું!

હા, તમે સાચું વાંચ્યું. એ હતી 'અખિલ બ્રહ્માંડ વંદા મહાસભા'ની વાર્ષિક જનરલ મિટિંગ. વિષય હતોઃ ''બળાપો અને ભવિષ્યની રણનીતિ.''

વિશ્વના ખૂણે-ખૂણેથી વિવિધતામાં એકતાના દર્શન સ્વરૂપ મૂછુ ફરકાવતા વંદાઓ ભેગા થયા હતા. રસોડાની સિંકના હોલમાંથી, ગેસના સિલિન્ડર પાછળથી અને બાથરૂમની નાની ગટરના રસ્તેથી દેશભરના વંદાઓ ઉમટી પડ્યા હતા. લોકશાહીનો સાચો નમૂનો અહીં જોવા મળતો હતો.

આટલા તો અહીં હતા પરંતુ સેટેલાઈટ દ્વારા મેટ્રો સિટીના હાઈ-ફાઈ વંદા પ્રમુખ તેઓને માર્ગદર્શન આપી રહૃાા હતા. ધડાધડ સભ્યો બની રહૃાા હતા.

સોસાયટીની ફાઈવ-સ્ટાર ડ્રેનેજ લાઈનમાંથી, એકદમ ચળકતા અને સ્માર્ટ,

ગામડાની નાની ગટરના દેશી વંદા જે કદમાં થોડા નાના પણ ચીવટવાળા અને કડક હતા તે, સોફિસ્ટિકેટેડ વંદા જેઓ રસોડાના મસાલાના ડબ્બા પાછળ રહીને આખી જિંદગી એલચી અને તજની સુગંધ માણી ચૂક્યા હતા તે આમ અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ વિશેષતા ધરાવતા મૂછાળા નાજુક ડરામણા વંદાવો ઘા એ ઘા જોડાવા માંડ્યા.

અમુક વિદેશી ટાઈપના ઊડતા વંદા જેઓ જરાક હવા ભરાય એટલે હેલિકોપ્ટરની જેમ ઊડીને સીધા સડસડાટ સ્ત્રીઓના માથા પર જ લેન્ડિંગ કરવાની કુખ્યાત ક્ષમતા ધરાવતા હતા તેઓ પણ જોડાઈ ગયા. વડા વંદાનું ઐતિહાસિક ભાષણ સાંભળવા જેવું હતું.

સ્ટેજ પર એક મોટો ખાંડનો દાણો મૂકવામાં આવ્યો હતો, જેના પર ઊભા રહીને પ્રમુખ વંદાએ (જેની મૂછો અને દાઢીને કારણે થોડો લઘર વઘર લાગતો હતો. ટુંકમાં હોય તેવો લાગતો હતો) માઈક વગર જ પોતાની તીણી મૂછો હલાવીને ભાષણ શરૂ કર્યું.

''ભાઈઓ અને બહેનો (અને આપણા અસંખ્ય બચ્ચાઓ)...'' પ્રમુખે ગળું ખંખેર્યું, ''આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ. ડાયનાસોર આવ્યા અને જતા રહૃાા, પણ આપણે હજુ જીવતા છીએ! આપણી તાકાત જુઓ, આ દેશની સરકાર ભલે ગમે તેટલી પાવરફૂલ હોય, પણ સરકાર આખરે તો એક પત્ની જેવી છે. અને પત્ની ગમે તેવી સિંહણ હોય, પણ એક નાનકડા વંદાથી બીવે છે!''

આ વાક્ય સાંભળતા જ આખા રસોડામાં 'ચીં-ચીં' ના અવાજો સાથે તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ચારે બાજુ મૂછો ફરકવા મંડી. બે-ત્રણ ઉત્સાહી જુવાનિયા વંદા તો ગેસના લાઈટર પર ચડીને નાચવા લાગ્યા.

પ્રમુખે આગળ વધતાં કહૃાું, ''તમે વિચારો, જે ઘરમાં પત્ની સિંહણ બનીને ફરે છે, ત્યાં આપણી એન્ટ્રી થતાં જ સિંહણ સોફા પર ચડીને ચીસો પાડે છે અને આખો આલીશાન બંગલો માથે લે છે. આપણા એક ઈશારે આખી માનવજાત કૂદાકૂદ કરવા લાગે છે. આ આપણો પાવર છે!''

આપણો મુખ્ય એજન્ડા છે 'માત્ર પત્ની જ નહીં, આખું જગત ડરવું જોઈએ'

જોકે, પ્રમુખ વંદાના આ આત્મસંતોષ સામે વિરોધ પક્ષના નેતા (જે ગટરના પાઈપમાંથી સીધો આવ્યો હતો અને થોડો કાળો-પીળો હતો) એ વાંધો ઉઠાવ્યો. એણે પાંખો ફફડાવીને કહૃાું:

''પ્રમુખ સાહેબ, આ તો અધૂરી જીત છે. માત્ર પત્નીઓ ડરે એનાથી આપણું પેટ નહીં ભરાય. અમારો એજન્ડા સ્પષ્ટ છે. આ દેશના પુરૂષો, બાળકો અને ખાસ કરીને પેલા કાળા કલરના હિટ સ્પ્રેવાળા લોકો પણ આપણાથી ડરવા જોઈએ!'' અને જે ઘરમાં પત્ની ન હોય પુરૂષ એકલો હોય તેને ડરાવવા માટે શું કરવું તે પણ ફોડ પાડો.

વિપક્ષના નેતાએ પોતાની માગણીઓનું લિસ્ટ રજૂ કર્યું, જે ખરેખર હસવા જેવું પણ વિચારવા જેવું હતું.

ચોખ્ખી જગ્યાઓમાં અનામતની માગણી કરી કહૃાું ''વંદાઓને માત્ર કચરાપેટી કે ગંદી નાળીઓમાં જ કેમ રહેવું પડે? લિવિંગ રૂમના કાચના ટેબલ પર, ડાઇનિંગ ટેબલ પર અને બેડરૂમના એસીના વેન્ટમાં પણ વંદાઓને સન્માનજનક સ્થાન મળવું જોઈએ.''

હિટ સ્પ્રે પર વિરોધ પ્રગટ કરતા એક જ સુરે વંદાઓએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને કેમિકલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવા બદલ માણસો સામે કેસ કરવો જોઈએ. આ સ્પ્રે નૈતિકતાની વિરૂદ્ધ છે! રસોડામાં ડે-નાઈટ શિફ્ટ માણસો માત્ર રાત્રે જ રસોડું ખાલી કરે છે, જે ખોટું છે. દિવસે પણ બે-ત્રણ કલાક 'વંદા કરફ્યુ' જાહેર થવો જોઈએ જેથી તેઓ શાંતિથી લંચ લઈ શકે. આવી રજૂઆત પણ કરી.

ભાષણો પત્યા પછી 'વંદા સંગઠન' દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બે ઊડતા વંદાઓએ 'હવામાં પ્રગટ થવું અને અચાનક ગાયબ થઈ જવું' વિષય પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. સભાના અંતે ભવ્ય રાત્રિભોજનનું આયોજન હતું, જેમાં મેનૂમાં હતું, ગઈકાલની વધેલી દાળના ટીપાં, પ્લેટફોર્મ પર વેરાયેલી ખાંડની ચાસણી અને સિંકમાં પડેલી એંઠી થાળીઓનો અમૂલ્ય રસ! એકાદ બે પિઝાના બટકા, ચાલો તેમને જમવા દયો.

એક બુદ્ધિ જેવી લેખક તરીકે આ તમામ વંદાઓને એક ખુલ્લો પત્ર પાઠવું છું.

પ્રિય વંદાઓ,

તમે ભલે એમ માનતા હો કે તમારાથી પત્નીઓ ડરે છે, પણ વાસ્તવમાં એ ડર નથી, એ તિરસ્કાર છે! અને હા, જ્યારે પત્ની તમારાથી ડરીને ચીસ પાડે છે, ત્યારે અમારે (પુરૂષોએ) વધ કરવો પડે છે. અમારે હાથમાં ચંપલ લઈને રસોડાના ખૂણે-ખૂણે ઓપરેશન ચલાવવું પડે છે. તમારી લડાઈમાં વગર વાંકે અમારૃં બીપી વધી જાય છે. તમે ગમે તેટલી સભાઓ ભરો, ગમે તેટલા ઠરાવો પસાર કરો, પણ યાદ રાખજો જ્યાં સુધી ભારતીય ગૃહિણીના હાથમાં કચરા-પોતું, સાવરણી અને 'હિટ' ની બોટલ છે, ત્યાં સુધી તમારૃં 'રસોડા રાજ' ક્યારેય કાયમી નહીં બને!

વિચારવાયુઃ- લાઈટ થતાં જ વંદા પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને પેલા ઊડતા હેલિકોપ્ટરો બધા જ પોત પોતાનો એજન્ડા ભૂલીને, લોકશાહીના લીરેલીરા ઉડાવીને ફ્રીઝની પાછળ ભાગી ગયા!

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh