Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતી આદેશનો ઉલાળિયો થાય, ત્યારે ન્યાયની દેવી ત્રીજુ નેત્ર ખોલે છે!
આપણે ૧૪ એપ્રિલે ભારતના ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતી ઉજવી, અને આ જ સમયગાળામાં દેશની કેટલીક હાઈકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના કેટલાક એવા ફેંસલાઓ આવ્યા, જે 'જરા હટ કે' હતાં અને બંધારણના અનુપાલન અને અવગણનાની રાજકીય રમત રમી રહેલા રાજકીય પક્ષો, સરકાર અને વિપક્ષ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને સંસ્થાઓ, સંગઠનો અને વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોને પણ ઢંઢોળનારા હતાં. આપણે અહીં રાજનીતિ કે વાદ-વિવાદની વાતો નથી કરવી, કારણ કે આ સમયગાળાના અદાલતી જે ફેંસલાઓ આવ્યા, ટિપ્પણીઓ થઈ કે ટકોરો થઈ, તે પબ્લિક ડોમેનમાં જ છે, અને તે સર્વસ્પર્શી, સર્વગ્રાહી અને વ્યાપક છે.
ટૂંકમાં જ્યારે જ્યારે અદાલતી આદેશોનો ઉલાળિયો થાય, અવગણના થાય, ગેરશિસ્ત થાય, પ્રોટોકોલનો ભંગ થાય કે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થાય ત્યારે અદાલતો કોઈપણ વ્યક્તિવિશેષ હોય કે તંત્ર હોય, સમાજ હોય કે સંગઠન હોય, શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, નેતા હોય કે કોઈપણ ચમરબંધી હોય, વકીલ હોય કે જજ હોય, દોષિતની સામે ન્યાયસંગત તથા કડક કદમ ઊઠાવાતા જ હોય છે. સમતોલ ત્રાજવું લઈને ઊભેલા ન્યાયના દેવીની આંખે ભલે પાટો બાંધેલો હોય, પરંતુ જ્યારે તેને અન્યાય, અત્યાચાર, આતંક કે અનૈતિક્તાની આહટ સંભળાય, દેશની એક્તા, અખંડિતતા કે સાર્વભોમત્વ સામે ષડ્યંત્રોની ગંધ આવે કે પછી રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ ઊભો થાય, ત્યારે આ જ ન્યાયના દેવી ત્રીજુ નેત્ર ખોલે છે અને મેલી મુરાદોને બાળીને ભસ્મ કરી નાખે છે, તે પણ નક્કર હકીકત જ છે ને?
ન્યાયતંત્ર પર ભરોસો
આઝાદી મળી, તે પછી ઘણી વખત આપણું ન્યાયતંત્ર પણ કસોટીની એરણે ચડ્યું છે, અને પડકારોનો સામનો પણ કરવો પડ્યો છે. દેશની જનતાને ન્યાયતંત્ર પર જે ઐશ્વરિય ભરોસો છે, તે જાળવી રાખવાની જવાબદારી પણ ન્યાયતંત્ર ખુદ જ નીભાવી રહ્યું છે, ખરૃં ને?
પાતળી ભેદરેખા
આપણે ન્યાયસંગત વાત કરીએ, તો કેટલીક પ્રક્રિયાઓને પણ સમજવી પડે. ઘણાં લોકો જાણ કરવી, સહમતિ મેળવવી અને મંજુરી લેવી, એ પ્રક્રિયાઓ વચ્ચેનો ફરક સમજતા હોતા નથી, અને તેથી ઘણી વખત વહીવટી, હિસાબી અને ન્યાયિક પ્રક્રિયાઓમાં પણ ગરબડ ઊભી થઈ જતી હોય છે.
મંજુરી મેળવવી અથવા મંજુરી આપવી, એમાં કોઈપણ વિષયને તદ્વિષયક નિયમો, પરંપરા, કાનૂન કે બંધારણ અનુસાર, અધિકૃત અનુમોદન આપવું. આ પ્રકારની મંજુરી વ્યક્તિગત, સામૂહિક કે સંસ્થાકીય પણ હોઈ શકે છે.
સહમતિ મેળવવી અને કોઈ વિષય પર દ્વિપક્ષીય, સામૂહિક કે સંસ્થાકીય સહમતિ મેળવવી. આ શબ્દ પણ મંજુરી જેવો જ છે, પરંતુ તેમાં નિયમો કે કાનૂન જેટલું ફરજિયાતપણું હોતું નથી, એટલે કે સહમતિ મેળવીને કે સહમતિ આપીને તેને સંબંધકર્તા પક્ષો વળગી જ રહેશે, તેવો પરસ્પર વિશ્વાસ હોય છે. સહમતિ આપ્યા પછી કોઈ ફરી જાય બને, પરંતુ મંજુરી આપ્યા પછી તેમાંથી સરળતાથી ફરી શકાતું નથી, પરંતુ પ્રક્રિયાત્મક કે કાનૂની રીતે અપાયેલી મંજુરી રદ્ કરવી પડતી હોય છે, જો કે હું માનું છું કે, તેમાં ચર્ચાને અવકાશ રહે છે.
સામાન્ય રીતે કોઈપણ પ્રક્રિયા, નિર્ણય કે ઘટનાની જાણ કરવાની કાર્યવાહી વિવિધ વ્યવહારોમાં થતી જ હોય છે. કોઈ નિર્ણય લેવાયો હોય, તો તેની જાણ સંબંધકર્તા સૌ કોઈને કરવામાં આવે છે. કોઈ રજૂઆત કરાઈ હોય, આવેદનપત્ર અપાયું હોય કે પત્રવ્યવહાર કરાયો હોય, તો તેની નકલો જાણ માટે સંબંધકર્તા સૌ કોઈને મોકલાતી હોય છે. આ રીતે કરાયેલી જાણ મોકલનાર તથા મેળવનાર બન્નેને બંધનકર્તા હોય છે, પરંતુ તેમાં મંજુરી અને સહમતિ જેટલું વજન હોતું નથી.
સુક્ષ્મ તફાવત
ઘણાં લોકો મંજુરી, સહમતિ અને જાણ કરવાની પ્રક્રિયા વચ્ચેનો બારિક તફાવત સમજતા હોતા નથી, તેમાંથી ઘણી વખત રમૂજી ગરબડો સર્જાતી હોય છે, તો ઘણી વખત કાનૂની ગુંચવાડા કે ગંભીર ગેરસમજણો પણ ઊભી થઈ જતી હોય છે, તેથી આ સુક્ષ્મ તફાવતને પારખી લેવો સૌ કોઈ માટે હિતાવહ છે.
સહમત એટલે સમાન મત, જે બે વ્યક્તિ, સમૂહ કે સંગઠન-સંસ્થાઓ વચ્ચેના મંતવ્યોની એકરૂપતા દર્શાવે છે, જ્યારે મંજુરી એટલે કોઈ એક પ્રસ્તાવ, મંતવ્ય કે મુસદ્દાને અધિકૃત કરવો. મંજુરીમાં સહમતિ આવી જાય છે અને પૂરેપૂરી જાણકારી હેઠળ મંજુરી મંગાતી કે અપાતી હોય છે.
ઘણાં લોકો માત્ર જાણ કરવાને સામેની વ્યક્તિની સહમતિ માની લેતા હોય છે, જ્યરે કેટલાક લોકો સહમતિને મંજુરી ગણી લેતા હોય છે, પરંતુ તેમાં રહેલા સુક્ષ્મ તફાવતની તીરાડ મોટી થતી હોય છે, ત્યારે અનર્થો સર્જાઈ શકતા હોય છે.
કાનૂનની દૃષ્ટિએ તફાવત
આ ત્રણેય શબ્દાર્થો વચ્ચે માત્ર વ્યવહારોમાં જ નહીં, કાનૂનની દૃષ્ટિએ પણ તફાવત હોય છે, પરંતુ સહમતિ, મંજુરી કે જાણ હેઠળ થતા ગેરકાનૂની કૃત્યોને આ સંરક્ષણ મળતું નથી. કોઈની જાણ હેઠળ કોઈ ગેરકાનૂની કૃત્ય થયું હોય, કોઈની સહમતિથી થયું હોય કે મંજુરી અથવા આદેશથી ગેરકાનૂની કૃત્ય થયું હોય તો તેમાં ગુન્હાની ગંભીરતા ઘટી જતી નથી. આ ત્રણેય શબ્દોના અર્થઘટનો કાનૂનમાં જે-તે કેસ, ઘટના કે વિષય પર અવલંબિત રહે છે.
બહુમતી અને સર્વસંમતિ
આપણા દેશમાં લોકતંત્ર છે અને લોકતંત્રમાં બહુમતિથી ફેંસલા લેવાતા હોય છે. દેશમાં સરકારો બહુમતિથી બને છે અને ચોક્કસ પ્રકારની બહુમતિથી પ્રક્રિયાઓ તથા કાયદાઓ પણ નિર્ધારિત થતા હોય છે, પરંતુ બહુમતિમાં સર્વસંમતિ જેટલી મજબૂતી હોતી નથી.
સર્વસંમતિથી લેવાતા તમામ નિર્ણયો શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ જો આ નિર્ણયો અયોગ્ય, અનૈતિક કે ગેરકાનૂની હોય તો તેવી સર્વસંમતિ પણ અનિચ્છનિય જ ગણાયને?
યુનોમાં સુરક્ષા પરિષદમાં સર્વસંમતિના એક નિયમના કારણે જ ચીન જેવા દેશના લુચ્ચા શાસકો અવારનવાર 'વીટો' વાપરતા હોય છે. આ સર્વસંમતિની સિક્કાની બીજી બાજુ છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial