Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ-બાર જુના મિત્રો ભેગા થયા હોય અને ખીખીઆટાના અવાજ જો ચાર ઘર લગી સંભળાતા હોય તો સમજી લેવું કે જૂની વાતો નીકળી છે અને એમાં પણ મૂરખ બન્યાની વાતો છે.
મજા એ વાતની છે કે જ્યારે મૂરખ બન્યા હોય ત્યારે આપણે કોઈકના પર ગુસ્સો કરી નારાજ થયા હોઈએ. એ જ વાત અમુક સમય પછી કે વર્ષો પછી આપણે જાતે જ આપણા મિત્રોમાં પરિવારમાં શેર કરીએ.અને 'હું કઈ રીતે મૂરખ બન્યો' તે વાત વટથી કહી પોતે પણ હસીએ અને બીજાને પણ હસાવીએ.
નાના હોઈએ ત્યારે જ કોઈ મૂરખ બનાવે તેવું નથી આ મૂરખ બનાવવાની અને બનવાની મજા દરેક ઉંમરે આવતી જ હોય છે.
મારી સાથે બનેલી એક ઘટના જણાવુ તો ...
અજાણતા મૂરખ સાબિત થવાય અને પછી આપણે મૂરખ છીએ તેવું લાગવા મંડે ત્યાર પછીની આપણી હરકત ખરેખર હાસ્ય ઉત્પન્ન કરે તેવી અને હાસ્યસ્પદ પણ હોય છે.
મુંબઈમાં જૈન સોશિયલ ગ્રુપના સળંગ ચાર પ્રોગ્રામ હતા. બીજા દિવસે એક જૈન શ્રેષ્ઠી અમારી હાસ્ય શૈલી પર ઓળઘોળ થઈ અમને ત્રણેય કલાકારોને તેમના ઘરે ચા-નાસ્તા માટે લઈ ગયા.
અડધી પોણી કલાક ચા-પાણી નાસ્તા પછી બેઠા અને જતી વખતે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ પ્રમાણે એક નાનકડો છોકરો ત્યાં બેઠો હતો તેના હાથમાં અમે ૧૦૦ની નોટ મૂકી અને બહુ લાડ પ્રેમથી કહૃાું 'લે બેટા ચોકલેટ ખાજે' તરત જ ઘરધણીએ કહૃાું અરે મિલનભાઈ 'એને ના હોય'....
મેં કહૃાું, 'ભલા માણસ અમારી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે એટલે પ્રેમથી આપીએ છીએ. લે બેટા ચોકલેટ ખાજે, કેડબરી ખાજે'
ઘરધણીએ પણ પ્રેમથી ઇનકાર કર્યો મિલનભાઈ 'એને ન હોય'
મેં થોડા ઊંચા અવાજે અને વઢવાની સ્ટાઇલથી કહૃાું,
'વડીલ અમે સ્ટેજ પરથી સંસ્કારની વાત કરીએ સંસ્કૃતિની વાત કરીએ અને જો તમારી પરંપરા ભૂલી જઈએ તો વ્યાજબી નહીં. તમે ના બોલો છોકરાનો હક લાગે. લે બેટા કેડબરી ખાજે'
હવે વડીલ પણ અવાજ ઊંચો કરી અને બોલ્યા, 'મિલનભાઈ એને ન હોય એ પાડોશી નો છે'.
ત્યાં સુધીમાં તો છોકરાએ અમારા હાથમાંથી ઝપટ કરી અને ૧૦૦ની નોટ લઈ લીધેલી.
હવે અમારો ઉમળકો અફસોસમાં પલટાઈ ગયો હતો.
હાસ્ય કલાકારો હું, ગુણવંત ચુડાસમા, અને તરૂણ કાટબામણા એકબીજા સામે જોઈ અને આંખો આંખોમાં એક નિર્ણય પર પહોંચી ગયા.
ત્રણેયને મૂરખ બન્યાનો અહેસાસ તીવ્ર થતો ગયો અને એક મિશનની શરૂઆત થઈ. અમારે કેટલું ધ્યાન રાખવાનું હતું? ઓપરેશન સિંદૂરમાં જેટલું ધ્યાન રખાયું હશે એટલું જ 'ઓપરેશન ૧૦૦ ની નોટ'માં રાખવાનું હતું.
છોકરાને જગ્યા પરથી ઊભો ન થવા દેવો. ૧૦૦ની નોટ મુઠ્ઠીમાંથી છોડાવવી.
આ દરમિયાન જૈન શ્રેષ્ઠી પોતાના જ ઘરમાં આ ઘટના સ્થળે હાજર ન હોવા જોઈએ. એટલે કે બીજા રૂમમાં હોવા જોઈએ.
ઘરધણી પણ અમારા ચાહક હતા. એટલે આગતા સ્વાગતતામાં અમને રેઢા મૂકવા માગતા ના હતા.
પછી મૌન રીતે અમે ત્રણેય અલગ અલગ કાર્યો નક્કી કરી લીધા. મારે છોકરાને એન્ગેજ રાખવાનો અને ઊભો નહીં થવા દેવાનો. ગુણવંતભાઈએ ઘરધણીને ગમે તેમ કરી અમારા વચ્ચેથી રવાના કરવાના. અને તરૂણ તેમની સાથે જઈ બે મિનિટ પાછા આવી ન જાય તેનું ધ્યાન રાખે.
દુશ્મનોના દેશમાંથી ટેન્ક પાછી લેવાની હોય તેમ અમે ઓપરેશન ૧૦૦ ની નોટ શરૂ કર્યું.
ગુણવંતભાઈએ નવકાર મંત્રના દર્શન કરવા માટેનો તરૂણનો નિયમ ઘરધણીને જણાવ્યો અને ઘરધણી ઉભા થયા. તરુણને ઘરધણી પાછળ મોકલ્યો. છોકરો સજ્જડ મુઠ્ઠી બાંધી અને ઘરે જવાની પેરવીમાં હતો.
અમે કોઈપણ સંજોગોમાં ૧૦૦ની નોટ ખોટા હાથમાં જવા દેવા માગતા ના હતા.
જેવા ઘરધણી અને તરૂણ દેખાતા બંધ થયા એટલે અમે છોકરાને ચિટિયો ભર્યો છોકરાની મુઠ્ઠી થોડી ઢીલી પડી અને ૧૦૦ની નોટ અમે છોકરા પાસેથી પરત પડાવી લીધી.
છોકરાએ રડવાનું શરૂ કર્યું એટલે અમે તેને આંગળી પકડી બહારના દરવાજા સુધી મૂકી આવ્યા.
ઘરધણી છોકરાના રડવાના અવાજથી વિચલિત થઈ જ્યારે પરત મારી પાસે આવ્યા ત્યારે અમે ડાહૃાા ડમરા થઈ નિરાંતે બેસી ગયા હતા. અને સામેથી જણાવી દીધું કે 'છોકરો જબરજસ્ત સ્વમાની હો. ૧૦૦ રૂપિયાની નોટ ન લીધી તે ન જ લીધી. કેટલું સમજાવ્યો કે આ લક્ષ્મી કહેવાય, તેને ઠુકરાવાય નહીં, ગલ્લામાં નાખજે, મમ્મીને આપજે, કેડબરી ખાજે,... પણ આ તારે રાખવા ના જ છે.'
'છેલ્લે તો ડોળા કાઢીને પણ કીધું. તો રોવા મંડ્યો અને ૧૦૦ની નોટ અમારા હાથમાં ધરાહારથી પકડાવતો ગયો.'
ચાલો વડીલ ખૂબ મજા આવી. ફરી મળીશું કહી અને ત્રણેય કલાકારો વિજયયાત્રામાં નીકળ્યા હોય તેમ હોટલ પરત ફર્યા. અલબત્ત પેલી સોની નોટ ટેક્સી ભાડામાં વપરાઈ ગઈ.
વિચારવાયુ : દસ રૂપિયાની ખોટી નોટ આપી અને ખરીદેલું છાપુ ચાર દિવસ પહેલાનું જૂનું નીકળે તેનું નામ કર્મનો સિદ્ધાંત.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial