| | |

વૈશાખી પૂર્ણિમાઃ ગુરુ તારો પાર ન પાયો...

'ગુરુ બીન જ્ઞાન ન ઉપજે, ગુરુ બીન મિટૈ ન ભેદ

ગુરુ બીન સંશય ન ટળે, ભલે વાંચો ચારે વેદ'

જીવન જીવવાની સાચી દિશા બતાવી માનવીને ઈશ્વરભિમુખ કરનાર, આધ્યાત્મિક, વિદ્યાના બંધ દ્વારને ખોલી આપનાર માનવીય-વ્યવહારને પવિત્રતા, નિર્દોષતા અને સુંદરતા બક્ષનાર તેમજ પરમકૃપાળુ પરમાત્માના ચરણો સુધી પહોંચાડનારા સદ્ગુરુની અનન્ય શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી, તેમનું સન્માન કરવું તે આજના દિવસનો સાચો મહિમા છે. ગુરુપૂજન એટલે સત્યનું-જ્ઞાનનું અને અનુભવોનું પૂજન કહેવાય છે. નિર્મળ ચરિત્ર્ય અને ત્યાગવૃત્તિથી સમાજને સાચું જ્ઞાન સમજાવી શકે. દુઃખમાં ડૂબેલા શિષ્યોને સાચો રાહ ચીંધી નિઃસ્પૃહ બનાવે, મનની લગામને કદી ઢીલી પડવા ન દે, મૂલ્યવાન માનવજીવનનો મર્મ સમજાવી-શિષ્યને ઈશ્વર સમીપ લઈ જાય!

સનાતન ધર્મની ચાર અવસ્થાઓ વર્ણવામાં આવે છે. તે અંગેનું જ્ઞાન મેળવવા એક જ જગ્યાએ ન જતા અનેક જગ્યાઓ પર જાય છે. આથી સ્થિતિ એવી થઈ જાય છે કે પવિત્ર-પાવક નદીમાં ભક્તિ ભાવે સ્નાન કરી લીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણાં મનમાં શંકા રહે છે કે સ્નાનથી પુણ્ય પ્રાપ્ત થયું કે નહીં? આ એક એવી અજાણ-અજ્ઞાન ભક્તની સ્થિતિ બને છે કે આત્મચિંતનની સ્થિતિમાં જ્ઞાન ન હોવાને કારણે આપણે સંતોષ મેળવી શકતા નથી. ત્યારે  એવું માની લેવાનું હોય છે કે તમામ પવિત્ર-પાવક નદીઓ વહીને એક જ દેશના નામે એકઠી થઈ છે. એટલે આ મહાનદીમાં પરિવર્તિત બની છે. એટલે આ મહાનદી દ્વારા આપણે એક ચોક્કસ સંતોષ મેળવવાનો છે. સૂર્ય પોતાના કિરણો વગર ચાલી શકતો નથી તેમ કિરણોનું અસ્તિત્વ એ સૂર્ય વગર સંભવિ શકે નહીં! જો ગુરુ સૂર્ય છે તો શિષ્ય તેમના કિરણ છે. જ્યારે ગુરુ જ્ઞાનનો પ્રકાશ પ્રસારે છે તો કિરણોની અલગ-અલગ ઓળખ નથી.

સમાજમાં આજે નકારાત્મક સ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે. તેમનું જો કોઈ કારણ હોય તો આપણે ગુરુપૂર્ણિમાના ઉત્સવને ઉજવીએ તો છીએ, પરંતુ ગુરુ તત્ત્વને અણદીઠું કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આપણે ગુરુ તત્ત્વને માટે એક પળ માટે પણ અંતઃકરણથી જોતા નથી. જો ભગવાનના દરબારમાં પળવાર પણ રોકાઈ તો તેઓ આપણને મળે છે. શરત એટલી જ કે આપણી દૃષ્ટિ, આપણો ભાવ, ...મીરાં જેવો... નરસિંહ મહેતા જેવો... શબરી જેવો હોવો જોઈએ.

આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ જ્ઞાનના ઉપદેશક અને દાતા ગુરુનું પણ છે. ગુરુ ભક્તિ, ગુરુઋણ, મુક્તિ અને ગુરુ મહિમા જીવંત રાખવા 'ગુરુપૂર્ણિમાનું આ પર્વ પ્રયોજાયું છે...' ગુજરાતનો મહિમા હું તો પલ પલ વખાણું...! ભક્તો સંતોની આ ઊર્મિ સભર ભાવનાઓ હૃદયને સ્પર્શી જાય છે. આ દિવસ ધર્મગુરુનું પૂજન કરી... તેમનો આદર-પ્રેમપૂર્વક જમાડી, ગુરુ દક્ષિણા રૃપે યથાશક્તિ દાન અર્પણ કરીને જ્ઞાનગ્રંથમાં નગદ્ નાણા ભેટ ધરવાનું મહત્ત્વ-મહાત્મ્ય રહ્યું છે. સંત પરંપરા આધ્યાત્મિક સાધના માટે સત્યજ્ઞાનની પ્રાપ્તિ અંગે અને પરમાત્માના સ્વરૃપને સાક્ષાત્કાર માટે બ્રહ્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ અને સત્યનિષ્ઠ ગુરુની જ આવશ્યક્તા પર સવિશેષ ધ્યાન આપવા જણાવે છે. વૈદિક યુગમાં યજ્ઞારંભે સપ્તર્ષિઓને આર્ધ્ય આપવામાં આવતો. આ પ્રકારણે ગુરુઋણ યાદ રાખવામાં આવતું. પૌરાણિક કાળમાં ચાતુર્માસના યમ-નિયમો પાળતા ગ્રંથ શ્રવણ કરતા સર્વ પ્રથમ આદિ ગુરુ ભગવાન વેદવ્યાસને ગુરુ રૃપે પૂજવામાં આવતા. સંસ્કાર રૃપી વારસો તેમજ જ્ઞાન તો ગુરુ દ્વારા જ મળે એ શ્રદ્ધાને જીવંત રાખવા આ ગુરુપૂર્ણિમા પર્વ છે!

આપણે કદી એવો વિચાર કર્યો...કે, અર્જુનની જિંદગીની સૌથી મૂલ્યવાન ક્ષણ તેની બહુમૂલ્ય ક્ષણ કઈ હતી? જ્યારે તેમણે કૃષ્ણના ચરણોમાં શિશ નમાવીને કહ્યું, 'શિષ્યસ્તેહમ્...!' હું તમારો શિષ્ય છું! 'શાધિમામ્...!' મારા પર શાસન કરો! મને જ્ઞાન પ્રકાશ આપી માર્ગ બતાવો. મારૃ દિશાનિર્દેશન કરો, મને અહીં કશું જ દેખાતું નથી! જ્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે વ્યક્તિનો અહંકાર હટી જાય છે, ત્યારે તેને  જ્ઞાન મળે છે! રાજા જનક પોતે અષ્ટવક્રના ચરણોમાં, રાજા પરીક્ષિત શુકદેવના ચરણોમાં, કબીરજી રામાનંદના ચરણોમાં, સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્વામી વ્રજાનંદજીના ચરણોમાં, આનંદ તથા ગત્ બુદ્ધના ચરણોમાં પ્રણામ કરી કહ્યું હતું કે, 'શિષ્યસ્તેહમ્'!

'ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા...!'

લાલજીભાઈ જી. મણવર-જામનગર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit