સુખોઈ-૩૦ અને રાફેલ દુશ્મનોના દાંત ખાટા કરવા સક્ષમઃ ભદૌરિયા

પેરિસ તા. ૧રઃ ભારતીય વાયુસેનાના વાઈસ ચેરમાર્શલ આર.કે.એચ. ભદૌરિયાએ કહ્યું છે કે સુખોઈ-૩૦ અને રાફેલ ફાઈટરો દુશ્મનોના દાંત ખાતા કરવા સક્ષમ છે.

ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ એરમાર્શલ આરકેએસ ભદૌરિયાએ ગુરુવારે ફ્રાન્સના મોંટ ડે માર્સન એરબેઝ પર ચાલી રહેલા ઈન્ડો-ફ્રેન્ચ એરફોર્સના અભ્યાસ 'ગરૃડ-૬'માં સામેલ થયા હતાં. તેઓએ કહ્યું કે ફ્રાન્સના રાફેલ અને રશિયાના સુખોઈ-૩૦ ફાઈટર પ્લેનની જોડી પાકિસ્તાન અને બાકી દુશ્મનો માટે જંગ દરમિયાન મુસીબત બનશે.

ફ્રાન્સમાં ગરૃડ અભ્યાસ પછી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમને કહ્યું કે, 'જો ભારતમાં બન્ને લડાકુ વિમાન એક સાથે કામ શરૃ કરી દે તો પાકિસ્તાન ફરીથી ર૭ ફેબ્રુઆરી જેવા હુમલો કરવાની હિંમત નહીં કરે. બન્ને લડાકુ વિમાન પાકિસ્તાન અથવા કોઈ અન્ય દુશ્મનોને નુક્સાન પહોંચાડવામાં સક્ષમ છે. બન્ને ખૂબ જ શક્તિશાળી છે. રાફેલમાં ઊડાન ભરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો અને ઘણું બધું શીખવાનું મળ્યું. આ પ્લેન એરફોર્સમાં સામેલ થયા પછી વાયુસેના વધુ મજબૂત બનશે.'

ભદૌરિયાએ કહ્યું કે, આ બન્ને લડાકુ વિમાનો સામેલ થવાથી ભારતીય સેનામાં વધુ મજબૂતાઈ આવશે. ભારત દ્વારા  બાલાકોટમાં જેશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યા પછી પાકિસ્તાને પણ હવાઈ હુમલાઓ કર્યા હતાં, જેને ભારતીય વાયુસેનાના મિગ-ર૧ અને સુખોઈ-૩૦ એ સફળ થવા દીધા ન હતાં. હવાઈ હુમલા પછી ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે, જો રાફેલ પહેલા મળ્યા હોત તો પાકિસ્તાનીઓને ક્યારેય નિયંત્રણ રેખાની નજીક આવવાનો પ્રયાસ ના કરી શકત.

રાફેલને ગ્રાઉન્ડ ટુ એર અને એર ટુ એર પ્રહાર કરનાર મહાદ્વીપનું સૌથી શ્રેષ્ઠ ફાઈટર જેટ માનવામાં આવે છે. ફ્રાન્સ અને ભારતના વાયુ સેના વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા માટે બન્ને દેશોની સેના આ સમયે ફ્રાન્સમાં સંયુક્ત રીતે ગરૃડ અભ્યાસ કરી રહી છે. વાયુસેનાના વાઈસ ચીફે કહ્યું કે, તે ફ્રાન્સીસી વાયુસેનાના રાફેલ વિમાનને ઊડાવા માટે ઉત્સાહી છે. ર૦૧૬ માં ૩૬ રાફેલ ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ કરવામાં આવી હતી. ભદૌરિયા આ ટીમના પ્રમુખ હતાં.

close
Nobat Subscription