Advertisement
Author: નોબત સમાચાર

સ્ત્રીએ ૫ુરૂષ સમોવડી બનવાની જરૂર જ નથી

'સ્ત્રીએ પુરૂષ સમોવડી બનવા માટે કશું કરવાની જરૂર જ નથી. આપણે આપણી ડિક્સનરીમાંથી આ પ્રકારનો શબ્દ જ કાઢી નાખવો જોઈએ. કારણ કે સ્ત્રી એ સ્ત્રી છે અને પુરૂષ એ પુરૂષ છે. સ્ત્રી પુરૂષ નથી બની શકવાની, અને પુરૂષ સ્ત્રી નથી બની શકવાનો. સ્ત્રી ઘરના સભ્યોને જોડતી રાખતી કડી છે. સ્ત્રીએ પુરૂષ જેવા બનવાને બદલે સ્ત્રી જ બની રહેવાની જરૂર છે.' હમણાં એક કલબમાં આવેલા એક પ્રતિષ્ઠિત મહિલાએ આ વાત કહી. વધુમાં તેમણે કહ્યું કે, 'પુરૂષ સમોવડી બનવું એ સ્ત્રીની જિંદગીનું ધ્યેય જ નથી. ઈશ્વરે સ્ત્રી અને પુરૂષનું સર્જન કરીને દરેકને અલગ અલગ જવાબદારી આપી છે. બંનેના કાર્યક્ષેત્ર જુદા છે. બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં રહીને શ્રેષ્ઠ કામ કરવાનું છે. માટે સ્ત્રીએ પુરૂષ સમોવડી બનવાની જરૂર જ નથી....

છેલ્લા ઘણાં સમયથી આ વાક્ય બહુ સંભળાય છે કે, 'સ્ત્રીએ પુરૂષ સમોવડી બનવું જોઈએ.' પણ જરાક શાંતિથી વિચારો કે શું સ્ત્રીઓએ પુરૂષ સમોવડી બનવાની જરૂર છે? આવી વાત કરીને સ્ત્રીઓ પોતાની જાતનું જ અપમાન કરી રહી છે. કારણ કે સ્ત્રી પુરૂષ સમોવડી નથી. પુરૂષથી શ્રેષ્ઠ છે અને તેણે પોતાની આ શ્રેષ્ઠતા માતા બનીને સાબિત કરી દીધી છે. પણ સ્ત્રીઓ આ વાત વિચારતી જ નથી. સ્ત્રી જે કરી શકે તે પુરૂષ નથી કરી શકતા. શું પુરૂષ પોતાનું ઘર છોડીને સ્ત્રીની જેમ, તેટલી સરળતાથી બીજા કોઈ ઘરે એડજેસ્ટ થઈ શકે? સ્ત્રીની જેમ તેટલી સહજતાથી પ્રેમ, લાગણીની અભિવ્યક્તિ કરી શકે. સ્ત્રી જેટલી ધીરજ અને ચીવટપૂર્વક ઘર પરિવાર સંભાળી શકે? જતું કરવાની અને ભૂલી જવાની તથા માફ કરવાની ભાવના કેટલી સ્ત્રીઓમાં હોય છે. તેટલી પુરૂષોમાં હોય છે?

આજે સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ છે. સ્ત્રી આજે ડોક્ટર છે, એન્જિનિયર છે, શિક્ષક છે, પોલિટીશીયન છે, બિઝનેસ સંભાળી શકે છે, ઘર-પરિવાર ચલાવી શકે છે, રિક્ષા ચલાવી શકે છે, પ્લેન ઉડાડી શકે છે, ટ્રેન ચલાવી શકે છે, બસમાં કંડક્ટર પણ બની શકે છે. એવું ક્યું ક્ષેત્ર છે કે જ્યાં સ્ત્રી નથી? ખરેખર તો સ્ત્રી શું કરી શકે તેના કરતા સ્ત્રી શું ન કરી શકે? એ સવાલ અઘરો છે. સમાજમાં એવા સેંકડો દાખલા છે કે પુરૂષની આવક ઓછી હોય તો સ્ત્રી કામ કરીને ઘર પરિવારની જવાબદારી સંભાળી લે છે.

ગુજરાતીમાં કહેવત છે કે, 'દોડા ખેલતો બાપ મરજો પણ દરણાં દળતી મા નવ મરજો.' આમ તો આ કહેવત માતાનો મહિમા દર્શાવે છે, પણ માતા આખરે તો સ્ત્રી જ છે ને. જો કે સંતાના ઉછેર માટે માતા-પિતા બંને જરૂરી છે, કોઈ એકનું મૃત્યુ થાય તો બાળકોના જીવનમાં પૂરી ન થાય એવી ખોટ પડી જાય છે. પણ જો માતાની હયાતી હોય એટલે કે પિતાનું મૃત્યુ થાય તો પણ માતા ગમે તેમ કરીને બાળકોને ઉછેરી લે છે. આજુબાજુ નજર કરશો તો પણ ધ્યાનમાં આવશે કે એવા કેટલાંક પરિવાર હશે કે જ્યાં પિતાનું મૃત્યુ થયા બાદ પણ માતા બાળકોને સારી રીતે ઉટ્ઠેરી રહી હોય છે અને ક્યાંક એવું પણ જોવા મળશે કે માતાના મૃત્યુ બાદ ઘર સંભાળવામાં પિતાને કેટલી તકલીફ પડતી હોય છે. સ્ત્રી ઘર-પરિવાર અને નોકરી-ધંધો સરળતાથી સંભાળી શકે છે, જ્યારે પુરૂષ બધું સંભાળી શકતા નથી, સ્ત્રી ઘરમાં ન હોય તો એ ઘરની હાલત કેવી હોય એ બધાને સમજાય જ છે. વધુ દૂર ક્યાં જવું? તમે જ તમારા ઘરથી આઠ-દસ દિવસ દૂર હો અને પછી ઘરે આવો ત્યારે ઘરના પુરૂષોએ ઘરની હાલત શું કરી હોય એ બધાને ખબર જ હોય... આમાં એક જ વાત સાબિત થાય છે કે સ્ત્રી હંમેશાં ચડીયાતી જ છે, તેણે સમોવડી બનવાની જરૂર જ નથી. સમોવડી બનવા તો તેણે પોતાના સ્થાનથી એક પગથિયુ નીચે ઉતરવું પડશે.

હા.. એ વાત અલગ છે કે હજી કેટલાક વિસ્તારમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે. પણ તેનું કારણ શિક્ષણનો અભાવ છે. ભણેલી ન હોવાને કારણે અથવા સંસ્કાર-પરંપરાના નામ પર કોઈ નોકરી કે બિઝનેસ ન કરી શકવાને કારણે પતિથી દબાયેલા રહેવું પડે છે, બાકી મોટાભાગે નોકરી કરતી, ઉચ્ચ ભણતર મેળવેલી સ્ત્રીઓ દબાઈને રહેતી નથી, અમૂક સ્ત્રીઓ સહન કરે છે એ અતિશય સહન કરે છે અને જે સ્વાભિમાનથી જીવે છે તે ખુશીથી જીવે છે. જો કે, ક્યાંક સ્ત્રી પોતાની જાતને પુરૂષ કરતા શ્રેષ્ઠ સાબિત કરવાના મુદ્દે અટવાતી રહે છે.

પુરૂષ સમોવડી બનવાના યુદ્ધમાં સ્ત્રીઓ ક્યાંક લાજ-શરમ નેવે મૂકી દે છે. કયાંક સિગારેટ પીવી, તો ક્યાંક દારૂ પીવો, કીટી પાર્ટીમાં પતા રમવા તો ક્યાંક મોડી રાત સુધી બહાર ફરવું એવા બધા કામ કરે છે અને પછી કહે છે કે પુરૂષો કરે તો હું શું કામ ન કરૃં... પણ એક સ્ત્રી તરીકે એમ કહીશ કે સંસ્કાર-મર્યાદા, લાજ અને શરમ એ સ્ત્રીનંુ ઘરેણું છે. એ કોઈએ સ્ત્રી ઉપર ઠોકી બેસાડેલુ નથી, સ્ત્રીએ જાતે જ સ્વીકારેલુ છે. પુરૂષ સમોવડી બનવાની લ્હાઈમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છતા જેવું વર્તન તો યોગ્ય નથી જ ને...? અમૂક બાબતોમાં પુરૂષ સમોવડી બનવાનું ન જ હોય, પુરૂષો કરે તેવા કામ, વર્તન ન જ કરાય...

હા.. સ્ત્રી સ્વતંત્ર છે, પોતાની મરજીથી જીવી શકે છે, હંમેશાં સશક્ત, મજબૂત મનોબળવાળી અને દરેક પરિસ્થિતિને પહોંચવાવાળી યોદ્ધા રહી છે અને રહેશે જ એ વાત ચોક્કસ છે. સ્ત્રી સાથે ભેદભાવની વાત સંપૂર્ણ સાચી નથી જ. સ્ત્રી હંમેશાં શ્રેષ્ઠ છે જ... અને તેણે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની જરૂર નથી. સ્ત્રી હોવું એ જ એક ગૌરવની વાત છે અને મને સ્ત્રી હોવાનું ગૌરવ છે. મને ખાતરી છે કે હું જે કરી શકું તે તમામ કામ પુરૂષો ન જ કરી શકે એટલે મારે સમોવડી થવું જ નથી... તમામ સ્ત્રીઓને મહિલા દિવસની એડવાન્સમાં શુભેચ્છા...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh