Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સે પાંચ વર્ષમાં ૭ લાખ કરોડ અને અદાણી ગ્રુપે રૂ।. ૧.૫૦ લાખ કરોડના મૂડી રોકાણની કરી જાહેરાત

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં મુકેશ અંબાણી, કરણ અદાણી, પરાક્રમસિંહ જાડેજા, બી.કે. ગોએન્કા સહિતના ઉદ્યોગપતિઓએ કરી મહત્ત્વપૂર્ણ જાહેરાતો

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૨: ગઈકાલે રાજકોટમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓએ વિવિધ જાહેરાતો કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂ।. સાત લાખ કરોડનું રોકાણ કરશે. તેવી જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. અને ગ્રીન એનર્જી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રમતગમત ક્ષેત્રે મોટા સાહસો દ્વારા ગુજરાતને વૈશ્વિક ફલક પર લઈ જવાની નેમ વ્યકત કરી હતી. તેવી જ રીતે અદાણી ગ્રુપ સહિતના ઉદ્યોગપતિઓએ પણ વિવિધ ક્ષેત્રે જંગી મૂડી રોકાણની જાહેરાતો કરી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરષ્ટ્ર-કચ્છમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે પાંચ મોટી અને મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતની ઓળખ છે અને ગુજરાત એ રિલાયન્સનું હ્ય્દય છે. આ પ્રસંગે તેમણે રાજ્યના વિકાસ માટે રિલાયન્સની કટિબદ્ધતાને ''સંકલ્પ'' તરીકે જાહેર કરી હતી.

રિલાયન્સ અત્યાર સુધી ગુજરાતમાં સૌથી મોટું રોકાણકાર રહૃાું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રૂ. ૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેને આગામી પાંચ વર્ષમાં બમણું કરીને રૂ. સાત લાખ કરોડ કરવામાં આવશે. જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.

તેમણે જણાવ્યું હતું કે, જામનગરમાં વિશ્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહૃાું છે. જેમાં સોલર, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થશે. જામનગર હવે હાઇડ્રોકાર્બનને બદલે ગ્રીન એનજીર્નું મોટું નિકાસકાર બનશે. કચ્છમાં મલ્ટી-ગીગાવોટ ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્ત્વનું યોગદાન આપશે. જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ-રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. જિયો દ્વારા એક ખાસ 'ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ' લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં એઆઈ સેવાનો ઉપયોગ કરી શકે.

વડાપ્રધાનના વિઝને આવકારીને તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ૨૦૩૬માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના પી.એમ.ના વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે જોડાશે. નારણપુરાના વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન રિલાયન્સ સંભાળશે. સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે. તેમ જણાવી મુકેશ અંબાણીએ ઉમેર્યુ હતું કે, ભારત આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વની એક મોટી શક્તિ બની રહૃાું છે અને આ ભારતનો 'નિર્ણાયક દાયકો' છે.

અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એમ.ડી. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત સતત આગળ વધી રહૃાું છે. તેમના માર્ગદર્શન હેઠળ કચ્છ સૌથી મોટું એનર્જી હબ બન્યું છે. અદાણી ગ્રુપ માટે મુંદ્રા કર્મભૂમિ છે. તેમજ સોલાર મેન્યુફેક્ચરિંગ માટે મુંદ્રા મહત્ત્વનું સેન્ટર બન્યું છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક મુદ્રામાં બનાવી રહૃાો છે, જે ૩૭ ગીગા બાઈટનો એનર્જી પાર્ક બનશે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છના મુંદ્રામાં આગામી પાંચ વર્ષ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા રૂપિયા ૧.૫૦ લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને આ ગ્રુપ સાકાર કરવા માટે સતત તેમના પડખે રહેશે.

જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરા ઉપર યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને સાકાર કરતી સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બન્યું છે. આ કોઈ બિઝનેસ કોન્ફરન્સ નહીં પરંતુ વિકસિત ભારતનું વિઝન હવે પ્રદેશ, જિલ્લા, સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમ સુધી પહોંચી રહૃાું હોવાનો સ્પષ્ટ સંકેત છે. વિશ્વમાં આજે અસ્થિર માહોલ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મક્કમ અને સ્થિર બનીને ઊભું છે અને આગળ વધી રહૃાો છે. અમારો ધ્યયે ખૂબ જ સ્પષ્ટ છે કે મેન્યુફેક્ચરિંગ માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. અમારી કંપની આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પૂરી પાડવા માટે જ્યોતિ સી.એન.સી. તત્પર છે. આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ સાથે મળી આ ઉમદા કાર્યને આગળ વધારવાની ઝુંબેશ ચલાવીશું.

વેલસ્પન કંપનીના ચેરમેન બી. કે. ગોએન્કાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, કચ્છ અમારી જન્મભૂમિ છે એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ થઈ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પોર્ટ અને સીરામીક માટે જાણીતું બન્યું છે. આ ક્ષેત્રનો વિકાસ છેલ્લા ૨૦ વર્ષમાં થયો છે, જેનો શ્રેય વડાપ્રધાન મોદીને આપુ છું.

તેમણે ઉમેર્યું હતું કે, 'આજે વેલસ્પન એક લાખ થી વધુ લોકોને રોજગારી આપે છે. તેમણે ૨૦૦૩ના વાઇબ્રન્ટ સમિટને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું વાપીમાં પ્લાન્ટ કરવાનો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મને એવું કહૃાું હતું કે આપ આપનો પ્લાન્ટ કચ્છમાં નાખશો, તો આપને એક રૂપિયાના રોકાણ સામે એક ડોલર વળતર મળશે. જે વાત આજે સાચા અર્થમાં સાર્થક થઈ છે. અમારી કંપની આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી પાઈપ પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે રૂ।. ૫૦૦૦ કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.

ઉદ્યોગપતિઓ દ્વારા થયેલી જાહેરાતો હેઠળ પાંચ વર્ષમાં થનાર મૂડીરોકાણોના પ્રોેજેકટો

રિલાયન્સઃ જામનગરમાં વિશ્વનું સૌથી મોટું-સોલાર, ગ્રીન હાઈડ્રોજન, સસ્ટેનેબલ ફયુઅલ જેવા ઉદ્યોગોને સમાવતુ ગ્રીન એનર્જી હબ, કચ્છમાં મલ્ટી ગીગાવોટ ધરાવતા સોલાર પ્રોજેકટ, જામનગરમાં દેશનું સૌથી મોટું એ-આઈ રેડીડેટા સેન્ટર, જિયો દ્વારા ખાસ ઈન્ટેલન્સ પ્લેટફોર્મનો ગુજરાતથી પ્રારંભ, અમદાવાદમાં વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટસ સંકુલનું સંચાલન અને અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના વિઝનમાં રિલાયન્સ ફાઉન્ડેશનનું ગુજરાત સરકાર સાથે જોડાણ.

અદાણી ગ્રુપઃ મુંદ્રામાં વિશ્વનો સૌથી મોટો ૩૭ ગીગાબાઈટનો એનર્જી પાર્ક, સોલાર મેન્યુફેકચરીંગ સેન્ટર

જયોતિ સી.એન.સીઃ એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરને પણ મશીનરી પૂરી પાડશે.

વેલસ્પન કાું.: વિશ્વની સૌથી મોટી પાઈપોના પ્લાન્ટનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh