Advertisement

રાજકીય પક્ષો રાજનીતિનું અપરાધીકરણ થતું રોકવા ઈચ્છતા નથી, અમે કાનૂન બનાવી શકતા નથીઃ સુપ્રિમ

વકીલ બ્રિજેશસિંહ દ્વારા બિહારની ચૂંટણીને લઈને કરાયેલી અરજીની સુનાવણી

નવી દિલ્હી તા. ૨૧ઃ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે રાજનીતિનું અપરાધીકરણ રોકવામાં કોઈ રાજકીય પક્ષને રસ જણાતો નથી અને અમે કાયદો ઘડી શકતા નથી. ચાર્જ ફ્રેમ થયા હોય, તેની સામે પગલાં લેવાનો અમારી સૂચનાનો હજુ અમલ થતો નથી

વકીલ બ્રિજેશસિંહની એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે એ બાબત પર અફસોસ વ્યક્ત કર્યો હતો કે, કોઈપણ પક્ષને ન તો રાજનીતિનું અપરાધીકરણ થતું અટકાવવા માટે કાનૂન બનાવવામાં અને ન તો એવા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવામાં રસ છે, જેમની વિરૃદ્ધ ગંભીર ગુનાઓમાં અદાલતોએ આરોપો નક્કી કર્યા છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આ મામલામાં બધા રાજકીય પક્ષોમાં વિવિધતામાં એકતા છે. અફસોસની વાત એ છે કે, અમે કાનૂન બનાવી નથી શકતા, અમે રાજકીય પક્ષોને સતત કહીએ છીએ કે જે ઉમેદવારો વિરૃદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હોય તે તેઓની સામે કાર્યવાહી કરે, પણ કાંઈ જ થયું નથી, અને ભવિષ્યમાં પણ થશે નહીં.

જસ્ટીશ આર.એફ. નરીમન અને જસ્ટીશ બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું કે, સરકારની કાનૂની પાંખ કાયદો લાવવા માટે કોઈ પગલા લઈ રહી નથી. અત્યાર સુધી કશું કરવામાં આવ્યું નથી અને કોઈપણ પક્ષ દ્વારા કદી પણ કશું કરવામાં નહીં આવે.

સુપ્રિમ કોર્ટના અનાદરના આ મામલામાં ભાજપ, કોંગ્રેસ, બસપા, લોજપા, માકપા અને રાકપા સહિત વિવિધ પક્ષોના વકીલોને સાંભળ્યા હતાં. સુપ્રિમ કોર્ટે આ મામલામાં આદેશ આપવા માટે પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો. સુપ્રિમ કોર્ટની ખંડપીઠ વકીલ બ્રિજેશસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલ અનાદર અરજીની સુનાવણી કરતી હતી. જેમાં ર૦ર૦ માં બિહારની ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા ફેબ્રુઆરી-ર૦ર૦ માં સુપ્રિમ કોર્ટના આદેશોનું જાણી જોઈને પાલન નહીં કરવાનો આરોપ છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, રાજકારણનું અપરાધીકરણ રોકીને રાજનીતિની સ્વચ્છતા માટે અત્યારે સુધી કશું નથી થયું અને ભવિષ્યમાં પણ કશું નહીં થાય. તેમ જણાતું નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને રાજનીતિને અપરાધીકરણમાંથી મુક્ત કરવા જે આદેશો આપ્યા હતાં તેનું પાલન ન થતા પોતાની નારાજગી કડક શબ્દોમાં વ્યક્ત કરી હતી.

આ કેસમાં ચૂંટણીપંચ તરફથી ઉપસ્થિત વકીલે ખંડપીઠને કહ્યું હતું કે, બિહારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ૪ર૭ ઉમેદવારો હતાં. રાજદના ૧૦૪ દાગી ઉમેદવારો હતાં તે પછી ભાજપે આવા ૭૭ ઉમેદવાર પસંદ કર્યા હતાં. ન્યાયમૂર્તિ નરીમનની વડપણવાળી ખંડપીઠે કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ પોતાના પસંદગીના ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ ઉમેદવારી પત્ર દાખલ કરાય તેના ૪૮ કલાકમાં કે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા જે પણ પહેલા હોય તે પ્રકાશિત કરવ પડશે.

ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વકીલે અદાલતના નિર્દેશોનું પાલન કરવાની બાબતો વિગતવાર રજૂ કરી હતી. ખંડપીઠે કહ્યું હતું કે, આ મામલાને અમે ૭ ન્યાયધીશોની ખંડપીઠને સોંપવાના સૂચન પર વિચાર કરીએ છીએ.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit