Advertisement
Author: નોબત સમાચાર

સુરત-અમદાવાદ શહેરમાં જલભરાવ જેવી જ ગંભીર સ્થિતિ જામનગરમાં સર્જાવાની ભીતિ...!

પ્રી-મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલે જમાવટ કરી છે. ગુજરાતના અનેક નાના-મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે અને હજી પણ આગામી અઠવાડિયા સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં અત્યાર સુધી પડેલા વરસાદમાં સુરત, અમદાવાદ તથા અન્ય શહેરોમાં ચારે તરફ, રસ્તા ઉપર, પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. તેમાંય સુરતમાં તો હજારો લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરવખરી સહિતના માલ સામાનને પારાવાર નુકસાન થયું છે. બબ્બે-ત્રણ-ત્રણ દિવસ સુધી શેરી-ગલી-સોસાયટી- માર્ગો પર ભરાયેલા પાણી ઓસરતા નથી... પરિણામે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રોગચાળો ફાટી નિકળે તેવી પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આ તમામ શહેરોમાં સ્થાનિક તંત્રની પ્રી-મોન્સુન કામગીરી અંગે આક્રોશ સાથે સવાલો ઉઠવા લાગ્યા છે.

દરેક શહેરમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા તંત્ર દ્વારા માર્ચ-એપ્રિલમાં જ લાખો-કરોડો રૂપિયા પ્રી-મોન્સુન કામગીરી માટે દર વરસે ફાળવવામાં આવે છે, કોન્ટ્રાકટ દેવાય છે. કામગીરી શું થઈ તે તો રામ જાણે... પણ કોન્ટ્રાકટરને નાણાં ચૂકવાય જાય છે. આમ છતાં પાણીનો નિકાલ કેમ થતો નથી ? સીધી વાત છે. પ્રી-મોન્સુન કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર જ થાય છે.

અહીં આરામ પૂર્વભૂમિકા આલેખવા સાથે જામનગર શહેરમાં થયેલ પ્રી-મોન્સુન કામગીરી અંગેની ચિંતા પણ ઉદ્દભવી છે. કારણ કે જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી માટેના કામના કોન્ટ્રાકટરો દ્વારા કોઈ કરતાં કોઈ સંતોષકારક કામગીરી થઈ નથી તે હકીકત છે. શહેરની મુખ્ય કેનાલો આજની તારીખે કચરા, ગંદકી, પ્લાસ્ટિક વેસ્ટ, કાદવ-કીચડથી ખદબદે છે અને અડધાથી વધુ ભરાયેલી છે. આમાં વરસાદી પાણીના પ્રવાહને વહેવાની જગ્યા જ કયાં ? પરિણામે જામનગરમાં જો ૩-૪ ઈંચ કે વધુ ભારે વરસાદ પડશે તો શહેરમાં ચારે તરફ પાણી ભરાઈ જવાની દહેશત પ્રવર્તે છે. ખાસ કરીને નિચાણવાળા તેમજ કેનાલની આસપાસના વિસ્તારો ઉપર જોખમ વધારે છે.

દર વરસે પ્રી-મોન્સુનની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે અને મળતીયા કોન્ટ્રાકરને જ કામ સોંપી 'સંધાય'ની ભાગ બટાઈ થઈ જાય છે ! પરિણામે પ્રી-મોન્સુન કામગીરીના નામે પ્રજાના લાખો રૂપિયાનો ખર્ચ થવા છતાં અંતે પ્રજાની જ ઘરવખરી માલ સામાનને નુકસાન થઈ રહ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના અણઘડ અને આવડત વગરના આયોજનનો નમૂનો તળાવની પાળે ખોદવામાં આવેલી કેનાલનો છે. બબ્બે મહિનાથી કામ ચાલે છે. હજી પૂરૃં થયું નથી..

પંચેશ્વર ટાવર નીચે જ પાઈપ નાંખવાનુ કામ મહિનાથી ચાલે છે. આણદાબાવા ચકલામાં સિમેન્ટ રોડ કયારે બનશે તે નકકી નથી... અત્યારે આ વિસ્તારના રહેવાસીઓ ખાડા-ટેકરા અને પાણી ભરાયેલા- કાદવ કીચડ માર્ગમાંથી અવરજવર છેલ્લા બબ્બે મહિનાથી કરી રહ્યા છે.

અરે ભાઈ... કાંઈક તો સમજી વિચારીને સમયનું અને સિઝનનું ધ્યાન રાખીને કામનું આયોજન કરો... જે કામ કરો તે વ્યવસ્થિત થાય, સમય મર્યાદામાં પૂરૃં થાય તેવી ચોકકસાઈ તો રાખો.

બાકી તો... જામનગરની પ્રજા એકદમ શાંત અને સહનશીલ હોવાનો ભરપૂર ગેરલાભ હાલના સત્તામાં પદમાં રચ્યા પચ્યા રહેતા ચૂંટાયેલા નેતાઓ ઉઠાવી રહ્યા છે... અને વિરોધપક્ષના સભ્યો તો એકાદ-બે અપવાદ સિવાય ઈલુ-ઈલુ કરીને બટકું મળે એટલે શાંત બેસી રહે છે !

જામનગરમાં પ્રી-મોન્સુન કામગીરીમાં લોટ પાણીને લાકડાં જેવી અત્યંત કંગાળ કામગીરીના કારણે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું..! અને તે પહેલાં યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કોન્ટ્રાકટર પાસે સરખું કામ કરાવાય છે કે કેમ તે પણ જોવાનુ રહ્યું... બાકી તો બધું 'રામ ભરોસે'...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh