Advertisement
Author: નોબત સમાચાર

સેવાના નામે ગજવામાં મેવા સેરવવાની મનોવૃત્તિ લોકશાહી માટે મોટું જોખમ છે!

ગુજરાતમાં મોટાભાગના પક્ષાંતર ધંધા સાચવવા કે વધારવા માટે થાય છે!

ભારતની લોકશાહી હવે યુવાન થઈ ગઈ છે. ૧૯૪૭ થી ૨૦૨૫ સુધીના સ્વતંત્રતા પ્રવાસમાં દેશે અનેક તડકી છાંયડી જોઈ અને અનુભવી. વ્યક્તિનું જીવન હોય કે દેશનું જીવન હોય, બંનેમાં સુખ અને દુઃખ, ચડતી અને પડતી આવે રાખે. આજે અહી આ વિષય ચર્ચવાનો ઉદ્દેશ એટલો જ છે કે, ભારતનું રાજકારણ ગાંધી અને સરદારના મૂલ્યોથી ભટકી ગયું છે. ગાંધી અને સરદારે અંગ્રેજોને દેશ છોડોનો પડકારો કર્યો હતો, આજે ભારતીય લોકો કાયદેસર કે ગેરકાયદેસર ભારત છોડી સુખની શોધમાં દુનિયામાં ભટકી રહ્યા છે. શું ભારતમાં સુખ નથી? આઝાદી પછી સેવેલા સપના શું પૂરાં થયાં નથી? ભારતના નાગરિકોને હાથમાં હાથકડી અને પગમાં બેડી બાંધી તગેડી મૂકવામાં આવે છે તો પણ આપણા પેટનું પાણી કેમ હલતું નથી! ૧૫૦ કરોડની વસ્તી ધરાવતો દેશ ૩૬ કરોડની વસ્તી ધરાવતા દેશ અમેરિકા સામે કેમ વામણો સાબીત થઈ રહ્યો છે? ભારતીય લોકો કેમ ટટ્ટાર ચાલી નથી શકતા? અમેરિકામાં લાખો ચીની લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી જાણવા નથી મળ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમણે હાથકડી પહેરાવી દેશ નિકાલ કર્યા હોય!

વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં માહિતી આપી કે, આ ઘટના પહેલીવાર નથી બની. ભૂતકાળમાં પાંચવાર અમેરિકાએ ભારતીય લોકોને તગેડી મૂક્યા છે. આ બાબત બચાવની નહીં શરમજનક કહેવાય. પાંચ વાર આવું થયું તો પણ આપણે જાગ્યા નથી અને નાગરિકો સુખની શોધમાં ભાગી રહ્યા છે! ભૂતકાળમાંથી આપણે શીખવાની ઈચ્છા કે ઇરાદો રાખતા જ નથી. ગીતા, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો અને કુંભમેળાની ડૂબકીઓ પણ આપણી મનોવૃત્તિને સુધારી શક્તિ નથી.

ટૂંકી દૃષ્ટિ

ભારતની મોટી કરૂણતા એ છે કે, આપણે લાંબુ વિચારી શકતા નથી. નૈતિકતાને બદલે સ્વાર્થ ઉપર સવાર થઈ સુખની શોધમાં આંધળી દોટ મૂકી છે. સોને કી ચિડિયા ગણાતાં પંજાબ પ્રાંતના લાખો લોકો ભારત છોડી ભાગી રહ્યા છે! શું સોનાની ચિડિયા પણ તેમને ઓછી પડે છે? વિદેશમાં સોનાના ઝાડ ઊગે છે? વિદેશ ભાગવામાં આપણાં ગરવા ગુજરાતીઓ પણ પાછળ રહ્યા નથી. સરકારના દાવા મુજબ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે મોટો સવાલ એ છે કે, તો પછી ગુજરાતીઓ કેમ સુખની શોધમાં ભાગી રહ્યા છે? આ આપણી માનસિકતા છે કે જરૂરિયાત છે? ઉત્તર ગુજરાતના લોકો લાખો કરોડો ખર્ચી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે તો સૌરાષ્ટ્રના લોકો કેમ ભાગતા નથી? ડાંગ જેવા પછાત વિસ્ તારના લોકો પણ વિદેશ ભાગ્ય હોવાના પ્રમાણ મળતાં નથી.

આપણી વિચારધારા તદ્દન અસ્પષ્ટ અને દિશાહીન છે. ભારતીય લોકો સુખની વ્યાખ્યા નક્કી કરી જ શકતા નથી. રીંગણનો ઓળો ખાવો કે પિઝા, પાસ્તા ખાવા તે પણ નક્કી નથી કરી શકતા. બન્ને ઝાપટે છે.

રાજકીય ભૂમિકા

રાજકારણીઓ સતત કાયમી દાવો કરી રહ્યા છે કે દેશ અમે ચલાવીએ છીએ. વાત સ્વીકારવી પણ પડે કે, લોકશાહીનું ચાલક બળ ચૂંટાયેલા લોકો જ છે. ગાંધી અને સરદાર જે દેશદાઝ ધરાવતા હતા તે હવે કાળક્રમે લુપ્ત થઈ રહી છે. મહાત્મા ગાંધી વિદેશમાં ધિકાતી વકાલત છોડી ભારત આવી ગયા હતા. આજે ધનીકો અને રાજકીય લોકો યેનકેન પ્રકારે પોતાના સ્વાર્થ માટે ભારત છોડી રહ્યા છે. અમેરિકાને મારા તમારા જેવા લાચાર લોકોની જરૂર નથી, તે પણ સદ્ધર લોકોને સહર્ષ આવકારે છે.

રાજકીય મૂલ્યો ઘસાઈ રહ્યા છે, રાજકારણીએ પોતાનું વર્ચસ્વ જાળવવા માટે સબળ લોકોના ખોળામાં બેસવું પડે છે. ગરીબોના ઉદ્ધારના નામે સત્તામાં આળોટતા નેતાઓ અને કાર્યકરો ખાનગીમાં શક્તિશાળી લોકોની પગચંપી કરતા હોય છે. ગુજરાતના મોટા ગજાના રાજકીય નેતા નીતિન પટેલે હૈયાવરાળ કાઢતા કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે!

રાજકારણ શું દલાલી માટે છે? દલાલો માટે છે? આ કોલમના લેખકે પણ દુનિયા બહુ બારીકાઈથી જોઈ છે. રાજકારણમાં સેવાના નામે મેવા અને સલામતી શોધવાની માનસિકતા છેલ્લા અઢી દાયકાથી જ શરૂ થઈ છે. ધંધાને બચાવવા કે વધારવા માટે રાજકીય શરણ શોધતા લોકો નૈતિકતાના નામે મોટું કલંક છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના એક રાજકીય નેતાએ ભાજપને દાયકાઓ સુધી ઉતારી પાડવાનું કર્મ કર્યું અને થોડા સમય પહેલાં તે મહાશય હળવેકથી ભાજપમાં સરકી ગયા! હવે મંત્રીપદના સપના જોવે છે.

પબ્લિક હૈ, સબ જાનતી હૈ. પરંતુ, મતદારો પણ હવે પોત ગુમાવી ચૂક્યા છે. પક્ષપલટો કરનાર નેતાને પાઠ ભણાવવો જોઈએ.

સેવા કે મેવા?

રાજકારણ સેવા માટેનું માધ્યમ છે તેવું આદર્શોમાં કહેવાય છે, પરંતુ કવિ ન્યાયે, શબ્દાનું પ્રાસ મેળવી મારા જેવા દેશ ચિંતકે સેવા સાથે મેવાને આબાદ ફીટ બેસાડી દીધા છે. થોડા સમય પહેલાં એક જર્જરિત કોંગ્રેસી નેતા ભાજપમાં ભળી ગયા પછી બહુ ખુશ દેખાતા હતા, મારાથી અનાયાસે ખુશીનું કારણ પુછાય ગયું.. તેમણે પણ લુચ્ચું હાસ્ય વેરતાં કહ્યું કે.. ગોઠવાઈ ગયું!

દેશની ધીમી ગતિનું કારણ જ આ ગોઠવણ છે. સેવાદારો દ્વારા સેવાના નામે ગજવામાં મેવા સેરવવાની જે રમત ચાલી રહી છે તે તંદુરસ્ત લોકશાહી માટે બહુ જોખમી છે.

ચોકીદાર

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ ઉચ્ચ સાહિત્યકાર કે ફિલ્મી લેખક કરતાં પણ ચોટદાર ડાઈલોગ આપી શકે છે. જેમ ફિલ્મની સાથે સંવાદો પણ ભુલાઈ જાય તેમ ચૂંટણી પૂરી થતાં આવા સૂત્રો પણ હવા.. હવા થઈ જાય છે. એક સમયે ભાજપના નેતાઓ અને કાર્યકરોને મતદારોના હક્કો અને વિકાસ માટે મૈ ભી ચોકીદાર નો નારો ગજવ્યો હતો. ચૂંટણી પૂરી થઈ એટલે ચોકીદારો વિસરાઈ ગયા! વિકાસના ભોજન સમારંભમાં પહેલી પંગતમાં પીરસણિયાઓ જ અડિંગો જમાવી માલ મલિદા ઝાપટી લે છે. હાલારના નાના કોન્ટ્રાકટરો મહાનગરપાલિકામાં અને મોટા કોન્ટ્રાકટરો ગાંધીનગરમાં સિફતથી રાજકીય ખેસ પહેરી ગોઠવાઈ ગયા છે. ચોકીદારોની ફરજો અને નૈતિકતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. મોદી સાહેબ પણ મોટા મનના નેતા છે, સૂત્રો આપી ભૂલી જાય છે, માફ કરી દે છે અથવા આંખ આડા કાન કરી દે છે. રાજકોટમાં ટી. પી. ઑ. સાગઠિયાના કેસમાં કોઈ રાજકીય નેતા તો શું, કાર્યકરનું નામ પણ ન ખૂલ્યું!

કોંગ્રેસ

અહી કોંગ્રસ બાબતે બહુ કઈ લખી કે બોલી શકાય તેમ નથી, કારણ કે ગુજરાતમાં ત્રણ દાયકાથી તે સત્તામાં નથી. તેના સૂત્રો કે નિર્ણયો નાના બાળકના તોફાનોની જેમ ભૂલી જવા જોઈએ. મધમાખીઓ મધપૂડો હોય ત્યાં જાય, કોંગ્રેસ પાસે ન તો મધપૂડો રહ્યો છે કે મધમાખીઓ! હાલારના એક રાજકીય નેતા ચૂંટણી કોંગ્રેસમાંથી લડે અને માથું કમલમ બાજુ રાખીને મીઠી નિંદર માણે છે! મતદારો પણ બહુ ઉદાર દિલ અને મનના છે, આવા ડબલ ઢોલકી નેતાઓની કાયમી નોંધ રાખતા નથી.

ડબલ ઢોલકી નેતાઓ માત્ર હાલારમાં જ છે, તેવું નથી, અત્ર તત્ર, સર્વત્ર છે. આ યુનિવર્સલ ફીનોમિના છે. રાષ્ટ્રીય માનસિકતા કે માંદગી છે. કોંગ્રેસ પાસે સત્તા નથી એટલે તેના લેખાં જોખાં બહુ કરી શકાય તેમ નથી. વાચકો માફ કરે!

ઉપચાર

દરેક ચૂંટણીમાં કાજુ બદામ ખાનાર લોકો દ્વારા મતદારોને રેવડી ઓફર કરવામાં આવે છે. આવકવેરાની મર્યાદા ૧૨ લાખ કરવાના અને આઠમાં પગાર પંચની જાહેરાતે દિલ્હીના મતદારોના મન પિગળવી દીધાં તેમ ચૂંટણી નિષ્ણાતો કહે છે. કારણ કે, અહી પગારદાર અને મધ્યમ વર્ગ બહુ મોટા પ્રમાણમાં છે. મતદારોને પણ ફિક્કી ગુજરાતી ફિલ્મ જેવા વિપક્ષને બદલે દે ધનાધન જેવા દક્ષિણની ફિલ્મો જેવા નેતાઓ બહુ ગમે છે. મતદારો હિસાબ માંગવાનું લગભગ ભૂલી ગયા છે. જામનગરમાં રેલવે સ્ટેશનનું આધુનિકરણ કેમ ન થાય? વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાલારમાં કેટલા નવા ઉદ્યોગો આવ્યા, કેટલાને રોજગારી મળી તેના આંકડા કેમ જાહેર ન થાય? અમદાવાદ જેવો ફ્લાવર શો અહી કેમ ન થાય? જામનગરના પ્રવાસીઓને કેટલીક ટ્રેનો માટે શા માટે હાપા આવન જાવન કરવી પડે? વિશ્વ પ્રસિદ્ધ  ઓઇલ રિફનારીઓ હોવા છતાં હવાઈ અડ્ડો કેમ સૂમસામ ભાસે છે? એક સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ કેમ ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યું છે? જામનગરનું નામ ઓઇલ રિફાઇનરીઓને કારણે દુનિયામાં ઓળખાય છે, તો પછી એક પણ ઇન્ટરનેશનલ માઈલસ્ટોન જેવી માળખાકીય સુવિધા કેમ નથી? શહેરી વિકાસ માટે મહત્ત્વની ગણાતી ટી.પી. સ્કીમોનો અમલ જામનગરમાં કેમ ગોકળ ગાયની ઝડપે કરવામાં આવે છે?

મતદારો જો રેવડીઓથી જ સંતુષ્ટ હોય તો કદી કાજુ બદામ મળવાના નથી!

દેશની ૧૫૦ કરોડની જનતાને નરેન્દ્ર મોદી પ્રત્યે મોટી આશા છે. તે કૉઈ ક્રાંતિ કરશે જ તેવી આશામાં ગુજરાતમાં ૩૦ વર્ષથી અને કેન્દ્રમાં ૧૦ વર્ષથી બેસાડે છે. ખોબલે ને ખોબલે મત ઠાલવે છે. કેજરીવાલ જેવા રાજકીય નેતાથી નિરાશ થાય ત્યારે મતદારો મોદીના ખોળામાં માથું ઢાળી દે છે.

નરેન્દ્ર મોદીના નામે પથરા પણ તરે છે તેવું કહેવાય છે. વાસ્તવમાં મોદીજીએ હવે આ પથરાઓને દૂર હડસેલવા પડશે. દેશની લોકશાહીની મોટી કરૂણતા એ છે કે તેમાં રાજકીય પક્ષ ગુણવત્તાના આધારે નહીં પરંતુ સંખ્યાના આધારે ગાદી હાંસલ કરે છે.

સેવા પરમો ધર્મઃ

સેવા એજ મહાન ધર્મ છે તેવું ગીતમાં કહ્યું છે. આપણાં સેવકો હવે આગળ વધી રહ્યા છે, સેવાની સાથે આબાદ રીતે મેવાને પણ જોડી દીધા છે. ભારતમાં એમ કહેવાય છે કે, અહી બે રીતે પાપ ધોવાઈ શકે છે, એક.. કુંભમેળામાં ડૂબકી મારવાથી અને બીજું.. ભાજપમાં જોડવાથી! આવું બધું વાંચીને ભાજપ પ્રેમી લોકો નારાજ થશે તે નિશ્ચિત છે, પરંતુ કોઇકે તો ખાંડાં ખખડાવવા જ પડશે.

'નોબત'ના વાચકો અને ચાહકો લોકશાહીના સાચા પ્રહરી બને, સત્તાને સવાલો પૂછે અને સંતોષકારક પરિણામ ન મળે તો કડક શિક્ષકની જેમ સેવકને શિક્ષા પણ કરે તેવી હિમ્મત અને લાગણી પ્રભુ આપે તેવી અભ્યર્થના.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh