Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમણાંથી રોજે રોજ શાળા પ્રવેશોત્સવના સમાચારો આવી રહ્યા છે અને ગામેગામ પહોંચેલા મંત્રીઓ-સચિવો-સનદી અને પોલીસ અધિકારીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાતા પ્રવચનો દરમ્યાન સરકારની વાહવાહીની સાથે સાથે કેટલીક નવી નવી વાતો પણ જાણવા મળી રહી છે. ગામેગામ પહોંચેલા તમામ મહાનુભાવો મારફત રાજ્ય સરકાર પ્રત્યેક સરકારી શાળા તથા ગામની સ્થિતિ, જરૂરિયાતો અને લોકપ્રશ્નોની સચોટ માહિતી સાથેના ફિડબેક મેળવીને તેના આધારે જરૂરી સુધારા-વધારા કરાવશે, તો તે પબ્લિકના હિતમાં તો રહેશે જ, પરંતુ તેના કારણે રાજ્ય સરકારની છાપ પણ પબ્લિકમાં સારી પડશે, અને મેલી મથરાવટી ધરાવતા તંત્રોને પણ સુધરવાની તક મળશેે. હકીકતે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદૃેશ્ય મર્યાદિત ન રહે અને બહુહેતુક પૂર્વાયોજનાઓ થાય, તે પણ અત્યંત જરૂરી હોય છે.
હાલાર સહિત રાજ્યભરમાં ઘણાં સ્થળે શાળા પ્રવેશોત્સવમાં પહોંચેલા મહાનુભાવો સમક્ષ સ્થાનિક લોકોએ સમસ્યાઓ, માંગણીઓ અને પ્રશ્નોની સામૂહિક રજૂઆતો કરી, તો કેટલાંક સ્થળે તો અન્ય સરકારી સ્કૂલની બદહાલી કે જૌખમી સ્થિતિ નિહાળવાનો આગ્રહ કરાયો હોવાના અહેવાલો ચર્ચાસ્પદ બન્યા. ઘણાં સ્થળોએ સ્કૂલની ખુટતી સુવિધાઓ મહાનુભાવોએ નજરે નીહાળી, તો ઘણાં ગામોને જોડતા માર્ગો, વીજસુવિધા અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ફરીયાદો સંભળાવી હોવાના અહેવાલો પણ ચર્ચામાં આવ્યા. શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી રથનું ભ્રમણ થતું હોવાનું પણ જાહેર કરાયુ છે, પરંતુ મહાનુભાવોના ભાષણોમાં ઉત્કર્ષની વાત ભાગ્યે જ થતી સંભળાય છે. હકીકતે કન્યા કેળવણી રથોના ભ્રમણ સાથે સાંકળીને જ શાળા પ્રવેશોત્સવનું આયોજન હાલના વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું હતું, પરંતુ અત્યારે કન્યા કેળવણી રથ કદાચ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ નથી લાગતું ?
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના શિક્ષણ મોડલની ટીકા કરતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકાર ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર છીનવી લેવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપના વિકાસ મોડલ પર પણ પ્રહારો કર્યા છે.
ભાજપનું વિકાસ મોડલ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સહિતના ગરીબોના બાળકો પાસેથી શિક્ષણનો હક્ક આંચકી રહ્યું હોવાનું જણાવી રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં પાંચેક હજાર સહિત દેશમાં વર્ષ ૨૦૧૪ પછી એટલે કે મોદી સરકારના શાસનમાં ૮૪ હજારથી વધુ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. મોટા ભાગની સ્કૂલો ઉત્તરપ્રદેશ, આસામ, અને મધ્યપ્રદેશ જેવી ભાજપ શાસિત સરકારોના શાસનમાં જ બંધ થઈ હોવાનો ગંભીર આરોપ પણ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો કે યુ.પી.એ. સરકારે રાઈટ ઓફ એજ્યુકેશન આપીને દરેક બાળકને શાળાએ લાવવાની જોગવાઈ કરી હતી, પરંતુ બંધારણમાં આપેલા શિક્ષણના અધિકાર અને યુ.પી.એ.ના રાઈટ ઓફ ઈન્ફર્મેશન સામે શાળાઓ બંધ કરીને ભાજપ સરકારે પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.
કેટલાક રિપોર્ટરોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સરકારી શાળાઓની સંખ્યામાં ૮%નો ઘટાડો થયો છે, જ્યારે ખાનગી શાળાઓમાં લગભગ ૧૫% જેટલો વધારો થયો છે, તેવી જ રીતે પછાતવર્ગોના સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ ઘણો જ ઘટાડો થયો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીના અભિપ્રાય મુજબ શિક્ષણનો હક્ક છીનવીને ભાજપ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરે બંધારણ મારફત આપેલા નાગરિક અધિકારોનું હનન કરી રહી છે. શિક્ષણ પદ્ધતિ નબળી પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં પચાસ થી ઓછા બાળકો ધરાવતી સ્કૂલોને નજીકની શાળાઓમાં મર્જ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, તેને ટાંકીને રાહુલ ગાંધીએ કરેલા પ્રહારોથી તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ યુ.પી.એ. સરકારના શાસનકાળની સ્થિતિ અને સુવિધાઓ વર્ણવીને વળતો જવાબ આપી રહ્યા છે, પરંતુ ઘણી ખાનગી શાળાઓ દ્વારા થતી ઉઘાડી લૂંટની સામે પ્રચંડ જનાક્રોશ કોંગ્રેસના નિવેદનોને યથાર્થ પૂરવાર કરી રહ્યો છે.
આ તરફ ગુજરાતમાં રાઈટ ઓફ એજ્યુકેશન હેઠળ કરાયેલી પ્રક્રિયાના આંકડાઓમાં સુસંગતતા નહીં હોવાનું બહાર આવ્યા પછી રાજ્યમાં આર.ટી.ઈ.ના અમલીકરણમાં સંભવિત ગરબડ-ગોટાળાની આશંકાઓ વધુ ઘેરી બની છે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ તડાપીટ બોલાવી છે.
જે ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ બસની પેઈડ સુવિધા આપે છે, તેના સંદર્ભે પણ ગંભીર ફરિયાદો ઉઠવા લાગી છે. શાળાઓ વેકેશન સહિતનું બસભાડુ એડવાન્સમાં વાલીઓ પાસેથી ઉઘરાવી લીધા પછી સ્કૂલ્ બસોમાં સલામતી, સુવિધાઓ તથા બાળકો અને વાલીઓ સાથે વ્યવહારના મુદ્દે હંમેશાં સવાલો ઉઠતા રહ્યા છે. જામનગરમાં તો ખાલી સ્કૂલ બસનું વ્હીલ જ નીકળી જતાં ખાંગી થઈ ગઈ હોવાના અહેવાલો પછી એવા સવાલો ઉઠયા કે આ દુર્ઘટના હાઈ-વે પર થઈ હોત, અને તેમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોત તો શું થાત ?
એક તરફ ગરીબોના બાળકોને આર.ટી.આઈ.નો લાભ સરળતાથી મળતો નહીં હોવાની કાગારોળ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ સુખી-સંપન્ન પરિવારના સભ્ય અને ભાજપના ધારાસભ્યના દીકરાને સરળતાથી મળી ગયો હોવાની ચર્ચા આજે જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, અને રાહુલ ગાંધીના સરકાર પરના પ્રહારો ટોક ઓફ ધ નેશન બન્યા છે...મેરા ભારત મહાન...જયજય ગરવી ગુજરાત...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial