Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અણઘડ આયોજનના પરિણામે પ્રજાને પરેશાની થાય તેવા 'ખેલ' ન થાય તો સારૂ!
જામનગર તા. ૧૦: જામનગર શહેરના સુપ્રસિદ્ધ શ્રાવણી સોમવાર-અમાસ તેમજ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન ક્યાં કરવું? આ ખૂબ જ પેચીદા પ્રશ્ને મહાનગર પાલિકા તંત્રમાં ભારે ગડમથલ ચાલી રહી છે.
પ્રદર્શન મેદાનમાં અડધા ઉપરાંતના ભાગમાં હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડ કાર્યરત છે અને આ બસ સ્ટેન્ડમાં ર૪ કલાક દરમિયાન અને ખાસ કરીને સવારથી રાત્રિ સુધી અસંખ્ય બસોની અવરજવર રહે છે. જેના કારણે સમગ્ર મેદાનમાં ઉતારૂઓ, તેમને તેડવા-મૂકવા આવનારા લોકોની ભીડ રહે છે. બસોને સ્ટેન્ડમાં ગોઠવી, પાર્ક કરવી, અંદર-બહાર નીકળવું જેવી સતત પ્રક્રિયાના કારણે તેમજ ઉતારૂઓની ભીડના કારણે આખું મેદાન ચિક્કાર જ રહે છે. તેમાં વળી બસ સ્ટેન્ડની બહારના માર્ગો પર રેંકડીવાળા, રિક્ષાવાળાના જમેલા ખડકાયેલા રહે છે. બસ સ્ટેન્ડની સામેની બાજુ બસોના ઢગલા પાર્ક થયેલા હોય છે, ત્યાં પણ રેંકડી-પથારાવાળા જોવા મળે છે.
આ થઈ પ્રદર્શન મેદાનની પ્રવર્તમાન પરિસ્થિતિની... હવે પ્રદર્શન મેદાનની બરાબર સામે કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ વાસ્તવિક રૂપે પ્રદર્શન ગ્રાઉન્ડ જેટલું વિશાળ તો નથી જ. આ મેદાન ફરતે શાળા-કોલેજો આવેલી છે. એટલું જ નહીં, આ મેદાન લોકમેળાનો બીજો ભાગ કરી શકાય તેવી સુવિધા તો ધરાવતું નથી, કારણ કે તહેવારોમાં માત્ર જન્માષ્ટમીના બે-ચાર દિવસની જાહેર રજા હોય, શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તથા બાકીના દિવસોમાં અહીંની શાળા-કોલેજોમાં રજા રાખવી પડે. આ ઉપરાંત આ મેદાનમાં સૌથી મોટી સમસ્યા એન્ટ્રી-એક્ઝિટ ગેઈટની છે. જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય તેવી જગ્યાએ અંદર જવાના-બહાર નીકળવાની વ્યવસ્થા આ મેદાનમાં કેવી રીતે થઈ શકે? આ મેદાનની રસ્તા તરફની દીવાલ તોડીને પણ હંગામી ગેઈટ બનાવી શકાય તેમ નથી.
ચોમાસાની સિઝનમાં ૪.પ ઈંચ એકધારો વરસાદ વરસે કે પાછલું તળાવ છલકાય જાય તો તેના પાણી આ મેદાનમાં પૂર જેમ આવે છે અને મેદાન પાણી-પાણી થઈ જાય છે.
જાણવા મળતી વિગતો મુજબ મહાનગરપાલિકાનું તંત્ર અડધો મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં અને અડધો મેળો કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં કરવા વિચારણા કરી રહ્યું છે, પણ જો આવું આયોજન કરવામાં આવશે તો લોકમેળાનો આનંદ માણવા આવેલ લોકો, તેમના પરિવ્ર-બાળકોને અનેક અસુવિધાઓ, અવ્યવસ્થા, ભીડ, ધક્કામૂક્કી જેવી પરેશાનીઓનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાય શકે છે.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભલે દર વર્ષે લોકમેળા યોજાતા હોય તેમ છતાં લોકોની સલામતિને ધ્યાને લઈને પ્રદર્શન મેદાન તેમજ કોમર્સ કોલેજના મેદાનની જમીનના સેમ્પલ ચકાસણી કરવી જ પડશે. ગત્ વર્ષે લોકમેળામાં કેટલીક મોટી રાઈડોને મેળા પૂરા થઈ ગયા ત્યાં સુધી ટેકનિકલ કારણોસર અને સુરક્ષાને ધ્યાને લઈને પરફોમન્સ લાયસન્સ મળ્યા જ નહતાં.
અત્યારે તો પ્રદર્શન ગ્રાઉન્ડના એક ખૂણા તરફ ખાનગી મીનીમેળો ચાલી રહ્યો છે, પણ શ્રાવણ મહિનામાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં કોઈપણ ખાનગી પાર્ટીને મેળો યોજવા કે રાઈડો ઊભી કરવાની મંજુરી આપવી જોઈએ નહીં. જો એટલો ભાગ ખાનગી મેળા માટે ભાડે આપવો જ હોય તો તે માટે પણ જાહેર હરાજીની પ્રક્રિયા કરવી જોઈએ તેવું કેટલાક અન્ય રાઈડ સંચાલકોએ જણાવ્યું હતું.
ટૂંકમાં આજે દસ જુલાઈ થઈ ગઈ છે, અષાઢ મહિનાની પૂનમ છે અને હવે શ્રાવણી મેળાના આયોજન માટે, હરાજીની પ્રક્રિયા વગેરે માટે પણ સમય ટૂંકો થઈ રહ્યો છે. હજી મેળાનું સુચારૂ, યોગ્ય અને સલામત સ્થળ પણ હજુ સુધી નક્કી થયું નથી, તેથી મેળાના આયોજન અંગે હજી પણ પ્રશ્નાર્થ યથાવત્ જ છે... ઉતાવળમાં માત્ર મળતિયાઓને કમાવી દેવા, આડેધડ મોટા ખર્ચ બતાવીને તગડી કમાણી કરી લેવાવાળાના લાભાર્થે અણઘડ આયોજન થઈ ન જાય તે જોવાની જવાબદારી મનપા તંત્રની છે અને તેમાં સૌથી મહત્ત્વની અને પ્રાથમિક્તાવાળી બાબત લોકોની સલામતી અને લોકોની સુવિધાને ધ્યાનમાં લઈને જ આયોજન થાય તે જરૂરી છે, નહીંતર પ્રજા પરેશાન થશે. જો દરકાર નહીં લેવાય તો?
થર્ડ અમ્પાયરઃ
(ડીઆરએસ રીવ્યુ):
તહેવારોની રજામાં રાબેતા મુજબ કરતા અનેકગણો ટ્રાફિક એસ.ટી. બસોમાં રહે છે. જામનગરના તહેવારોમાં હંગામી બસ સ્ટેન્ડ પણ ટૂંકું પડે તેવી સ્થિતિ સર્જાય નહીં તો જ નવાઈ!
જામનગરમાં રપ-૩૦ વર્ષોથી શાસન પર કબજો જમાવીને સત્તા ભોગવી રહેલ ભાજપના અત્યાર સુધીના કોઈ પદાધિકારી કે પક્ષના અન્ય કોઈ રાજકીય નેતાઓ જામનગરની પ્રજા માટે લોકમેળા જેવા આયોજન થઈ શકે તેવું વિશાળ મેદાન કે તેવી જગ્યા અનામત રાખવા જેટલી દૂરંદેશી દર્શાવી નથી... અને તેનું કમનસીબ પરિણામ આપણે આજે અનુભવી રહ્યા છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial