Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"જયાં જયાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત, જયાં જયાં વસે હિંદુસ્તાની, ત્યાં ત્યાં વસે હિંદુસ્તાન"
આજે નવ જાન્યુઆરીના દિવસે આપણાં દેશમાં તથા વિદેશમાં ભારતીયો વસે છે, ત્યાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાઈ રહ્યો છે.
કોઈ એક પ્રદેશ-રાજ્ય કે કોઈ એક દેશની પ્રજા સાથે ભાઈચારા જેવી ઘનિષ્ઠતા એક ભારતીય સારી રીતે નિભાવી જાણે છે અને તે દેશની આર્થિક સદ્ધરતા માટે પણ ભારતીય ઔદ્યોગિક સાહસિકો અને વ્યાપારી લોકોએ પોતાની કુનેહથી ઘણી મદદ કરી છે. એવું કહીએ તો અતિશયોકિત નહિં ગણાય અને આ ઉપરાંત દરેક ભારતીયો કે જે પરદેશમાં રહે છે તે પોતાની માતૃભૂમિને નથી ભુલતો અને સમયાંતરે પોતાની જન્મભૂમિના વિકાસ માટે શકય એટલું આર્થિક યોગદાન આપતો રહે છે.
આજે જ્યારે ભારત માટે એવું કહેવાય છે કે તે ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે ત્યારે પરદેશમાં વસતા ભારતીયો (એનઆરઆઈ)ના યોગદાનની પણ યોગ્ય કદર કરવામાં આવતી રહે છે. છેલ્લાં થોડાં વર્ષોથી વિદેશની ધરતી પર ભારતીયોનો ત્યાંના રાજકારણમાં-રાજનીતિમાં પણ દબદબો પણ વધી રહૃાો છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. આટલી પ્રાથમિ રૂપરેખા આપવી જરૂરી એટલા માટે હતી કારણ કે, આજના સંદર્ભમાં આ અગત્યનું હતું. તા. ૮ થી ૧૦ જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાન ભુવનેશ્વર-ઓડીસામાં પ્રવાસી ભારતીય દિવસ ના ૧૮ મા સંસ્કરણની ઉજવણી થઈ રહી છે જેમાં એનઆરઆઈ (પરદેશમાં વસતા ભારતીયો)ને વિશિષ્ટ રીતે આવકારવામાં આવનારની સાથે સાથે અને ભારતના વિકાસની ગાથામાં તેઓના સહયોગ અને ભારત પ્રત્યેની લાગણીઓને ઉજાગર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શ્રી એલ.એમ. સિઘવીજીની અધ્યક્ષતામાં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભારતીય ડાયસ્પોરા પરની ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો અનુસાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ તા. ૮ જાન્યુઆરી-૨૦૦૨ના નવી દિલ્હીમાં એક જાહેર સમારંભમાં સમિતિનો અહેવાલ મેળવ્યો અને તા. ૯ જાન્યુઆરી-૨૦૦૨ના ''પ્રવાસી ભારતીય દિવસ''ની જાહેરાત કરી. આ દિવસનું એતિહાસિક મહત્ત્વ એટલા માટે છે કે આજથી બરાબર ૧૧૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૧૫ની સાલમાં ૯ જાયુઆરીના દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીજી ભારત પરત આવ્યા હતાં અને બસ ત્યારબાદ આઝાદીની ચળવળ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. સ્વ. અટલ બિહારી વાજપેયી દ્વારા જાહેર થયેલ આ દિવસની સૌ પ્રથમ વખતની ઉજવણી ઈ.સ. ૨૦૦૩ની સાલમાં થઈ. આ ઉત્સવની ઉજવણીમાં ભારત સરકારનું વિદેશ મંત્રાલય અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ભારતીય ઉદ્યોગ સંઘ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા પ્રાયોજિત છે.
અસાધારણ યોગ્યતા ધરાવતા એનઆરઆઈ-પીઆઈઓ વ્યક્તિઓના યોગદાનને ઓળખવા એનઆરઆઈ-પીઆઈઓ વ્યક્તિઓ કે જેમણે તેમના પસંદ કરેલા ક્ષેત્ર/વ્યવસાયમાં અસાધારણ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન કરવા માટે વિશેષ કાર્યક્રમો દ્વારા આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દરમ્યાન પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને પ્રવાસી ભારતીયોના વિવિધ મુદ્દાઓ અને તેઓની કોઈ ચિંતાઓ હોય તો તેની પણ ચર્ચા કરવા આ મંચ એક ઉતમ સ્થાન બની રહે છે જ્યાં તેઓ પોતાની હૃદયની આત્મીય વાતો પોતાના દેશના લોકો સામે રજુ કરી શકે છે અને આત્મ ગૌરવ મેળવે છે.સમયાંતરે યોજાતાં આવા એતિહાસિક દિવસની ઉજવણી દરમ્યાન વિવિધ મુદ્દાઓની તલસ્પર્શી ચર્ચાઓ થતી હોય છે અને ઉભયપક્ષે મદદરૂપ થવાની દિશા તરફ અગ્રેસર નિર્ણયો લેવાતા રહે છે. ઈ.સ. ૨૦૦૬ની સાલમા હૈદરાબાદમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયાની કલ્પના શરૂ કરવામાં આવી હતી જે એક વૈચારીક અભિગમ તરફ આગેકુચ સમાન બની. આવી જ રીતે ઈ.સ. ૨૦૧૦ ની સાલમાં ૮મો પ્રવાસી ભારતીય દિવસ યોજાયો હતો ત્યારે અને વિદેશી ભારતીય બાબતોના મંત્રાલયની એક સત્તાવાર વેબસાઇટ પર લાઇવ વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રવાસી ભારતીય દિવસ પર લાઈવ બ્લાગીંગ અને લાઇવ ટ્વીટીંગ દ્વારા સોશિયલ મીડિયા પર લાઇવ કવર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતની વિકાસગાથામાં ભાગીદારી કરવા માટે ડાયસ્પોરા સાથેના સંબંધોને મજબૂત કરવાના દૃષ્ટિકોણથી વિદેશી ભારતીયો માટે રોકાણ સુવિધાનું પ્લેટફોર્મ, ઓવરસીઝ ઈન્ડિયન્સ ફેસિલિટેશન સેન્ટરની શરૂઆત તત્કાલિન વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહજી દ્વારા કરવામાં આવી હતી.
પ્રવાસી ભારતીય ભવન
શ્રી એલ.એમ. સિંઘવીજીની આગેવાની હેઠળની ભારતીય ડાયસ્પોરા પરની એક ઉચ્ચસ્તરીય સમિતિએ જાન્યુઆરી ૨૦૦૨ની સાલમાં જ એક વિશેષ ભલામણ કરી હતી કે, સરકારે વિદેશી ભારતીયોના તેમના મૂળ સ્થાન અને એકબીજા સાથે જોડાણને નવીકરણ અને મજબૂત બનાવવું જોઈએ. ભારત અને તેના વિદેશી ભારતીય સમુદાય વચ્ચે નેટવર્કિંગ માટે કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવે તે માટે પ્રવાસી ભારતીય ભવનની સ્થાપના પણ કરવી જોઈએ જેના સંદર્ભમાં જાન્યુઆરી-૨૦૦૪માં આ ભલામણને આગળ વધારતા દિલ્હીમાં આયોજિત બીજા પ્રવાસી ભારતીય દિવસમાં, તત્કાલીન વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ જાહેરાત કરી કે સરકાર નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રની સ્થાપના કરશે. જાન્યુઆરી-૨૦૧૧માં ૯મા પ્રવાસી ભારતીય દિવસ દરમ્યાન આ કેન્દ્રનો શિલાન્યાસ તત્કાલિન વડાપ્રધાન સ્વ. ડો. મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો અને એપ્રિલ-૨૦૧૩માં બાંધકામ શરૂ થયું હતું.
સુષ્મા સ્વરાજ ભવન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીના અવસર પર નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર ભારતીય ડાયસ્પોરાના કલ્યાણ માટે સમર્પિત હતું. ઉદ્ઘાટન સમયે વડાપ્રધાએ જે કહૃાું તેનો સાર એ હતો કે, આપણે બીજી ઓક્ટોબરના મહત્ત્વપૂર્ણ દિવસે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી રહૃાા છીએ. પૂ.ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય ભલે લીધી પરંતુ રાષ્ટ્રની હાકલ તેમને પાછા લાવ્યા મતલબ કે, તેઓના ભારતના આગમનની યાદમાં જ આપણે આજે પ્રવાસી ભારત દિવસની ઉજવણી કરી રહૃાા છીએ. પ્રવાસી ભારતીય કેન્દ્ર, નવી દિલ્હીમાં રાજધાનીના હ્ય્દયમાં સ્થિત પ્રવાસી ભારતીય કેન્દ્ર વિદેશી ભારતીય સમુદાય અને વિશ્વના વિવિધ ભાગોમાં તેમના સ્થળાંતર, તેઓએ વિદેશમાં જે પડકારોનો સામનો કર્યો તેમની સિદ્ધિઓ અને યોગદાનની યાદમાં એક શ્રધ્ધાંજલિ છે. સમય જતાં કેન્દ્ર ભારત અને તેના ડાયસ્પોરા વચ્ચે ટકાઉ, સહજીવન અને પરસ્પર લાભદાયી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જોડાણ માટે પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકસિત થવાની અપેક્ષા છે. ભારતીય ડાયસ્પોરાને લગતી પ્રવૃત્તિઓ, પરિસંવાદો, કાર્યક્રમો, વર્કશોપ અહીં યોજવામાં આવે તેવી અપેક્ષા છે. ભારતના સ્વ.સુષ્મા સ્વરાજ કે જેઓએ વિદેશ પ્રધાન તરીકે અમુલ્ય સેવાઓ આપી હતી તેઓના સન્માનમાં આ ભવનનું ''સુષ્મા સ્વરાજ ભવન'' નામકરણ કરવામાં આવ્યું છે.
પ્રવાસી ભારતીય સન્માન
પ્રવાસી ભારતીય સન્માન (ઓવરસીઝ ઈન્ડિયન એવોર્ડ) એ વિદેશી ભારતીયો માટેનો સર્વોચ્ચ ભારતીય પુરસ્કાર છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.
પુરસ્કાર માપદંડઃ- પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એનાયત કરવા માં આવે છે જેમાં ભારતની સારી સમજણ, ભારતના કારણો અને ચિંતાઓને મૂર્ત રીતે સમર્થન, ભારત, વિદેશી ભારતીય સમુદાય અને તેમના રહેઠાંણના દેશ વચ્ચે ગાઢ સંબંધોનું નિર્માણ, ભારત અથવા વિદેશમાં સામાજિક અને માનવતાવાદી કારણો, સ્થાનિક ભારતીય સમુદાયનું કલ્યાણ, પરોપકારી અને સખાવતી કાર્ય અને કોઈના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિતતા અથવા ઉત્કૃષ્ટ કાર્ય, જેણે રહેઠાંણના દેશમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે; અથવા કૌશલ્યોમાં પ્રતિષ્ઠા જેણે તે દેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે (બિન-વ્યાવસાયિક કામદારો માટે) પણ વધારી છે.
પ્રવાસી ભારતીય દિવસ સંમેલન
પ્રવાસી ભારતીય દિવસ સંમેલન એ ભારત સરકારની મુખ્ય ઈવેન્ટ છે જે ભારતીય ડાયસ્પોરા સાથે જોડાવા અને સંલગ્ન થવા અને તેઓને એકબીજા સાથે વાર્તાલાપ કરવામાં સક્ષમ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરૃં પાડે છે. આ સંમેલનની થીમ ''વિકસીત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન'' છે. આ થીમ વિકસિત રાષ્ટ્ર બનવા તરફની ભારતની યાત્રાને આકાર આપવામાં ભારતીય ડાયસ્પોરાની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. તેમની કુશળતા, સંશાધનો અને વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરીને, એનઆરઆઈ અને પીઆઈઓ નવીનતાઓને ચલાવવા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને ભારતની વૈશ્વિક સ્થિતિને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૯ જાન્યુઆરીના આ સંમેલનનું ઉદ્દઘાટન થયા પછી ક્રિસ્ટીન કાર્લા કંગાલુ, ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તેમાં મુખ્ય અતિથિ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન પછી આવતીકાલે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૧૦ જાન્યુઆરીના આ સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે અને તેઓ ભારતીય ડાયસ્પોરાના પસંદગીના સભ્યોને તેમની સિદ્ધિઓને ઓળખવા અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનને સન્માનિત કરવા માટે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરશે.
યુવા પ્રવાસી ભારતીય દિવસ તા. ૮ જાન્યુ.ના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની ભાગીદારીમાં યોજાયું. ન્યૂઝવીકના સીઈઓ ડો. દેવ પ્રાગડ યુવા પ્રવાસી ભારતીય દિવસના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આવો સૌ, ભારતીયો પોતાના પ્રિયજનો સમા વિદેશમાં રહેતા પણ દિલ હૈ હિંદુસ્તાની એવા ભારતીયોને આજના આ પ્રવાસી ભારતીય દિવસના ઉપલક્ષમાં હૃદયના ઉંડાણથી આવકારીએ. ભારતના ગૌરવને આપ સર્વે જે રીતે વિશ્વફલક પર ઉજાગર કરી રહૃાા છો તેના માટે અઢળક અભિનંદનની સાથે આવો ભારતના ઉજળા ભવિષ્યની કામનાઓ સાથે પુનઃ એક યાદગાર અને દૈદિપ્યમાન દિવસની ઉજવણી સૌ સાથે કરીએ અને ભગવાન શ્રી જગ્ગનાથજીના આશીર્વાદની સાથે પુરીના દરિયા કિનારે કંડારેલા નવા રેત શિલ્પની સાથે એક યાદગાર સેલ્ફી લઈ ભારતની મીઠી મધુરી સુવાસ અને યાદો સાથે જીવનપથ પર અગ્રેસર થઈને જીવનની ધન્યતા અનુભવીએ.
:: સંકલન અને રજુઆત ::
કિરીટ બી. ત્રિવેદી, ગાંધીનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial