Advertisement
Author: નોબત સમાચાર

વન્ડરફૂલ વીક-એન્ડ, સુપર સન-ડે... મેરા ભારત મહાન...

                                                                                                                                                                                                      

ક્રિકેટ રસીયાઓ માટે ગઈકાલે સુપર સન-ડે હતો, કારણ કે અન્ડર-૧૯ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને પછાડી, તો ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે મેચમાં હરાવ્યું. આ બંને જીત માત્ર સાધારણ વિજય નહોતો, પરંતુ બંને મેચોની કેટલીક વિશેષતાઓ હતી.

સિયાસતના સમરણાગણમાં પણ ગઈકાલે સુપર સન્ડે જ હતો. દિલ્હીના રામલીલા મેદામાં રવિવારે રાહુલ ગાંધીએ રણકાર કર્યો અને મોદી સરકારને પડકાર કર્યો. રાહુલ ગાંધીએ આરએસએસના વડા ભાગવતની પણ ટીકા કરી અને મોદી-શાહ બંધારણને ખતમ કરી નાખશે, તેમ જણાવીને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, ત્યારે પી.એમ. મોદીનો જન્મ પણ થયો નહોતો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ડીએનએમાં સરચાઈ છે, જયારે તેમના (ભાજપના !) ડીએનએમાં વોટ ચોરી છે. વિવિધ રાજ્યના આંકડાઓ સાથે રાહુલ ગાંધીએ વોટ ચોરીના ફરીથી ગંભીર આક્ષેપો કર્યા અને ચૂંટણી કમિશનર ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ દોહરાવ્યા.

પ્રિયંકા ગાંધીએ પણ વડાપ્રધાન પર જનતાના દુઃખમાં સહભાગી નહીં થવાના આક્ષેપો લગાવીને રૂપિયો ગગડી રહ્યો હોવાનો કટાક્ષ પણ કર્યો, તો બીજી તરફ ખડગેએ કેન્દ્ર સરકાર ગરીબો પ્રત્યે બેદરકાર હોવાનો આક્ષેપ લગાવીને દગાબાજ લોકોને સત્તા પરથી હટાવવા હાંકલ કરી હતી. રામલીલા મેદાન પરથી કોંગ્રેસે જે "વોટ ચોર-ગાદી છોડ" ના નારા સાથે જે વિશાળ રેલી યોજી હતી, તેના પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ હવે એકલા હાથે ભાજપના નેતૃત્વમાં સત્તા ભોગવી રહેલી સરકાર સામે તથા એનડીએ ગઠબંધન સાથે ચૂંટણીઓ લડશે, અને કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો કે શાસક પક્ષને ફાયદો થાય, તેવી મૂર્ખામી નહીં કરે.

એક તરફ સિયાસતના મેદાનમાં સટાસટી બોલી રહી હતી, તો બીજી તરફ અન્ડર-૧૯ની ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાનની ટીમ સામે ભવ્ય વિજય અને તે પછી રાત્રે દ.આફ્રિકાની ક્રિકેટ ટીમ સામે ભારતીય ક્રિકેટ ટીમનો જબરદસ્ત વિજય માત્ર ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે ખુશી અને ગૌરવનો પ્રતીક હતો, અને દેશભરમાં તથા જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે, ત્યાં ત્યાં "મેરા ભારત મહાન" તથા "જય હો" ના નારાઓ ગુંજી રહ્યા હતા.

રવિવાર તો રસ-રોમાંચ અને રંગીલો રહ્યો હતો, તો ગયા અઠવાડિયાનો અંત (વીક-એન્ડ અથવા શનિ-રવિ) અદ્ભુત હતા. વન્ડરફૂલ વીક-એન્ડમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાની લંબાવાયેલી મુદ્દતમાં ચૂંટણીતંત્ર દોડતું રહ્યું હતું, તો રાજ્ય અને કેન્દ્ર સરકારોના ક્ષેત્રોમાં આ વીક-એન્ડમાં ભારે હલચલ જોવા મળી હતી, અને કેટલીક  વન્ડરફૂલ ભવિષ્યવાણીઓ, આગાહીઓ, અનુમાનો અને અટકળોએ રહસ્યમય સસ્પેન્સ પણ ઊભું કરી દીધુ હતું અને તેના અધારે જ આજે નવા અઠવાડિયાના પ્રારંભે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે, અને ટૂંક સમયમાં કાંઈક નવાજૂની થવાની છે, અને કડાકા-ભડાકા થવાના હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

રમત-ગમત હોય કે રાજનીતિ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા જ કરતી હોય છે, પરંતુ ગઈકાલે ક્રિકેટની બંને મેચોમાં જે રીતે ભારતીય ટીમો જીતી છે અને વિરોધી ટીમોનો તોતીંગ પરાજય થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ બંને વિજય અસાધારણ હતા અને પ્રતિસ્પર્ધી ટીમોને જે રીતે પછાડી હતી, તેમાં ખેલદિલી તથા વિજિગીષા (જીતવાની ઝંખના) તો હતી જ, પરંતુ તે ઉપરાંત પણ એક અલગ જ પ્રકારનું ઝનૂન ઝળકી રહ્યું હતુ, જેમાંથી જુસ્સેદાર દેશભાવના છલકાતી દેખાઈ હતી.

આ વીક-એન્ડમાં ફૂટબોલના ખ્યાતનામ ખેલાડીનું ભારતભ્રમણ પણ ચર્ચામાં રહ્યું. કોલકાતાના કોલાહલ અને બંગાળમાં બબાલ થયા પછી હૈદરાબાદ અને મુંબઈની તેની મુલાકાત દરમ્યાન તંત્રો વિશેષ તકેદારી રાખતા જોવા મળ્યા, તો સેલિબ્રિટીઝ તથા સંબંધિત રાજ્યોની  સરકારોના વરિષ્ઠો પણ જોડાયા. આમ, વીક-એન્ડ આ વિવાદાસ્પદ પણ રહ્યું અને વન્ડરફૂલ પણ રહ્યું તેમ કહી શકાય.

આ વીક-એન્ડમાં જ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂકે બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ ૧૯ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન જ બદલાઈ જશે, તેવી વહેતી થયેલી વાતોને ભ્રમ ગણાવીને ભાજપે ફગાવી દીધી, અને તેની પાછળ જે ફરી એપસ્ટેઈન ફાઈલ્સના કરેલા ઉલ્લેખોને પણ નકારી દેવામાં આવ્યા છે. આ ઘટનાક્રમથી વન્ડરફૂલ વીક-એન્ડમાં એક ઘેરા સસ્પેન્સનો ઉદ્ભવ થયો છે, જેની ચર્ચાઓ ટોક ઓફ ધ નેશન બની છે, અને હવે ૧૯મી ડિસેમ્બરે કાંઈ થવાનું છે કે કેમ ? તેની જ રાહ જોવાની રહી, અને આ ખરેખર એક ભ્રમ જ છે કે પછી તેમાં તથ્ય છે, તે માટે તો ઈન્તેજાર જ કરવો પડશે.

આ તરફ કોંગ્રેસમાં પાર્ટીના અધ્યક્ષ પરિવારવાદ હેઠળ મોટા ભાગે નહેરૂ ગાંધીના પરિવારોમાંથી જ આવે છે, તે જ ભાજપે હવે ભાજપના એક વરિષ્ઠ નેતાના પુત્રને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પછી સવાલ પૂછાઈ રહ્યો છે કે હવે પરિવારવાદ કયાં ગયો ?

છે....ને....વન્ડરફૂલ વીક-એન્ડ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh