Advertisement

હવે, રૃપાણી મંત્રી મંડળનો ગંજીપો ચીપાશેઃ એકાદ મહિનામાં વિસ્તરણ?

આઈ.એ.એસ. અને ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોરઃ

ગાંધીનગર/જામનગર તા. ૧૦ઃ રાજ્યના અધિક મુખ્ય સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ પછી હવે અન્ય આઈ.એ.એસ., જી.પી.એસ., આઈ.એફ.એસ., આઈ.આર.એસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલીઓનો દોર ચાલશે અને આગામી બે-ત્રણ મહિનામાં તો તાલુકાથી સચિવાલય સુધીની તમામ કેડરોમાં ભારે ફેરબદલી થઈ જશે, તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

તંત્રમાં ઉલટફેર પછી રૃપાણી સરકારની વિભાગવાર નિષ્ફળતાઓ અને સિદ્ધિઓની આંતરિક સમીક્ષા કરીને મંત્રીઓના ખાતા બદલવાની રૃપરેખા તૈયાર થશે. તે ઉપરાંત આગામી વર્ષે યોજાનારી વિધનસભાની ચૂંટણીઓને લઈને મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ પણ થશે. રાજકીય પંડિતોના અંદાજ મુજબ આગામી ચૂંટણીઓની વ્યુહરચના માટે સંગઠનમાં જરૃર હોય, તેવા મંત્રીઓને મંત્રીમંડળમાંથી પ્રદેશ ભાજપમાં ખસેડાય, તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત જે વિભાગોનું કામકાજ નબળુ હશે, અથવા જે મંત્રીઓ વહીવટી અને રાજકીય-એમ બન્ને ક્ષેત્રે ઢીલા જણાયા હશે કે નિષ્ફળ ગયા હશે, તેઓને પડતા મૂકવામાં આવી શકે છે. નિયમો મુજબ ગુજરાતના મંત્રીમંડળમાં ર૭ પ્રધાનો મહત્તમ હોઈ શકે છે, તેથી હવે આમે ય ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આંતરિક અસંતોષ ટાળવા મુખ્યમંત્રી પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને પૂરા કદના મંત્રીમંડળ ઉપરાંત કેટલીક બોર્ડ-નિગમો-કોર્પોરેશનો, જાહેર સાહસો તથા સંસદીય સચિવોના હોદ્દાઓ પર પણ ભાજપના નેતાઓની નિમણૂકો કરી શકે છે. જૂનના એન્ડ સુધીમાં વહીવટી તંત્રનો ગંજીપો ચિપાશે અને વર્ગ-૧ થી લઈને અધિક મુખ્યસચિવો સુધીના ફેરબદલ પછી જુલાઈના બીજા કે ત્રીજા અઠવાડિયામાં સંભવતઃ રૃપાણી મંત્રીમંડળનું વિસ્તરણ થાય, અને કેટલાક મંત્રીઓ પડતા મૂકાય, તેના સ્થાને નવા ચહેરાઓને સ્થાન અપાય, તેવી મથામણ ભાજપમાં આંતરિક રીતે પણ તેજ ગતિથી ચાલી રહી હોવાનું કહેવાય છે. એવી અટકળો થઈ રહી છે કે, હાલના મંત્રીમંડળમાંથી પાંચ જેટલા મંત્રીઓ પડતા મૂકાશે. જેમાંથી બે મંત્રીઓને સંગઠનમાં લઈ જવાશે. નવા નવ-દસ ચહેરા મંત્રીમંડળમાં સમાવાઈ શકે છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના સંસદીય સચિવો, કેટલાક બોર્ડ-નિગમો કે જાહેર સાહસોમાં પણ ફેરબદલ કરીને ભાજપના કેટલાક નેતાઓને સમાવી લેવાય, તેવી શક્યતાઓ છે. સૌથી વધુ ચર્ચા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા પછી ધારાસભ્ય બન્યા છતાં મંત્રીપદુ કે અન્ય કોઈ હોદ્દો ન મળ્યો હોય તેવા કેટલાક ચહેરાઓની છે, જેમાં જામનગરના રાઘવજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. તેમને કદાચ મંત્રીપદ નહીં તો પણ 'ચેરમેનપદ' તો મળી શકે છે, જો કે માર્કેટીંગ યાર્ડ તેમની પાસે છે, પણ કદ પ્રમાણે આ પદ ટૂંકુ પડે!

હાલારમાંથી જે બે મંત્રીઓ હાલમાં રૃપાણી સરકારના મંત્રીમંડળમાં છે, તે જામનગર શહેરના જ છે, અને હાલારમાંથી કોઈ ત્રીજા મંત્રી બને તેવી સંભાવના જણાતી નથી, પરંતુ આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને જરૃર પડ્યે એકાદ વર્તમાન મંત્રીને સંગઠનમાં મોકલવા પડે, તો કોનો વારો આવે તેની ચર્ચા થઈ રહી છે, પરંતુ તેવી સંભાવના નહીંવત્ જણાય છે, જો કે ત્રીજા મંત્રી થવા થનગની રહેલા હાલાર સહિત રાજ્યના કેટલાક મહત્ત્વકાંક્ષી ધારાસભ્યો પણ ચર્ચામાં છે. હાલારમાં ખંભાળિયામાં તો કોંગ્રેસના ધારાસભ્ય છે અને દ્વારકા વિધાનસભાની બેઠક પર અદાલતી આદેશ પછી પબુભા હાલમાં ધારાસભ્ય રહ્યા નથી, અને મેટર સબજ્યુડીસ હોવાથી તે દિશામાં સરકાર કે પાર્ટી તરફથી આ પહેલા પણ કાંઈ વિચારાયું જ નહીં હોય, જામજોધપુર અને કાલાવડમાં કોંગ્રેસના ધારાસભ્યો છે. જામનગરના બન્ને ધારાસભ્યો આર.સી. ફળદુ અને હકુભા જાડેજા રાજ્ય સરકારમાં અનુક્રમે કેબિનેટમંત્રી અને રાજ્યમંત્રી છે. તેથી એક પૂર્વમંત્રી એવા ધારાસભ્ય રાઘવજીભાઈ જ બાકી રહી ગયા છે, જો કે હવે જો આચારસંહિતાનો પીરિયડ ગણીએ તો રૃપાણી સરકાર પાસે પંદર-સોળ મહિનાનો જ સમય છે. હજુ એકાદ મહિના પછી વિસ્તરણ થાય, તો તેમાં જે કાંઈ હોદ્દાઓ અપાય, તે ચૂંટણીલક્ષી લોલીપોપ જ ગણાય. તેમ છતાં મહત્ત્વાકાંક્ષી નેતાઓને ચૂંટણી ટાણે નારાજ પણ કરી શકાય તેમ નહીં હોવાથી આગામી એકાદ-બે મહિનાઓ ફેરબદલ, હોદ્દાઓ પર નિમણૂકો અને મંત્રીમંડળના વિસ્તરણના જ રહેશે તેમ જણાય છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit