Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમ પોતે જ પ્રસ્તાવના છે. આપણાં અસ્તિત્વની, આપણી લાગણીની, આપણી ભાવનાની, પ્રેમને કોઈ ટેકાની જરૂર નથી. વિશ્વનો કોઈ જીવ પ્રેમની ભાવના વિનાનો નથી. પ્રેમ પક્ષી છે અને મુક્તિને ચાહે છે. આમ જોવા જઈએ તો પ્રેમ બહુ સરળ છે, એમાં કોઈ જટીલતા નથી. કોઈ શાસ્ત્રો નથી. જીવન તરફનો આ સીધો-સરળ અભિગમ છે. પ્રેમનો સંબંધ શ્વાસ સાથે, આત્મા સાથે છે. પ્રેમ એ કોઈ પ્રતિભા નથી, કોઈ આવડત નથી, શોખ નથી એ તો અનાયસે ઉભરતી લાગણી છે, પ્રેમમાં સમાય ગયા પછી બાકી કંઈ શેષ રહેતું નથી. પ્રેમ સુગંધ જેવો છે. ફૂલ જેવો નહી. ફૂલને આકાર હોય છે અને દરેક આકારને એક હદ હોય છે. પણ પ્રેમ તો અનહદ છે. પ્રેમ આકાશમાં ઊડતું પંખી છે. તેને ક્યાંય બાંધી ન શકાય. તેના માટે આખા આકાશની જરૂર છે.
પ્રેમ નિઃશબ્દ નથી.. પ્રેમ અભિવ્યક્તિ છે. ગમે તેટલી કવિતા, ગમે તેટલી વાર્તા અને ગમે તેટલી વાતો કહીએ, પણ તેમાં પ્રેમ ન સમજાય... અને અચાનક કોઈની સાથે આંખ મળે અને કંઈક અંદર એવું બદલાય કે બધી કવિતા, બધી વાર્તા અચાનક સમજાય જાય.. પ્રેમ થાય ત્યારે જ સમજાય કે તે શું છે? વાંચવાથી-સાંભળવાથી પ્રેમ ન સમજાય.
પ્રેમ માણસને આસ્તિક બનાવી દે છે. પ્રેમમાં હોય ત્યારે માણસને બધું જ સુંદર લાગે છે. પ્રેમમાં હોય ત્યારે માણસ બુદ્ધિથી ઓછું અને દિલથી વધુ વિચારે છે. દરેક પ્રેમી એક કવિ બની જાય છે. પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિએ કવિતા લખી જ હશે. ઉર્મિઓનું એક આખુ વિશ્વ આંખમાં સમાય જાય છે. જીવનના સૌથી મધુરા દસ શબ્દની યાદી બનાવવામાં આવે તો પ્રેમ શબ્દ સૌથી ઉપર આવે.
પ્રેમની તો અઢળક વાતો, પ્રેમ એટલે શું? એ સવાલ પર તો પુસ્તકો છપાય જાય એટલા જવાબ મળે, પ્રેમ તો દરેકનો નોખો અનોખો, પ્રેમ બધાએ જીવી જાણ્યો, બધાએ કવિતાઓ પણ લખી, પોત પોતાની રીતે દરેકે પ્રેમને સમજ્યો, સમજાવ્યો.., જીવ્યા.. બસ પણ 'પ્રેમ એટલે શું?' એ સવાલનો જવાબ નથી મળતો. પ્રેમ છે એટલે આવું થાય છે કે આવું થાય છે એટલે પ્રેમ કહેવાય? એ સવાલ દરેકના મનમાં ક્યારેકને ક્યારેક થાય છે, થયો જ હશે.. આ સવાલ માત્ર ઊગતી પેઢીનીનો જ નથી.. પ્રેમ ઝંખતી સમસ્ત પેઢીનો છે. દરેકનો છે.. પ્રેમ અજાણ્યો નથી.. માત્ર આપણને તેની ઓળખ નથી અને ઓળખ નથી એટલે આપણને પ્રેમની બાબતમાં સવાલો રહે છે.
પ્રેમ એટલે શું? એ શોધતા શોધતા પ્રેમ એટલે શું નહીં? એ વિચાર આવી ગયો.. અને વિચારતા વિચારતા જે સમજાયું એ લખ્યું છે... પ્રેમમાં માલિકીભાવ અને મોભો, અધિકાર અને અહંકાર આ નડતરરૂપ છે. પ્રેમ ઝંખતા પ્રેમીઓ આ બધું છોડે તો જ પ્રેમના પ્રદેશમાં પ્રવેશ મેળવી શકાય. પ્રેમમાં જ્યાં સુધી બે જણા અલગ અલગ હોવાનો અનુભવ કરે ત્યાં સુધી પ્રેમ ન ગણાય. એવું પણ કહેવાય છે. પણ પ્રેમ એટલે એકબીજાના રંગમાં રંગાઈ જવાની સાથે સાથે એક-બીજાના અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર. ટૂકડે ટૂકડે ઓગળવાનું એ જ પ્રેમ.. ઓગળે એ જ ભળી શકે અને ભળી શકે એ જ વહી શકે. આ ઓગળવાનું પરાણે ન થાય.. ટૂકડે ટૂકડે થાય.. ટહુકો એ આનંદની અભિવ્યક્તિ છે, ઓગળવામાંય આનંદ છે, અસ્તિત્વને વહી જવા દેવા પ્રસન્નતાનો અનુભવ થાય છે. એવી સમજણનું નામ જ પ્રેમ છે. ઓગળવા માટે અહંકાર અને અધિકાર બંને છોડવાની તત્પરતા હોય તો જ પ્રેમ પ્રગટ થાય.
પ્રેમ એટલે બરછટતા કે મુલાયમતા? પ્રેમ એટલે નઠોરતા કે ભીની ભીની લાગણી? પ્રેમ એટલે સંસ્કારીતા કે આવેશ પણું? આવા કેટલાય વિચાર આવે... પ્રેમની અભિવ્યક્તિ બાબતે મુંઝવણ છે જ... પ્રેમમાં ખાલી સંસ્કાર ન ચાલે... તેમાં થોડું તોફાનીપણું પણ જોઈએ.. પ્રેમમાં ધીરજ ન ચાલે.. ઉતાવળ જોઈએ.. થોડી ધીરજ-થોડી ઉતાવળ, થોડો વિવેક, થોડા તોફાન, થોડી બરછડતા, થોડી લાગણી.. આ બધાનું મિશ્રણ એટલે પ્રેમ... પ્રેમમાં અર્થપૂર્ણ વાતો અને અર્થહીન પ્રેમાલાપ બંને એટલા જ જરૂરી છે. વૃક્ષના છાંયડે કે બળબળતા બપોરે ગાર્ડનના બાંકડે કે લોંગ ડ્રાઈવ પર.. ગમે ત્યાં હોય પ્રેમની મજા જ અલગ છે. સામાન્ય માણસને એવું લાગે કે આવું હોય? એ કાર્ય પ્રેમીઓને એમ લાગે કે આવું જ હોય... અહીં હોય-ન હોય એવું કંઈ હોતું જ નથી... મનમાં આવે તે હોય, પછી ભલેને તે બીજાને ગાંડપણ લાગે...
પ્રેમના પ્રવાહમાં હોય તેને કિનારે ઉભેલા સમજી ન શકે. તેના માટે તો સાથે વહેવું પડે. પ્રેમમાં તણાવું, તરવું અને વહેવું એ ત્રણેય ક્રિયાઓ જરૂરી છે. પ્રેમમાં પ્રયાસ અને અનાયસનો આનંદ અનેરો છે. પ્રેમ પ્રયત્નપૂર્વકનો હોય કે અનાયસે પ્રેમ હોય એ જરૂરી છે. પ્રેમમાં ઈર્ષ્યાને સ્થાન જ નથી. ઈર્ષ્યાનો હેતુ સારો હોય તો પણ તેની અભિવ્યક્તિ પ્રેમ સંબંધને બગાડી નાખે છે. પ્રેમમાં મૌનનો મહિમા છે, તેટલો જ મહિમા બોલવાનો છે, ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવું, કેટલું બોલવું.. એની સમજણ એટલે પ્રેમ.. પ્રેમ એટલે વિવેક, પ્રેમ એટલે સમજણ.. જેનામાં સમજણ છે તે પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ બાબતે સચેત રહે છે અને આ કંઈ જ શીખવાડવું પડતું નથી. પ્રેમીઓ ભણેલા હોય કે અભણ, ગામડાના હોય કે શહેરના, ગરીબ હોય કે અમીર... રૂપાળા હોય કે શ્યામ.. પ્રેમીઓને કંઈ જ ફેર પડતો નથી.. પ્રેમ બધાનો સરખો.. કારણ કે પ્રેમનો વહેવાર અંદરથી ઊગે છે અને બહાર દેખાય છે. તેના કોઈ અભ્યાસક્રમ નથી. પ્રેમનો દરેક અનુભવ નવો જ હોય છે. દરેક અનુભવે પ્રેમની વૃદ્ધિ થાય છે. પ્રેમ પહેલો કે છેલ્લો એવું નથી હોતું, પહેલો પ્રેમ એ તો કવિઓની કલ્પના છે, બાકી પ્રેમ દરેક વખતે પહેલો જ હોય છે. પ્રેમ એક જ વાર થાય એ વાત પણ ફિલ્મી છે... એક વખત પ્રેમમાં પડેલા વ્યક્તિ બીજીવાર, ત્રીજીવાર પ્રેમ કરી જ શકે અને તેટલી જ ઉત્કૃષ્ટતાથી કરી શકે. ઈશ્વરે દરેક માણસના જીવનમાં અખૂટ પ્રેમરસ ભર્યાે જ છે. એક વ્યક્તિ એક સાથે બે વ્યક્તિને પ્રેમ કરી શકે... ભલે કદાચ સંબંધના નામ જુદા હોય, લાગણીની માત્રા જુદી હોય, પ્રેમનું પાગલપન જુદુ હોય, પણ પ્રેમ તો હોય જ...
પ્રેમ એટલે શું? પ્રેમ એટલે શું નહીં? એ વાતની ચર્ચા જ અસ્થાને છે. આપણી આસપાસ પ્રેમ છે જ... પ્રેમ બહારના દૃશ્યને સ્પષ્ટ કરે છે, અંદરના વૈભવને વ્યક્ત કરે છે, પ્રેમ સલામતી-હુંકનો અહેસાસ કરાવે, તો પ્રેમ આકાશમાં ઊડવાની હિંમત આપે.. દુનિયાથી ત્રસ્ત થયેલા કોઈ વ્યક્તિના જીવનમાં ફરીથી જીવવાની આશા જગાવવી એ પ્રેમ... કોઈની ભૂલાયેલી આવડતને ફરીથી જગાવવી એ પ્રેમ... દટાઈ ગયેલા સપનાને પૂરા કરાવવા એ પ્રેમ... કોઈની સ્વ સાથે ઓળખાણ કરાવવી એ પ્રેમ... બસ.. પ્રેમ.. શબ્દ એક સ્વરૂપ અનેક...
દિપા સોની, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial