Advertisement
Author: નોબત સમાચાર

આવો, વિશ્વ યુવા બળને એક જુથ કરીને વિશ્વ કલ્યાણ, માનવકલ્યાણ તથા પૃથ્વીનું જતન કરીએ

આજે વિશ્વ વસ્તી દિવસ

                                                                                                                                                                                                      

આજે વિશ્વ વસ્તી દિવસ અથવા વર્લ્ડ પોપ્યુલેશન ડે મનાવાઈ રહ્યો છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડાઓ મુજબ આપણો દેશ ચીનને ઓળંગીને જનસંખ્યામાં વિશ્વમાં નંબર વન બનવા જઈ રહ્યો છે, અને કોરોનાકાળના કારણે થંભી ગયેલી આપણા દેશની દસ વર્ષિય જનગણના (વસ્તી ગણતરી) હાથ ધરાયા પછી આવનારો ભારતની વસ્તીનો વાસ્તવિક આંકડો ખરેખર ચોંકાવનારો હશે, તેવું મનાય છે. બીજી તરફ આપણા દેશમાં હવે જાતિ આધારિત જનગણના થવાની છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે વધી રહેલા માનવકાળને આશીર્વાદરૂપ ગણવું કે બોજ ગણવો?

અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે વધતી જતી વસ્તી વિકાસના ફળોને ખાઈ જાય છે, અને ગરીબી વધવામાં આ પરિબળની મહત્તમ ભૂમિકા છે. તેની સામે વધી રહેલા માનવબળને એક તાકાત (શક્તિ) પણ માનવામાં આવે છે, અને વર્ષો સુધી સર્વાધિક વસ્તી ધરાવતા પડોશી દેશનું તેના સંદર્ભે દૃષ્ટાંત પણ આપવામાં આવે છે, અને ચીનની સમૃદ્ધિની આમ વિકાસશીલ દેશો સાથે હકારાત્મક અને નકારાત્મક ધોરણે સરખામણી પણ થતી રહે છે, જો કે વસ્તી નિયંત્રણ માટે ચીને અમલી બનાવેલા કડક નિયંત્રણોમાં હવે ધીમે ધીમે ઢીલ અપાઈ રહી હોવાના દાવા સાથે એક અલગ જ પ્રકારની ચર્ચા પણ થવા લાગી છે. ભારત અને ચીન વિશ્વમાં સર્વાધિક વસ્તી ધરાવતા દેશો હોવાથી આ બન્ને દેશો પાસે દુનિયામાં સૌથી વધુ માનવબળ છે, અને ભારતમાં યુવા માનવબળ ચીન કરતા ઘણું વધુ છે, તેથી ભારત પાસે તેનો સદુપયોગ કરીને આગળ વધવાની સંભાવનાઓ પણ વધુ છે.

દેશવાર જનસંખ્યાની ગણતરીની સાથે સાથે હાલમાં વિશ્વની વસ્તીનું વર્ગિકરણ આજ સુધી ધર્મના આધારે પણ ગણાતું રહ્યું છ ે, અને વર્તમાન સમયમાં ક્રિશ્ચિયન (ખ્રિસ્તી) ની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે, તેના પછીના ક્રમે મુસ્લિમ (ઈસ્લામ) ધર્મનું પાલન કરતી વસ્તી આવે છે. છેલ્લા તારણો મુજબ ખ્રિસ્તીઓની વસ્તી ઘટી રહી છે, અને મુસ્લિમોની વસ્તી વધી રહી હોવાથી બન્ને અગ્રીમ સમુદાયો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે અત્યારે આઠ અબજને ઓળંગીને વિશ્વની વસ્તી એકંદરે વધી જ રહી છે, તેની સામે કુદરતી સંસાધનો, જમીન, પાણી અને વાતાવરણ તથા પર્યાવરણનું પૃથ્વીની સંજીવની સમુ આવરણ મર્યાદિત છે.

વિશ્વમાં ત્રીજા ક્રમે હિન્દુઓની વસ્તી છે, પરંતુ કેટલાક વિશ્લેષકોનો દાવો એવો છે કે કોઈપણ ધર્મમાં જન્મ્યા પછી નાસ્તિક થનારા લોકોમાં ઉમેરો થઈ રહ્યો હોવાથી આજે નાસ્તિકોની જનસંખ્યા બે અબજ તરફ આગળ વધી રહી છે, અને હિન્દુઓની વસ્તી સવાસો કરોડથી ઓછી છે, જે ઘટી રહી છે. હિન્દુ ધર્મમાં માનનારા લોકો પછી બૌદ્ધ, યહુદી અને અન્ય ધર્મો આવે છે. હિન્દુ સમુદાયની વસ્તી ઘટી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આજે વિશ્વ વસ્તી દિને વસ્તી વધારા-ઘટાડાના કારણો સાથે વિવિધ દેશો તથા ધર્મોની તુલનાત્મક વિશ્લેષણ થઈ રહ્યું છે, અને એથી મોટો સવાલ એ પૂછાઈ રહ્યો છે કે વસ્તીમાં વધારો એ આશીર્વાદ છે કે અભિશાપ છે?

વર્ષ ર૦રપ ની વિશ્વ વસ્તી દિવસની થીમ 'યુવા વર્ગના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને સશક્ત બનાવીએ' તેવું એટલા માટે જ રખાયું હશે કે જે સમુદાયની વસ્તી વધી રહી છે, તેના યુવાવર્ગનો સદુપયોગ કરીને એકંદરે વિશ્વને સશક્ત, પ્રગતિશીલ અને સમૃદ્ધ બનાવીએ.

દર વર્ષે ૧૧ મી જુલાઈના વિશ્વ વસ્તી દિન મનાવાય છે, જેની શરૂઆત વર્ષ ૧૯૯૦ થી થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૧૯૮૯ માં દર વર્ષે વિશ્વ વસ્તી દિન મનાવવાની ઘોષણા કરી હતી, પરંતુ ૧૧ જુલાઈ ૧૯૯૦ થી આ ઉજવણી શરૂ થઈ હતી. હકીકતે વર્ષ ૧૯૮૭ માં વિશ્વની વસ્તી પાંચ અબજને આંબી ગઈ, ત્યારે આ ઉજવણી શરૂ થઈ હતી, અને આજે સાડાત્રણ દાયકા પછી આઠ અબજને વિશ્વની વસ્તી ઓળંગી ગઈ છે.

વર્લ્ડમીટર મુજબ તો અત્યારે જ ભારત વિશ્વમાં નંબર વન છે, અને તે મુજબ ભારતની વસ્તી ૧૪૬ કરોડથી વધુ બતાવાઈ રહી છે. બીજા ક્રમે ૧૪૧ કરોડ સાથે ચીન, ત્રીજા ક્રમે ૩૪ કરોડથી વધુ અમેરિકા, ચોથા ક્રમે ર૮ કરોડથી વધુ ઈન્ડોનેશિયા, પાંચમા ક્રમે રપ કરોડથી વધુ પાકિસ્તાન, છઠ્ઠા ક્રમે ર૧ કરોડથી વધુ નાઈઝીરિયા, સાતમા ક્રમે ૧૭ કરોડથી વધુ બાંગ્લાદેશ, આઠમા ક્રમે ૧૪ કરોડથી વધુ વસ્તી રશિયાની અને દસમા ક્રમે ૧૩ કરોડથી વધુ ઈથોપિયાની વસ્તી બતાવાઈ રહી છે.

આજે વિશ્વ ગણતરી દિવસે જુદી જુદી દૃષ્ટિએ વસ્તી વધારાની ચર્ચા થઈ રહી છે, અને વસ્તી-નિયંત્રણની જરૂરિયાત પણ જણાવાઈ રહી છે, ત્યારે પ્રવર્તમાન યુવા વસ્તીનો સદ્ઉપયોગ કરીને વસ્તી વધારાને આશીર્વાદરૂપ બનાવીએ, અને તમામ ધર્મ-સંપ્રદાય-વર્ગો તથા નાસ્તિક યુવાબળને એકજુથ કરીને જેઓ વિધ્વંશક અને નકારાત્મક માર્ગે જતા હોય, તેને સાચા રસ્તે વાળીએ તથા આતંકવાદ, નક્સલવાદ, ભેદભાવ તથા પ્રાન્તવાદ-સામ્રાજ્યવાદને મિટાવીને સાથે મળીને વિશ્વનું કલ્યાણ, માનવ કલ્યાણ અને પૃથ્વીનં જતન કરીએ, અન્યથા વિનાશક પ્રલય માટે તૈયાર રહીએ.

વિનોદ કોટેચા એડવોકેટ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh