Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ગુરૂપૂર્ણિમા છે, અને જામનગર-હાલાર સહિતના વિશ્વભરમાં ભારતીયો જ નહીં, અન્ય દેશોના સનાતનીઓ પણ આજે ગુરૂપૂજન કરી રહ્યા છે. જૂના જમાનામાં શિક્ષણ વ્યવસ્થાઓ આપણાં દેશમાં ઋષિ-મૂનિઓ પાસે હતી, જે અત્યારે શાસન હસ્તક છે., પરંતુ જે શિક્ષણ આપે કે સંસ્કારો આપે, તે તમામ ગુરૂજનોનો આજે મહિમાગાન થાય છે.
અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરૂવર્ય વેદવ્યાસજીની જયંતીને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસે ગુરૂ પ્રત્યે સન્માન-આદર અને જીવન-શિક્ષણ-સંસ્કાર આપવા બદલ આભારદર્શનનો હોવાથી તેનું ભારતીય સંસ્કૃતિમાં અદકેરૃં મહત્ત્વ છે. વેદવ્યાસજીએ અઢાર પુરાણ, શ્રીમદ્ ભાગવત, મહાભારત અને બ્રહ્મસુત્ર સહિતના ગ્રંથોની રચના કરી હતી, જે સનાતન ધર્મની બુનિયાદ છે.
ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉત્સવ...આ દિવસે શિષ્યો પોતાના ગુરૂજનોના આશીર્વાદ મેળવે છે અને શિક્ષકો, પ્રોફેસરો તથા શિક્ષણ આપનાર મહાપુરૂષોનું બહુમાન કરાય છે; તેવી જ રીતે આધ્યાત્મિક-ધાર્મિક પથદર્શન કરતા ધર્મગુરૂઓનું પૂજન પણ આજના દિવસે થાય છે. એક દૃષ્ટિએ આ દિવસ પ્રાચીનકાળથી લઈને અર્વાચીન કાળના ગુરૂજનોને સમર્પિત છે, અને શિષ્યો તથા શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ તથા અનુયાયીઓ પારંપરિક ગુરૂપૂજન તથા પોતાના પ્રવર્તમાન ગુરૂજનો પ્રત્યે પણ આદર અને આભાર વ્યક્ત કરે છે.
આજે યુગ બદલાયો છે. શિક્ષણ પદ્ધતિ પણ બદલાઈ રહી છે. ગુરૂ-શિષ્ય પરંપરા જળવાઈ પણ રહી છે અને તેમાં આધુનિકતા પણ આવી રહી છે. આજે શાળા-કોલેજના ગુરૂજનો, યોગગુરૂઓ, ડીજિટલ ક્ષેત્રના ગુરૂજનો તથા વિવિધ ક્ષેત્રના તજજ્ઞ ગુુરૂજનોને યાદ કરીને તમામના યોગદાનને બિરદાવવુ જ જોઈએ.
બીજી દૃષ્ટિએ જોઈએ, તો આજે ગુરૂ-શિષ્ય પરંપરા પહેલાની જેમ જળવાઈ રહેલી જણાતી નથી., ધર્મ-સંપ્રદાયો અને આધ્યાત્મિક ક્ષેત્રે તો ગુરૂજનો તથા અનુયાયીઓની પારંપારિક પ્રથાઓ, રિત-રિવાજો તથા આદર-માન સન્માન કાંઈક અંશે જળવાઈ રહ્યા છે, પરંતુ આધુનિક શિક્ષણ પ્રણાલિમાં એ પારસ્પરિક માન-સન્માન-આદર તથા વહાલ-વાત્સલ્ય જળવાઈ રહ્યા છે ખરા ? તે પ્રશ્નનો જવાબ શોધવો પડે તેમ છે અને ચિંતન કરવું પડે તેમ છે.
ઘણી પ્રાચીન પરંપરાઓમાં સુધારણાઓ જરૂરી હતી, જે થઈ રહી છે, તેવી જ રીતે અર્વાચીન પરંપરાઓમાં પણ મૂળભૂત સંસ્કારો અને સંસ્કૃતિ વિસરાવી ન જ જોઈએ, પરંતુ વાસ્તવમાં તેવું બની રહ્યું છે ખરૃં ?
પહેલા ધર્મ, આધ્યત્મ, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન ઋષિ-મુનિઓ કરતા, જે આજે ધર્મ-આધ્યાત્મ તથા શિક્ષણ-તાલીમના અલગ-અલગ ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા છે, અને જીવનલક્ષી શિક્ષણ હવે કારકીર્દિ અથવા વ્યવસાયલક્ષી બન્યું છે, તેવી ચર્ચાઓમાં પણ વજૂદ છે, યુગ બદલાયો છે, તેની સાથે પરંપરાઓ અને પદ્ધતિઓ પણ બદલી ગઈ છે.
આપણે માતાને જીવનનો સર્વપ્રથમ અને જીવનપર્યંતનો સર્વોચ્ચ ગુરૂ માનીએ છીએ. એમ પણ કહી શકાય કે જન્મ દેનાર માતા-પિતા જીવનના પ્રારંભિક ગુરૂ છે. તે પછી પૂર્વ-પ્રાથમિક થી લઈને ઉચ્ચ-સર્વોચ્ચ કક્ષાઓ સુધીના શિક્ષણ આપનાર તમામ શિક્ષકો, પ્રોફેસરો, ફેકલ્ટીઓ તથા તજજ્ઞોને પણ ગુરૂજનો ગણાવી શકાય. તે ઉપરાંત જે આધ્યાત્મિક ગુરૂ આપણને નૈતિકતા અને સામાજિક મૂલ્યો સમજાવે અને આધ્યાત્મિક શિક્ષણ આપે, અને દીક્ષા આપે તે દીક્ષાગુરૂઓ કહેવાય. તે ઉપરાંત યોગ ગુરૂ, બ્રહ્મોનિષ્ઠ ગુરૂ, તંત્ર-મંત્ર શિખવનાર ગુરૂ, ચંદન ગુરૂ, યોગી ગુરૂ વગેરે ધર્મ-આધ્યાત્મ-વિદ્યાઓ ક્ષેત્રના ગુરૂઓ તથા આધુનિક યુગમાં શિક્ષક, પ્રોફેસર, વિશેષજ્ઞ, માર્ગદર્શક, એડવાઈઝર, એડ ગુરૂ, ડીજિટલ ગુરૂ તથા કલા ગુરૂ જેવા પ્રકારો પણ ગુરૂની શ્રેણીમાં ગણાવાય છે.
આપણાં શાસ્ત્રો મુજબ ચંબક ગુરૂ, ચંદન ગુરૂ, પારસ ગુરૂ અને ભૃંગી ગુરૂ એવા ચાર પ્રકાર ગણાવ્યા છે. તે ઉપરાંત વર્તમાન યુગમાં સંગીત ગુરૂ, નૃત્ય ગુરૂ, આધ્યાત્મ ગુરૂ, ધર્મ ગુરૂ જેવા પ્રકારો પણ આ શ્રેણીમાં ગણાવાય છે. શાળા-કોલેજોમાં શિક્ષણ આપતા અધ્યાપકો, પ્રાધ્યાપકોને સૂચક ગુરૂ, કથાકારો, વ્યાખ્યાનકારોને વાચક ગુરૂ, ધર્મ-આધ્યાત્મનું પ્રાસંગિક જ્ઞાન આપતા વક્તાઓને બોધક ગુરૂ અને કેટલાક નકારાત્મક હેતુઓ માટે તાંત્રિક વિદ્યા શિખવનારને નિષિદ્ધ ગુરૂ કહેવાય છે; નિષિદ્ધ ગુરૂથી અંતર રાખવાની સલાહ પણ અપાતી હોય છે. આપણાં શાસ્ત્રો મુજબ વશિષ્ઠ, વિશ્વામિત્ર, કશ્યપ, અત્રિ,ગૌતમ, મહર્ષિ, જમદગ્નિ અને ભારદ્વાજ ઋષિને સપ્તર્ષિ ગણાવાયા છે. એ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ રાજગુરૂઓ હોય છે, જે રાજા-રજવાડાઓને પથદર્શન કરતા હતા. લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજકીય પાર્ટીઓના સ્થાપકો વગેરેને પણ રાજકીય ગુરૂ ગણવામાં આવે છે.
કેટલાક સંપ્રદાયોમાં ગાદીપ્રથા મૂજબ ગુરૂજનો ગાદી સંભાળે છે, તો જગદ્ગુરૂઓની પરંપરા પણ છે, ગુરૂજનોનો આદર કરવાના આજના દિવસે તમામ પાવન ગુરૂઓને વંદન...
આજનો યુગ પ્રોફેશનાલિઝમ તથા પેકેજીસ આધારિત થઈ ગયો છે, ત્યારે ગુરૂ-શિષ્ય પરંપરા પ્રમાણો અને આયામો પણ બદલી રહ્યા છે અને માન, સન્માન, આદર તથા ગુરૂત્વના માપદંડો પણ બદલાઈ ગયા છે.
ત્યાગની બુનિયાદ પર ગુરૂપરંપરા પ્રસ્થાપિત થઈ હોય, ત્યાં વાદ-વિવાદને જગ્યા જ ન હોય. આજના યુગમાં તો ગુરૂઓ અને શિષ્યોની પરિભાષા જ જાણે બદલી રહી હોય તેવું જણાય છે.
રાજકીય અને વ્યાપાર-ઉદ્યોગ-કોર્પોરેટ ક્ષેત્રે તો એવા ઘણાં દૃષ્ટાંતો મળી આવશે, જેમાં ગુરૂની આંગળી પકડીને આગળ વધેલા શિષ્યો એ જ ગુરૂઓને હાસિયામાં ધકેલી દેતા હોય. આજના યુગમાં ગુરૂત્વ ની ગરિમા જાળવી રાખવાની જવાબદારી ગુરૂજનોની છે, તેવી જ રીતે શિષ્યત્વની ગરિમા તથા પવિત્રતા જાળવી રાખવાની જવાબદારી પણ સૌ કોઈની છે.
આજે ગુરૂપૂર્ણિમાના પાવનપર્વે ગુરૂજનોને વંદન કરીને વિશ્વકલ્યાણ તથા સર્વજન હિતાય, સર્વજન સુખાયની ભાવના વ્યક્ત કરીએ...
ગુરૃઃ બ્રહ્મા, ગુરૃઃ વિષ્ણુ, ગુરૃઃ દેવો મહેશ્વર,
ગુરૃઃ સાક્ષાત્ પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial