Advertisement
Author: નોબત સમાચાર

વરસાદી માહોલ, વૈશ્વિક શાંતિ, શ્રાવણીયા મેળાઓના પડઘમ... તહેવારોનો ત્રિવેણી સંગમ... ચોમાસા વચ્ચે પણ પ્રિ-મોન્સુન ?!

                                                                                                                                                                                                      

ગુજરાતમાં અમદાવાદની વિમાન દુર્ઘટના પછી શોકનો માહોલ હતો અને દેશ દુનિયામાં યુદ્ધ અને અશાંતિના કારણે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હવે રાહત થઈ છે. કમનસીબ દુર્ઘટનાના મૃતકોની ઓળખ કરીને સોંપી દેવાયા પછી તેઓની અંતિમક્રિયાઓ થઈ ગઈ છે, અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સમી ગયા પછી હવે રશિયા-યુક્રેન યુદ્ધ પણ ખતમ થાય, તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે હવે દુનિયા શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ તરફ આગળ વધી રહી છે, પરંતુ ડોમેસ્ટિક પોલિટિક્સમાં પુનઃ ઉછાળો આવ્યો છે. દેશમાં વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીનો વિજય થતાં થોડા સમય માટે હેડલાઈન્સમાંથી અલિપ્ત થઈ ગયેલા કેજરીવાલ ફરીથી પ્રગટ થઈ ગયા છે અને ભાજપ તથા કોંગ્રેસ પર સહિયારા પ્રહારો કરીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં વિજયનો વિકલ્પ ગણાવવા લાગ્યા છે. એક તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં પણ આગામી વર્ષે થવાની છે. આમઆદમી પાર્ટી આ બંને ચૂંટણીઓમાં પૂરી તાકાતથી ઝંપલાવવાની હોવાથી ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ તે માટે તૈયાર રહેવું પડશે. ચૂંટણીઓના ચક્રવ્યૂહ વચ્ચે એક તરફ રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ વરસાદ, પૂર, તથા નવી આગાહીઓ વચ્ચે મેઘાવી માહોલ પણ જામ્યો છે. ઠેર-ઠેર જલભરાવ, સડકો પર પાણી, ટ્રાફિકજામ અને વરસાદી મોસમની વિડંબણાઓના સમાચારો ચોતરફથી આવી રહ્યા છે.

આ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાઓ તથા યાત્રાધામ દ્વારકા તથા બેટદ્વારકામાં જન્માષ્ટમી પર્વે દર્શન માટે ઉમટી પડનારા લાખો ભાવિકોના સંદર્ભે જરૂરી તમામ વ્યવસ્થાઓને લઈને તંત્રોએ અત્યારથી જ તૈયારીઓ કરવા લાગવું પડશે. અત્યાર સુધી તંત્રો વિવિધ પ્રકારની ઘટનાઓના સંદર્ભે તથા ચૂંટણીઓ પછી હવે વરસાદી મોસમના સંદર્ભે વ્યસ્ત રહ્યા છે, અને તેમાંથી ટાઈમ કાઢીને સાતમ-આઠમના મેળાઓ, શ્રાવણી મેળાઓ તથા છેક ભાદરવી પૂર્ણિમા સુધી વિવિધ સ્થળે તબક્કાવાર યોજાતા રહેતા લોકમેળાઓ, ધાર્મિક મેળાવડાઓ અને પ્રવાસ-પર્યટનના સ્થળો પર ઉમટતી ભીડના પૂર્વ-આયોજનો પણ તંત્રોએ કરવા પડશે. અત્યારે અષાઢી બીજની રથયાત્રાઓનો પણ ઠેર-ઠેર થનગનાટ છે.

રાજકોટમાં ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સદ્ગત વિજયભાઈ રૂપાણીની અનંતયાત્રાનો આઘાત ખમી લઈને લોકો કુદરતની ઘટમાળને અનુરૂપ રોજીંદી જિંદગીમાં આગળ વધી ગયા છે, અને આગામી તહેવારોની તૈયારીમાં લાગી ગયા છે. મોહરમ અને જન્માષ્ટમી સુધીના તહેવારોને સાંકળીને જરૂરી પ્રબંધો કરવા અંગેની મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, અને લોકમેળાઓની તૈયારીઓ પણ થવા લાગી છે.

તાજેતરના ઘટનાક્રમો તથા પ્રવર્તમાન પ્રાકૃતિક અને માજવસર્જીત સંજોગો-ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે તમામ પ્રકારના આયોજનો તથા ભગવાન જગન્નાથજીની ઠેર-ઠેર નીકળનારી રથયાત્રાઓ થી લઈને જન્માષ્ટમી-નવરાત્રિ પર્વ સુધીના તહેવારોની શ્રૃંખલા દરમ્યાન કોઈ  પણ પ્રકારની ભાગદોડ કે અનિચ્છનીય ઘટના બને નહીં, તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તેવા પ્રબંધોની સાથે સાથે ચોમાસાની ગતિવિધિ, આગાહીઓ તથા પૂર-પાણી અને નદી-નાળા-ડેમો છલકાયા પછીની પરિસ્થિતિનું આલંકન કરીને તંત્રો તથા શાસકોએ સંકલન કરવું પડશે.

શરમજનક સ્થિતિ એ ગણાય કે અત્યારે ચોમાસુ બેસી ગયું, વરસાદની આગાહીઓ થવા લાગી, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડયો, રણજીતસાગર જેવા મોટા ડેમો છલકાવા લાગ્યા, તેવા સમયે પણ ઘણાં તંત્રો તથા પાલિકા-મહાપાલિકાઓમાં હજુ "પ્રિ-મોન્સુન"ની કામગીરી ચાલી રહી છે. અન્ય જિલ્લાઓમાં લોકમેળાઓના આયોજનો સુનિશ્ચિત થયા પછીની વહીવટી અને તાંત્રિક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હાલારમાં હજુ ચોમાસા પૂર્વેની કામગીરીઓ પૂરી થઈ રહી નથી, અને જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ એસ.ટી. ડેપો આવ્યા પછી આ વર્ષે અને આવતા વર્ષે શ્રાવણીયો લોકમેળો ક્યાં યોજવો, તેનું સ્થળ પણ નક્કી થઈ શક્યું નથી. આ વર્ષે અદ્યતન ટેકનોલોજી આધારિત ફોરકાસ્ટ મેળવીને વરસાદી ઋતુને અનુરૂપ તમામ આયોજનો થાય, અને અત્યારથી જ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે સંયોજીત, સુદૃઢ અને ફુલપ્રૂફ માસ્ટર પ્લાન અમલી બને, તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

ચોમાસાની ઋતુ હોય, નદી-નાળા, ચેકડેમો-તળાવો-ડેમો છલકાવાના છે, ત્યારે યુ-ટ્યુબ માટે વીડિયો ઉતારવા કે સેલ્ફી લેવા માટેે જીવ-સટોસટની બાજી ખેલતા લોકોને અટકાવવા તંત્રે પણ કડક પ્રબંધો કરવા પડશે, અને એનજીઓઝ, વિવિધ સમાજો, જ્ઞાતિસંગઠનો, અને ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ ગામડાઓ અને શહેરોમાં સર્વવ્યાપી અને અસરકારક જન આંદોલન ચલાવવું પડશે, અન્યથા અત્યારે છૂટક-છૂટક સ્થળે બનતી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી જ રહેશે અને લોકોને પોતાના વહાલસોયા સ્વજનો સેલ્ફી કે રીલ પાછળ જીવ ગુમાવ્યા પછી રોતા જ રહેવું પડશે..

આ પ્રકારની અનિચ્છનિય અને આઘાતજનક ઘટનાઓ અટકાવવા પ્રત્યેક પરિવારોએ પણ આગળ આવવું પડશે. જો મોટેરાઓ આ પ્રકારના શોખને ગાંડપણમાં ફેરવવા લાગશે, તો યુવાપેઢીને મોકળું મેદાન મળી જવાનું છે, અને કુમળી પેઢી પણ વગર વિચાર્યે અઘટિત સાહસો કરવા પ્રેરાશે. આથી આવી રહેલા આ મહાભયાનક ખતરાને ટાળવા સૌએ અત્યારથી જ જાગૃત થઈ જવું પડશે.

આ વર્ષે સારો વરસાદ થશે અને વર્ષ સારુ જશે, ખેતી સારી પાકશે અને વિપુલ જળસંગ્રહ થશે, તેવી આગાહીઓ થઈ છે, ત્યારે સૌ કોઈના જીવનમાં આનંદ-મંગલ રહે, તહેવારો ભવ્ય રીતે ઉજવાય, ક્યાંય કોઈ અનિચ્છનિય ઘટના ન બને, લોકો સ્વયં જાગૃત બને અને નવા ચૂંટાયેલા તથા પહેલાના તમામ જનપ્રતિનિધિઓ વાસ્તવમાં લોકસેવામાં લાગી જાય, તેવું ઈચ્છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh