Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ વર્ષની સીમાને અચાનક બજારમાં તેની જૂની સ્કૂલ ફ્રેન્ડ મળી ગઈ. તેની ફ્રેન્ડ નોકરી કરતી હતી. થોડીવાર તેણે પોતાની જોબની વાત કરી અને પછી પૂછ્યું, 'તું શું કરે છે?'. સીમાએ જવાબ આપ્યો, 'કંઈ નહી હાઉસવાઈફ છું.' આ સાંભળીને તેની ફ્રેન્ડે તેની સામે એવી રીતે જોયું કે જાણે સીમાના જીવનનું કાંઈ મહત્ત્વ જ ન હોય. જાણે તે ધરતી પર નકામી હોય, પછી તેની ફ્રેન્ડ બોલી, 'ઓહો.. હાઉસવાઈફ એટલે તારી પોતાની કોઈ આઈડેન્ટીટી નથી? સીમા આઘાતની મારી કંઈ બોલી જ ન શકી. બે બાળકોને મોટા કરવા, કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવવા, સાસુ-સસરાને સાચવવા. ઘર વ્યવહાર સાચવવા, ઘરની સજાવટ કરવી, તેની રસોઈના, તેના સ્વભાવના, તેની આવડતના બધા દ્વારા થતા વખાણ.. આ બધું જ નકામુ? ઉંચા ભણતર પછી ઘર સંભાળતા સંભાળતા નોકરી કરવાનો વિચાર જ ન આવ્યો. એ શું તેની ભૂલ છે? માત્ર નોકરી ન કરવાને કારણે તેના ફ્રેન્ડની આંખમાં તેના માટે તુચ્છકાર આવી ગયો? હાઉસવાઈફ કે હોમમેકર બનવું ખોટું છે? નોકરી કરવી કે ન કરવી એ સ્ત્રીની પોતાની મરજી છે.
હમણાં બે સ્ત્રીઓની વાત કાને પડી. ફેશનેબલ વસ્ત્રો, ટીપટોપ મેકઅપ સાથે કાંઈ પાર્ટીમાં જતી હોય તેવી લાગતી હતી. બેમાંથી એકે પૂછ્યું, 'મીતા શું કરે છે? હમણા ઘણાં વખતથી દેખાતી નથી.' બીજી સ્ત્રીએ કહ્યું, ક્છોડને મીતાની વાત. તે સાવ ટીપીકલ સ્ત્રી બની ગઈ છે. ઘરમાં ને ઘરમાં જ... હવે સાસુ બીમાર છે અને બાળકો ભણે છે એ બહાનું કરીને ક્યાંય આવતી જ નથી. બીલકુલ ટીપીકલ સ્ત્રી.. ઘર, રસોઈ, બાળકો બસ... આટલી જ તેની દુનિયા..' અને બંને હસવા લાગ્યા...
ઘરમાં રહેતી સ્ત્રીની કિંમત જ નહી? નોકરી કરવી કે નહી, પાર્ટીમાં જવું કે ઘરમાં રહેવું, ફેશનેબલ વસ્ત્રો પહેરવા કે સાદા ડ્રેસ... આ બધુ સ્ત્રીની મરજીની વાત છે. હા.. સ્ત્રીઓ ઘર સંંભાળવાની સાથે કંઈક કામ કરે, નોકરી કરે, બંને વચ્ચે બેલેન્સ જાળવે એ માટે તેને બિરદાવવી જોઈએ, તેવી સ્ત્રી વખાણને પાત્ર છે જ.. પણ નોકરી ન કરીને ઘર સંભાળતી સ્ત્રી ઉતરતી છે તેવી માન્યતા શું કામ? આવા વિચાર બિલકુલ ખોટા છે. કેરિયર કરતા પરિવારને વધારે મહત્ત્વ આપતી સ્ત્રીઓને યોગ્ય સન્માન મળવું જ જોઈએ. આમ પણ ઘરકામનું મૂલ્ય ઓછું નથી. એક સર્વે મુજબ ઘર સંભાળતી સ્ત્રીના કામનું આર્થિક મૂલ્ય ભારતમાં વાર્ષિક ચાર લાખ રૂપિયા કરતા પણ વધારે ગણી શકાય, છતાં આપણા કહેવાતા સુધરેલા સમાજમાં નોકરી ન કરતી સ્ત્રીને 'હાઉસવાઈફ છે' એમ તુચ્છ અંદાજમાં કહી ઉતારી પડાય છે.
આમ તો પુરૂષોને ઘર સંભાળે તેવી પત્ની ગમે છે, પોતે ઘર આવે ત્યારે પાણીનો ગ્લાસ લઈને ઉભેલી, સવારમાં ગરમ નાસ્તો બનાવી આપતી, ઓફિસના સમયે બધી વસ્તુ તૈયાર કરી આપતી, ગરમાગરમ રસોઈ જમાડતી, ઘર-બાળકો, વડીલો-સામાજિક સંબંધો સાચવતી પત્ની જ પુરૂષોને જોઈએ છે અને આ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્ત્રી માત્ર ઘર સંભાળતી હોય અને છતાં પુરૂષો કામકાજી સ્ત્રીઓ સાથે સરખામણી કરીને પત્નીને ઉતારી પાડે છે. બાળકો પણ, 'મમ્મી તારે શું કામ હોય? તું તો આખો દિવસ ઘરમાં જ છો ને..' એમ કહીને મજાક ઉડાવતા હોય છે, પણ બાળકો એ નથી સમજતા કે મમ્મી નોકરી નથી કરતી અને ઘર સંભાળે છે. ત્યારે જ તેમની બધી જરૂરિયાત પૂર્ણ થાય છે. બાળકોના ભણતરથી લઈ તેમને ભાવતી વાનગી બનાવવા સુધીની બધી જ જરૂરિયાત મમ્મી ત્યારે જ પુરી કરી શકે કે જ્યારે તેના પર નોકરીની જવાબદારી ન હોય. બાળકોને કોણ સમજાવે કે મમ્મીએ ઉચ્ચ ભણતર પછી પણ બાળકોને તકલીફ ન પડે એ માટે નોકરી ન કરવાનું નક્કી કર્યું છે.
પતિ-બાળકો તરફથી થતી અવહેલના અને તેને બીજા સાથે સરખાવવાની માનસિકતાને કારણે ઘર સંભાળતી સ્ત્રી હતાશ થઈ જાય છે અને પછી એટલે જ તે પોતાની દીકરીને કેરિયર તરફ આગળવધારે છે. વાઉસ વાઈફની કોઈ કિંમત નહી એવી માનસિકતાને કારણે જ ઘર સંભાળતી સ્ત્રીઓ પોતાની દીકરીને ઘરનું કામ શીખવાડતી નથી. તેને ભણીને કેરિયર તરફ ધ્યાન આપવાનું જ કહે છે. રસોડામાં પગ જ મુકવા નથી દેતી, નોકરી કરશે એટલે બધું ચાલશે તેવી સલાહ હતાશ મમ્મી દીકરીને આપે છે, કારણ કે આજે પણ ઘરના કામનો મહિમા નોકરી આગળ નગણ્ય છે. એ વાત સાચી કે આજના જમાનામાં શાંતિથી, સુખેથી જીવવું હોય, મોજશોખ પુરા કરવા હોય તો પતિ-પત્ની બંનેએ કમાવવું જોઈએ. પણ માત્ર નોકરી જ મહત્ત્વની તો નથી જ... પ્રેમ, પરિવાર, બાળકો, વડીલો, સંબંધો આ બધી બાબતોની કાળજી અને તેના દ્વારા જીવનમાં મળતો સંતોષ જીવનને સમૃદ્ધ અને ખુશહાલ બનાવે છે, જ્યારે નોકરી કરતી સ્ત્રીઓ પાસે આ બધું કરવાનો પુરતો સમય નથી હોતો. એટલે નોકર, રસોઈવાળી બાઈ, આયા આધારે ચાલે છે.
ઘણી વખત હાઉસવઈફને પણ પતિ સારૂ કમાતા હોય તો કામ કરવું નથી. કીટી પાર્ટી, કહેવાતી સમાજ સેવા, શોપીંગ અને સોશિયલ મીડિયામાં પોતાનો બધો સમય પુરો કરે છે. ઘરકામ ન કરવું કે ન આવડવું એ સ્ટેટસ અને અભિમાનનો વિષય બની રહ્યો છે. કોઈ સ્ત્રી ઘરમાં કપડાં, વાસણ, કચરાપોતા જાતે કરતી હોય તો તે સ્ત્રી બીચારી, દુઃખી, લાચાર હોય તેમ તેની સામે જોવાય છે, શું બહાર કામ કરતી બધી સ્ત્રીઓ આનંદિત જ છે? શું બધી સ્ત્રીને તેના કામથી સંતોષ છે? બહારની દુનિયામાં પણ ક્યારેક સ્ત્રીઓ ખુશ નથી હોતી, પણ છતાં કહેવાતી આત્મનિર્ભરતા તેમને ખુશીનો અહેસાસ કરાવે છે. તો ઘર માટે થોડું જતું કરતી, બાળકો માટે કામ કરતી સ્ત્રીઓના આત્મ સંતોષની કિંમત શું કામ ઓછી ગણવી? જેમને ઘરમાં ખુશી મળે છે, તેને મજાક શું કામ બનાવવામાં આવે છે.
ઘરના કામને મહત્ત્વ ન મળવાથી જ ઘરમાં રહેતી સ્ત્રીઓ પણ કામને તુચ્છ ગણે છે. દેખાદેખીથી ઘરમાં નોકર, રસોઈવાળી બાઈ પણ રાખે છે. હવે તો બાળકોને પણ ઘરનું કામ કરતી મમ્મી જુનવાણી લાગે છે. પરંતુ કામ કરવું કે ન કરવું એ સ્ત્રીની પોતાની પસંદ છે, તેનું સન્માન થવું જોઈએ. કોઈના માટે કેરિયર તો કોઈના માટે ઘરનું કામ ખુશી અપાવે છે, તો તેની સરખામણી ન જ કરાય.
કહેવાનો મતલબ એમ નથી કે નોકરી કરતી સ્ત્રીઓ ઘર સંભાળતી નથી. નોકરી અને ઘરની જવાબદારી બન્ને સંભાળતી સ્ત્રીઓ સન્માનની અધિકારી છે જ.. તેમને તો બધા માન આપે જ છે, કહેવાનો મતલબ એટલો જ છે કે, ઘરના કામનું પણ મહત્ત્વ ઓછું ન આંકે... ઘર સંભાળતી સ્ત્રીને તુચ્છ નજરે ન જોવો, તેનું સન્માન કરો કે તેણે પોતાની કેરિયારનો ભોગ આપ્યો અને પોતાનો બધો સમય ઘર માટે આપ્યો.
તમારા ઘરમાં પણ મમ્મી હશે જ કે જેણે કેરિયરના ભોગે ઘર સાચવ્યું. બીજું કંઈ ન કરી શકીએ તો તેને એકવાર થેન્ક્યું તો અવશ્યક કહેજો...
- દિપા સોની, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial