| | |

ગુજરાતમાં શરાબની રેલમછેલઃ બે વર્ષમાં રૃપિયા અઢીસો કરોડનો દારૃ પકડાયોઃ આવે છે ક્યાંથી?

ગાંધીનગર તા. ૧રઃ ગુજરાતમાં દારૃની રેલમછેલ છે, અને કુપોષણના ક્ષેત્રે પણ ગુજરાતની હાલત બદતર છે, ત્યારે સરકાર પર તડાપીટ બોલી રહી છે.

ગરવું ગુજરાત દેશનું પણ ગૌરવ છે અને મોહનદાસ કરમચંદ ગાંધી જેવી મહાન વિભૂતિએ આ રાજ્યમાં જન્મ લીધો હતો, જેઓ પછીથી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બન્યા હતાં. દેશને આઝાદી પછી એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતની જ ગૌરવભૂમિનું સંતાન હતાં.

અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં ધારાસભ્યોના પ્રશ્નોના મંત્રીઓ દ્વારા અપાઈ રહેલા જવાબોમાંથી ઘણી નવી જાણકારી મળી રહે છે. કેટલીક બાબતોમાં તો મંત્રીઓના મૂખેથી અપાતા કે લેખિતમાં પાઠવાતા જવાબોમાંથી સરકારના દાવાઓની પોલ પણ ખુલી જતી હોય છે.

ગુજરાત રાજ્ય પહેલેથી જ શાંત પ્રકૃતિનું સ્ટેટ છે અને ગુજરાતીઓ મોજીલા અને મહેનતું છે. એટલે જ ગુજરાતીઓ જ્યાં જાય છે ત્યાં સફળ થાય છે અને ગવાય છે કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...'

આ ગરવા ગુજરાતમાં પૂર્ણકક્ષાની દારૃબંધી છે, અને કેટલાક પરવાનેદારો સિવાય રાજ્યમાં શરાબ પીવા, ખરીદવા, વેંચવા, સંગ્રહવા, વહન કરવા કે બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આમ છતાં રાજ્યના તમામ વિસ્તારમાં રાજાપાઠ કરેલા શરાબીઓ જોવા મળશે. રાજ્યમાં વિદેશી શરાબનું વેંચાણ થાય છે અને દેશી દારૃની ભઠ્ઠીઓ ધમધમતી રહે છે. શરાબના વ્યસનથી અનેક લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે અને પરિવારો ઉજડી જતા હોય છે, પરંતુ શરાબ પીવાની લત છૂટતી નથી.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અઢીસો કરોડથી વધુ રકમનો દારૃ પકડાયો છે, અને દરરોજ લગભગ ૩પ લાખનો દારૃ ઝડપાઈ રહ્યો છે. રાજ્યમાં આ દારૃ પ્રવેશે છે ક્યાંથી? શું દારૃનું પરિવહન રાજ્યની સરહદેથી જ અટકાવી શકાય તેમ નથી? તેવા સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશી દારૃના ૧.૩ર લાખથી વધુ કેસ નોંધાયા છે અને વિદેશી દારૃના ત્રીસ હજાર જેવા કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં ૩૮૬૯ દેશી દારૃના અને પ૮૯ વિદેશી દારૃના કેસો નોંધાયા છે, જ્યારે દ્વારકા જિલ્લામાં દેશી દારૃના ૯૮૦ અને વિદેશી દારૃના ર૧૭ કેસ નોંધાયા છે.

દેશી દારૃનું સેવન તો જીવન માટે ખતરનાક મનાય છે અને તે જે પદાર્થો અને જે પદ્ધતિથી બને છે, તે જોતા તો દેશી દારૃ હળહળતા વિષ સમાન જ હોય છે, તેમ છતાં રાજ્યમાં ગામડાઓ-કસબાઓથી લઈને મોટા શહેરો સુધી ઠેર-ઠેર તેનું ઉત્પાદન થાય છે, વેંચાય છે અને પીવાય છે. તે પૈકી કેટલીક...(!) દારૃની ભઠ્ઠીઓ પકડાય પણ છે.

શરાબનો નશો માનવીની પ્રતિષ્ઠા માટે પણ જોખમરૃપ બને છે, જ્યારે ગુનાખોરીને પણ ઉત્તેજન આપે છે. ભાજપના ઉત્તરાખંડના એક ધારાસભ્યે તો દારૃના નશામાં ત્રણ-ત્રણ ગન લઈને ડાન્સ કર્યો હતો!

ગુજરાતમાં કુપોષણની પણ સમસ્યા ઘેરી બની છે. ગુજરાતમાં કુપોષણ સામે લડવા સરકાર દાવાઓ કરી રહી હોવા છતાં અનેક બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. હાલારમાં જ ચાર હજારથી વધુ બાળકો કુપોષિત છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલો આંકડો છે. વાસ્તવિક આંકડો ઘણો મોટો હોઈ શકે છે. તેમાં અતિ ઓછા વજનવાળા બાળકોનું ભાવિ તો અંધકારમય જ રહે છે, કારણ કે આ બાળકો ગંભીર પ્રકારની બીમારીનો ભોગ સરળતાથી બની શકતા હોય છે. આવી જ સ્થિતિ આખા રાજ્યની છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit